મસ્કે ભારતના ડેટા સિક્યોરિટી નિયમનો સ્વીકાર કર્યો, લાયસન્સ પ્રોસેસ ઝડપી કરવામાં ટ્રમ્પનો હાથ!
Starlink Agree to Indian Rules: ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક દ્વારા ભારતના નિયમો સ્વીકારી લેતાં હવે તેને ઝડપથી લાયસન્સ મળી જશે એવું લાગી રહ્યું છે. ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ‘સ્ટારલિંક’ હવે ભારતમાં પગપેસારો કરી રહી છે. આ માટે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, મુકેશ અંબાણી આ માટે લોબી ચલાવી રહ્યા હતા જેથી કરીને ઇલોન મસ્કની કંપની ભારતમાં ન આવી શકે. હવે, તે ધારવા કરતાં વહેલી ભારતમાં આવશે એવા એંધાણ છે.
બે વર્ષ પહેલાં કર્યું હતું એપ્લાય
સ્ટારલિંક સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ પૂરું પાડવાની છે. આ માટે તેણે ભારતમાં તેની સર્વિસ શરુ કરવા માટે લાયસન્સ લેવું પડે છે. આ કંપનીએ 2022ના ઑક્ટોબરમાં ગ્લોબલ મોબાઇલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ સર્વિસ હેઠળ લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. એમાની એક શરત ઇલોન મસ્ક નહીં માને એવું લાગી રહ્યું હતું, પરંતુ હવે તેણે એ શરત સ્વીકારી લીધી છે અને બહુ જલ્દી લાયસન્સ મળી શકે છે.
શું છે નિયમ?
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટારલિંક સામે કેટલીક શરતો મૂકી હતી. આ શરતોમાં એક શરત ડેટા લોકલાઇઝેશનની હતી. આ શરત મુજબ ઇલોન મસ્કની કંપનીએ ભારતના તમામ ડેટાને દેશમાં સ્ટોર કરવા પડશે. તેમ જ સિક્યોરિટીની વાત જ્યારે હોય ત્યારે એ ડેટાનો એક્સેસ પણ આપવો પડશે. સ્ટારલિંક કંપનીએ દેશની સિક્યોરિટીની વાતને ધ્યાનમાં રાખીને એ વાતને માની લીધી છે. જોકે આ માટે ઓફિશિયલ એગ્રીમેન્ટ કરવાનો બાકી છે, પરંતુ તેમણે તૈયારી દેખાડી છે.
લાયસન્સની પ્રોસેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ
આ નિયમને માની લેતા લાયસન્સની પ્રોસેસ હવે સ્પીડમાં ચાલશે એવું લાગી રહ્યું છે. આ માટે સ્ટારલિંક હવે ઇન્ડિયન સ્પેસ રેગ્યુલેટર સાથે પણ વાતચીત કરી રહી છે. તેમની પાસેથી પણ જરૂરી પરવાનગી લેવાની હોય છે આથી હવે એની પણ પ્રોસેસ શરુ કરી દીધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટેની કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતી ગયા હોવાથી આ લાયસન્સની પ્રોસેસ સ્પીડમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે ઇલેક્શનમાં જોઈ શકાયું હતું કે ટ્રમ્પ અને મસ્ક એકમેકના કેટલાં નિકટ છે.
મુકેશ અંબાણીએ ઉઠાવ્યો હતો વાંધો
ઇલોન મસ્કની કંપની જિયો અને તેના જેવી અન્ય કંપનીઓને ટક્કર આપશે એથી આ પ્રોસેસને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મુકેશ અંબાણી, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાનું કહેવું હતું કે સ્પેક્ટ્રમને હરાજીમાં વેંચવામાં આવે જેથી કોમ્પિટિશનમાં દરેકને ચાન્સ મળે. જોકે ઇલોન મસ્કે કહ્યું હતું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટે ઇન્ટરનેશનલ નિયમ અનુસાર જ એની વહેંચણી કરવી જોઈએ.
આ પણ વાંચો: અમેરિકાની નવી સિક્યોરિટી સ્ટ્રેટજી: ટ્રમ્પની સુરક્ષા કરશે રોબોટિક ડોગ
ગ્રાહકો પર એની અસર
સ્ટારલિંક માર્કેટમાં આવવાથી કોમ્પિટિશનમાં વધારો થશે. હાલમાં જ દરેક કંપની દ્વારા ડેટા પ્લાનના ભાવ વધારી દેવામાં આવ્યાં છે. જોકે સ્ટારલિંકના ભારતમાં આવવાથી ગ્રાહકોને ફરી સસ્તી સેવા મળી શકે છે.