ટેસ્લાના શેર્સમાં 40%ના કડાકા બાદ મસ્ક માટે રાહતભર્યા સમાચાર, રોબોટેક્સી માટે એપ્રુવલ મળ્યું
Elon Musk Gets Approval For Robotaxi: ટેસ્લાના સ્ટોક ઘણાં સમયથી ગબડી રહ્યા છે અને હાલમાં એની કિંમત 40 ટકા ઓછી થઈ ગઈ છે. આ સમયે જ ઈલોન મસ્કની કંપની ટેસ્લાને કેલિફોર્નિયા દ્વારા રોબોટેક્સી માટેનું પહેલું અપ્રુવલ મળી ગયું છે. ઈલોન મસ્ક ઘણાં સમયથી રોબોટેક્સી માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને હવે તેનું સપનું પૂરું કરવા માટેની પહેલી પરવાનગી તેને મળી ગઈ છે.
40 ટકા શેર ગબડ્યા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સપોર્ટ કર્યા બાદ તેની કંપનીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રેડ વોર શરુ કરવામાં આવતાં પણ તેની અસર મસ્કની કંપની પર પડી છે. ત્યારથી લઈને અત્યાર સુધી ટેસલના શેરની કિંમત 40 ટકા ઘટી ગઈ છે. ઈલોન મસ્કે તેના કર્મચારીઓને વિનંતી કરી છે કે તેઓ આ સ્ટોકને સાચવીને રાખે અને ધીરજ રાખે. બની શકે ઈલોન મસ્કનો કોઈ પ્લાન હોય અને એ પ્લાન આ રોબોટેક્સી હોય એવું લાગી રહ્યું છે.
રોબોટેક્સી માટે પરવાનગી
કેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન દ્વારા ઈલોન મસ્કને પહેલી રેગ્યુલેટરી પરવાનગી મળી ગઈ છે. હવે ઈલોન મસ્ક ખૂબ જ ઝડપથી આ વિશે આગળ કામ કરી શકે છે. ટેસ્લાને ટ્રાન્સપોર્ટેશન ચાર્ટર-પાર્ટી પરમિટ આપવામાં આવી છે. ટેક્સિ સર્વિસ માટે આ એક લાયસન્સ છે. આ લાયન્સની મદદથી ટેસ્લા કંપની હવે પ્રી-અરેન્જ ટ્રીપ માટે સર્વિસ પૂરી પાડી શકશે. જોકે આ લાયસન્સ હજી સુધી ફક્ત તેની કંપનીઓના કર્મચારીઓ પૂરતું છે. આ લાયસન્સ દ્વારા તે પ્રોફેશનલ ટેક્સી સર્વિસ શરુ નહીં કરી શકે. આ માટે તેણે અલગથી પરવાનગી લેવી પડશે.
સાઇબરકેબ માટે હજી પણ જોવી પડશે રાહ
ટેસ્લાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં સાઇબરકેબ લોન્ચ કરી હતી, જેમાં સ્ટેયરિંગ વ્હીલ પણ નહોતો. આ સર્વિસને કેલિફોર્નિયા અને ટેક્સાસમાં શરુ કરવામાં આવશે. જોકે ઈલોન મસ્કને આ માટે પરવાનગી મળવામાં સમય લાગી રહ્યો છે. તેને કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઑફ મોટોર વ્હીકલ અને કેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન પાસેથી પ્રોફેશનલ સર્વિસ માટે પરવાનગી લેવી પડશે. જોકે એમાં હવે સમય લગાડવામાં આવી રહ્યો છે. ઈલોન મસ્કે જ્યારે ઑક્ટોબરમાં આ કેબ લોન્ચ કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે તે એક વર્ષની અંદર આ સર્વિસ શરુ કરી દેશે, પરંતુ તેને હાલમાં પોતાના કર્મચારીઓ માટે જ પરવાનગી મળી છે.
આ પણ વાંચો: જીમેલમાં નવું AI ફીચર લોન્ચ કર્યું ગૂગલે: મહત્ત્વના ઇમેલ પહેલાં જોવા મળશે
વામ્યોને ટક્કર આપવાની તૈયારી
ગૂગલની રોબોટેક્સી વામ્યો હાલમાં કાર્યરત છે. ટેસ્લા એને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ માટે તેણે પહેલાં જરૂરી પરવાનગી લેવી પડશે. આ પરવાનગી લેવા માટે તેણે હજી સુધી કોઈ કાર્યવાહી પણ શરુ નથી કરી. જ્યાં સુધી તે એપ્લાઇ નહીં કરે ત્યાં સુધી તેને પરવાનગી પણ નહીં મળે. ટેસ્લા અત્યારે તેના તેની રોબોટેક્સીને ટેસ્ટિંગ કરી શકે છે, પરંતુ એમાં એક સેફ્ટી ડ્રાઇવર હાજર હોવો જોઈએ. તેમ જ તેના કર્મચારીઓ માટેની પરવાનગી પણ હવે તેને મળી ગઈ છે. પ્રોફેશનલ સર્વિસ માટેની પરવાનગી તેને મળતાં તે સીધો ગૂગલ સાથે ટક્કરમાં આવશે.