સોશિયલ મીડિયા પર વધ્યા ‘હોટ ગર્લ’ ક્રિપ્ટો સ્કેમ: મસ્કે શું કહ્યું? જાણો વિગતવાર…
Elon Musk Warns Users: ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના સીઇઓ ઇલોન મસ્કે હાલમાં જ યુઝર્સને ક્રિપ્ટો સ્કેમથી ચેતવણી આપવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા X પર હાલમાં ઘણા ક્રિપ્ટો સ્કેમ થઈ રહ્યા છે, અને એના માલિક દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે. ઇલોન મસ્કે આ પોસ્ટ કરી હતી, જેને અત્યાર સુધીમાં 10.7 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.
ક્રિપ્ટો સ્કેમ અને એની અસર
ક્રિપ્ટો સ્કેમમાં ઘણા પ્રકારના છેતરપિંડીના કિસ્સાઓ જોવા મળે છે, પરંતુ દરેકનો હેતુ એક જ હોય છે—લોકો પાસેથી પૈસા પડાવવાના. આથી, યુઝર્સને વિવિધ રીતે ભોળવીને તેમની પાસેથી પૈસા કઢાવી લેવામાં આવે છે. ઘણી વાર ક્રિપ્ટોમાં ઇનવેસ્ટ કરવા માટે સામેથી પૈસા આપવાની વાત કરવામાં આવે છે. આ માટે કોઈ પણ તૈયાર થઈ જાય છે. જોકે છેતરનાર ત્યારે પોતાની ચાલ ચાલે છે જ્યારે કોઈ વ્યક્તિ આ માટે તૈયાર થઈ જાય. આ માટે યુઝરના બેન્ક ખાતામાં પૈસા નાખવાની વાત કરવામાં આવે છે અને એ દરમ્યાન દરેક માહિતી યુઝર પાસેથી કઢાવી લેવામાં આવે છે. પરિણામે, પૈસા આવવા કરતાં ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે.
અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેન્ટ સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે 2023માં અંદાજે 3.9 બિલિયન અમેરિકન ડોલર ક્રિપ્ટોમાં ઇનવેસ્ટમેન્ટ તરીકે લોકો પાસેથી છેતરવામાં આવ્યા હતા. આ માટે ખોટી પ્રોફાઇલ બનાવીને હોટ ગર્લનો ફોટો અપલોડ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકોને છેતરવામાં આવે છે. આ વિશે જ ઇલોન મસ્કે લોકોનું ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો: ગૂગલથી ક્રોમ અલગ થઈ શકે છે: સર્ચ એન્જિનને ખરીદવા માટે OpenAI તૈયાર
કેવી યુક્તિઓનો ઉપયોગ થાય છે?
સૌથી પહેલાં, યુઝર્સને ખૂબ જ વધુ પ્રોફિટની ગેરંટી આપવામાં આવે છે. આ પણ એ પ્રોજેક્ટ માટે હોય છે જેમાં એ વ્યક્તિ દ્વારા ઇનવેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. આ માટે ઘણી એડ્સ અને ખોટા વીડિયો બનાવી રાખવામાં આવે છે. ઘણી સેલિબ્રિટીઝ દ્વારા એનું પ્રમોશન કરતાં ડીપફેક વીડિયો બનાવવામાં આવે છે. યુઝર્સને એમાં ઇનવેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. એક વાર યુઝર પૈસા ટ્રાન્સફર કરી દે છે, ત્યારબાદ આ વ્યક્તિ ગાયબ થઈ જાય છે અને તેને શોધી પણ શકાતું નથી. આથી, ઇલોન મસ્કે હોટ ગર્લ સ્કેમથી બચીને રહેવા માટેની સલાહ આપી છે.