ચેટજીપીટી અને ડીપસીકને ટક્કર આપશે Xનું ચેટબોટ ગ્રોક 3: ઈલોન મસ્કે કહ્યું, ‘આ AI સ્કેરી સ્માર્ટ છે’
Elon MusK On Grok AI: ઈલોન મસ્ક તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ગ્રોક બનાવી રહ્યો છે. ગ્રોક 3 ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે અને ઈલોન મસ્કનું કહેવું છે કે તે સ્કેરી સ્માર્ટ છે. માર્કેટમાં હાલમાં ચેટજીપીટી, મેટા AI, જેમિની AI, ડીપસીક અને કોપાઇલટ જેવા ઘણા AI ઉપલબ્ધ છે. એક પછી એક નવા AI આવી રહ્યા છે. ઈલોન મસ્ક પણ આ હરોળમાં જોડાઈ રહ્યો છે.
લોજિકલ અને ચોક્કસ જવાબ આપશે
ઈલોન મસ્કનું AI ગ્રોક 3 તેના જૂના વર્ઝન કરતાં ખૂબ જ ઍડ્વાન્સ છે. આ વર્ઝન એકદમ ચોક્કસ અને લોજિકથી ભરેલા જવાબ આપશે. તેનો કોમ્પ્યુટિંગ પાવર ખૂબ જ વધુ છે અને તેને ખૂબ જ વધુ ડેટાનો ઉપયોગ કરીને ટ્રેઇન કરવામાં આવ્યું છે. આ સાથે જ કોઈ ખોટી માહિતી હશે તો તેને ઓટોમેટિક ફિલ્ટર કરીને સાચા જ જવાબ આપશે.
ફીડબેકથી સતત શીખતું રહેશે
ગ્રોક 3નું સૌથી મહત્ત્વનું ફીચર ખોટી માહિતી ફિલ્ટર કરવાનું છે. જોકે આ સાથે તેને જે ફીડબેક આપવામાં આવશે તેનાથી તે સતત સુધરતું રહેશે. આ સુધારાને કારણે તે વધુ એક્યુરેટ અને રિલાયેબલ જવાબ આપશે. ઈલોન મસ્કના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારના ફાઇન-ટ્યુનિંગ વિના એટલે કે સુધારા-વધારા કર્યા વગર પણ ગ્રોક 3 એ તેના જૂના મોડલ ગ્રોક 2 કરતાં ખૂબ જ ઍડ્વાન્સ છે.
આ પણ વાંચો: એપલ આઇફોન SE 4ની સાથે 19 ફેબ્રુઆરીએ મેકબૂક, આઇપેડ અને એરટેગ પણ લોન્ચ કરીશે એવી ચર્ચા
ક્યારે રિલીઝ કરવામાં આવશે
ઈલોન મસ્કે હાલમાં જ દુબઈ સમીટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી. એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ગ્રોક 3ને હાલમાં પોલિશ કરવામાં આવી રહ્યું છે અને આગામી એક-બે અઠવાડિયામાં તેને રિલીઝ કરવામાં આવશે. યુઝરને તેનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા ન આવે એ માટે પહેલાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે નથી ઇચ્છતો કે અન્ય AIની જેમ તેને જલદી રિલીઝ કરવામાં આવે અને ત્યાર બાદ તેમાં સુધારા-વધારા કરવામાં આવે. ઓફિશિયલ લોન્ચ પહેલાં તેના પર્ફોર્મન્સને વિવિધ રીતે ચેક કરવામાં આવી રહ્યું છે. આ વિશે ઈલોન મસ્કે કહ્યું કે ‘ગ્રોક 3 સ્કેરી સ્માર્ટ છે.’ આથી આ ગેમ-ચેન્જર હોવાનું માનવામાં આવી રહ્યું છે.