સેમ ઓલ્ટમેન નહીં ‘સ્કેમ’ ઓલ્ટમેન: OpenAIના CEOને આવું કહ્યું ઈલોન મસ્કે
Elon Musk Gives Nickname to Sam Altman: ટેક ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મતભેદ થાય તો એ અંદર-અંદર નથી રહેતા, પબ્લિકમાં આવી જાય છે. આવો જ એક મતભેદ ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ચાલી રહ્યો છે. આ મતભેદને આગળ વધારતા ઈલોન મસ્ક દ્વારા હાલમાં જ સોશિયલ મીડિયા પર સેમ ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમેન’ કહીને સંબોધવામાં આવ્યો છે. તેમની વચ્ચે ઘણી વખત સોશિયલ મીડિયા પર આ પ્રકારની કમેન્ટ કરવામાં આવી રહી છે.
મતભેદની શરુઆત
ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન બન્ને OpenAIમાં સાથે કામ કરતા હતા. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ લેબ છે. ઈલોન મસ્ક પણ આ કંપનીના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે. આ કંપનીની શરુઆત નોન-પ્રોફિટ તરીકે કરવામાં આવી હતી, પરંતુ સમયની સાથે કંપનીને કઈ દિશામાં લઈ જવી અને લીડરશિપને લઈને મતભેદ થવા લાગ્યા. ઈલોન મસ્કનું કહેવું હતું કે આ કંપની નોન-પ્રોફિટ હોવી જોઈએ, જે રીતે તેની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ તેમના સતત મતભેદો હતા અને ઈલોન મસ્કે આખરે કંપની છોડી દીધી. 2019માં કંપનીને નોન-પ્રોફિટમાંથી બદલી નાખવામાં આવી હતી. ત્યાર બાદથી ઈલોન અને સેમ વચ્ચે જાહેરમાં મતભેદો થતા રહ્યા છે.
ઈલોન મસ્કની ઑફર
ઈલોન મસ્કે કંપની છોડી પછી, તે ટેસ્લા અને સ્પેસએક્સમાં વ્યસ્ત રહ્યો. OpenAIની કમાન સેમ ઓલ્ટમેન સંભાળતા રહ્યા. 2025માં, એટલે કે આ વર્ષે, ઈલોન મસ્કે OpenAIને 97.4 બિલિયન ડૉલરમાં ખરીદવાની ઑફર કરી, પરંતુ શરત મૂકી કે એને નોન-પ્રોફિટ બનાવવામાં આવે. સેમ ઓલ્ટમેન દ્વારા આ ઑફરને ફગાવી દેવામાં આવી હતી. સેમ ઓલ્ટમેનનો આક્ષેપ હતો કે મસ્ક આ ઑફર OpenAIની પ્રોગ્રેસને ધીમી કરવા માટે કરી રહ્યા છે.
‘સ્કેમ’ ઓલ્ટમેન કેમ કહ્યું?
સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સેમ ઓલ્ટમેન અમેરિકા સેનેટ જ્યુડિશિયરી સબકમિટીના સમક્ષ કબૂલાત કરી રહ્યા છે. આ વીડિયોમાં, સેમ ઓલ્ટમેન કહે છે કે તે તેમની પાસે એક પણ ઇક્વિટી નથી અને OpenAI તેમને હેલ્થ ઇન્સ્યોરન્સ પૂરતી જ સેલરી આપે છે. આથી આ વીડિયો પર ઈલોન મસ્કે ‘સ્કેમ ઓલ્ટમેન’ કહીને કટાક્ષ કર્યો હતો. મસ્ક સેમ ઓલ્ટમેનની લીડરશિપની ટીકા કરે છે અને આ કમેન્ટ એનું જ એક ઉદાહરણ છે.
ઈલોન મસ્કની કમેન્ટ વિશે સેમ ઓલ્ટમેનનું શું માનવું છે?
ઈલોન મસ્કની આ પ્રથમ કટાક્ષાત્મક કમેન્ટ નથી. સેમ ઓલ્ટમેનએ મસ્કની કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘મસ્ક ખૂબ જ ઇનસિક્યોર વ્યક્તિ છે અને એના કારણે આટલી કમેન્ટ કરે છે.’ ઓલ્ટમેનએ મસ્કની આ ઑફરની મજાક પણ ઉડાવી હતી.