મફતમાં કામ કરતા નોકર લઈને આવી રહ્યા છે મસ્ક, રોબોટ 'ઓપ્ટિમસ' કરશે તમારા ઘરનું બધું કામ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Elon Musk and Humanoid Robot Optimus


Humanoid Robot Optimus: દિવસ દરમિયાન આપણે બધાએ એવા અનેક કામ કરવા પડતા હોય છે જે ભારે કંટાળાજનક હોય છે. જેમ કે, કપડાંની ગડી કરવી, કાર સાફ કરવી, બારીબારણાં ખોલબંધ કરવા. આવા કામ ઘણાને સમયનો બગાડ પણ લાગતા હોય છે. આવા કંટાળાજનક અને સમયબગાડુ કામ કરવાની જફા ભવિષ્યમાં મટી જશે, કેમ કે તમારી સેવામાં હાજર થશે એવો રોબોટ જે તમારા એક આદેશ પર તમારા બધાં કામ કરી દેશે.   

ઈલોન મસ્ક માનવસુખાકારી વધારવા બનાવી રહ્યા છે હ્યુમનોઇડ

માર્કેટમાં ચકાચક ઇલેક્ટ્રિક કાર મૂક્યા બાદ પૃથ્વીવાસીઓને અવકાશયાત્રા કરાવવાની દિશામાં ધરખમ સંશોધન કરી રહેલા અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક માનવસુખાકારી વધારવાના ઈરાદે એક હ્યુમનોઇડ બનાવી રહ્યા છે. તાજેતરમાં આ હ્યુમનોઇડ બાબતે એમણે એક જાહેરાત કરી છે.

શું જાહેરાત કરી ઈલોન મસ્કએ?

ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એવી જાહેરાત કરી હતી કે, 'ટેસ્લાના 'ઓપ્ટિમસ' નામના હ્યુમનોઇડનું લેટેસ્ટ વર્ઝન માર્કેટમાં આવતા હજુ સમય લાગશે. 2025 માં ઓપ્ટિમસ ટેસ્લા કંપનીના અલગઅલગ ડિપાર્ટમેન્ટમાં ઉપયોગમાં લેવાશે અને પછી 2026માં માર્કેટમાં મૂકવામાં આવશે.' અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્કે અગાઉ જાહેરાત કરી હતી કે વર્ષ 2024 ના અંત સુધીમાં 'ઑપ્ટિમસ' વેચાણ માટે માર્કેટમાં મૂકી દેવામાં આવશે. 

આ પણ વાંચો: NASA એ કર્યો કમાલ, અંતરિક્ષ યાત્રી ચંદ્ર પરથી લાઈવ કરી શકશે, માનવ મિશનમાં મળશે મોટી મદદ

શું છે ઓપ્ટિમસ?

ઓપ્ટિમસ એ હ્યુમનોઇડ રોબોટ છે. એક એવો રોબોટ જે માણસની જેમ કામ કરી શકે છે. ટેસ્લાની ઇલેક્ટ્રિક કારમાં જે ડ્રાઇવર-આસિસ્ટન્ટ સિસ્ટમ ઉપયોગમાં લેવાઈ છે એ જ AI સિસ્ટમ ઓપ્ટિમસની બનાવટમાં પણ વાપરવામાં આવી છે. 2021 માં આવો કોઈ હ્યુમનોઇડ બનાવવામાં આવી રહ્યો હોવાની ઘોષણા ઈલોન મસ્કએ કરી હતી. 

2022 માં 'ઓપ્ટિમસ'નો પ્રોટોટાઈપ (ઓરિજનલ મોડલ) રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે જ ઈલોન મસ્કએ જણાવ્યું હતું કે એમની યોજના ઓપ્ટિમસને 2024 ના અંત સુધીમાં માર્કેટમાં મૂકી દેવાની છે. 

જોકે, 2024 ના અંત સુધીમાં આ કામ પાર પડે એમ ન હોવાથી તાજેતરમાં મસ્કએ એ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. વર્ષ 2025 દરમિયાન ટેસ્લાના વિવિધ ડિપાર્ટમેન્ટમાં 1,000 થી વધારે ઓપ્ટિમસ પાસે કામ કરાવીને એની કાર્યક્ષમતા ચકાસવામાં આવશે અને પછી એને વેચાણ માટે વર્ષ 2026 માં માર્કેટમાં ઉતારવામાં આવશે. 

રૂપ-રંગે કેવો છે ઓપ્ટિમસ?

ઓપ્ટિમસ 5 ફૂટ 8 ઈંચ ઊંચો છે અને 57 કિગ્રા વજન ધરાવે છે. તે મહત્તમ 20 કિલો વજન ઊંચકી શકે છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ એના વીડિયોમાં જોઈ શકાય છે કે રૂપે-રંગે-ઘાટે ઓપ્ટિમસ ગમી જાય એવો છે, અને એનું હલનચલન પણ સ્મૂધ છે. 

આ પણ વાંચો: DRDOની વધુ એક સિદ્ધિ, પૃથ્વી-2 ન્યુક્લિયર અને ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

ઓપ્ટિમસનું નામકરણ કઈ રીતે થયું?

હોલિવુડની 'ટ્રાન્સફોર્મર્સ' સિરીઝની ફિલ્મોમાં મુખ્ય રોબોટનું નામ હતું 'ઓપ્ટિમસ પ્રાઇમ'. એના નામ પરથી ઈલોન મસ્કએ ટેસ્લાના હ્યુમનોઇડને 'ઓપ્ટિમસ' નામ આપ્યું છે. એને 'ટેસ્લા બોટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

હાલમાં કેવા કેવા કામ કરી શકે છે ઓપ્ટિમસ?

માણસો જે કામ નથી કરવા ઈચ્છતા એવા તમામ કામ ઓપ્ટિમસ કરી આપશે, એવો દાવો મસ્ક સતત કરતા આવ્યા છે. આ વાતની સાબિતી રૂપે તેઓ અવારનવાર ઓપ્ટિમસના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. 

કોઈ વીડિયોમાં ઓપ્ટિમસ ચાલતો દેખાય છે તો કોઈમાં ડાન્સ કરતો, કોઈમાં બેસતો-ઊભો થતો દેખાય છે તો કોઈમાં સહેલાઈથી તૂટી જતા ઈંડા પણ હાથમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકતો દેખાય છે. 

શું કહે છે નિષ્ણાતો?

રોબોટિક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને ઈલોન મસ્કના દાવા હાસ્યાસ્પદ લાગે છે. એમનું કહેવું છે કે, ઓપ્ટિમસ જે કામ કરે છે એવા કામ તો અન્ય કંપનીના રોબોટ વર્ષોથી કરતા આવ્યા છે, એમાં નવું કશું નથી. હા, દેખાવે ઓપ્ટિમસ માણસ જેવો વધારે લાગે છે ખરો, પણ એ કામ પણ માણસની જેમ કરતો હોય ત્યારે સાચું માનવું. હાલમાં જે ઓપ્ટિમસ છે એ મસ્કના દાવાઓ જેટલો પાવરફૂલ તો નથી જ. માટે જ કદાચ મસ્કે હાલ પૂરતું એને માર્કેટમાં ઉતારવાનું મુલતવી રાખ્યું છે.

આ પણ વાંચો: આ ગેમ ચેન્જર એન્જિનથી સ્પેસ ટ્રાવેલ સસ્તું થશે, ઈંધણથી નહીં પણ હવા, ધૂળ અને પાણીથી ચાલશે...

નિષ્ણાતોની વાતમાં દમ તો છે, પણ ઓપ્ટિમસનો આગામી અવતાર વધુ કાર્યક્ષમ હશે, એવી આશા રાખી શકાય. વાયદા પ્રમાણે 2026 માં નહીં તો એ પછીના વર્ષોમાં, આપણા ઘરમાં એક વાર ખરીદો પછી દર મહિને પગાર આપવાની ઝંઝટ નહીં રહે એવો હ્યુમનોઇડ ઓપ્ટિમસ કામ કરતો હોય, એવા દિવસો આવશે જરૂર.


Google NewsGoogle News