OpenAIના વ્હિસલ બ્લોઅર સુચિર બાલાજીનું મૃત્યુ, જાણો ઇલોન મસ્કે શું પ્રતિક્રિયા આપી
Elon Musk On Suchir Balaji: ઇલોન મસ્ક અને OpenAI વચ્ચેનો વિવાદ ખૂબ જ જૂનો છે. ઘણાં સમયથી તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. OpenAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્કનો કેસ હાલમાં ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે, ઇલોન મસ્કની પ્રતિક્રિયાને લઈને ફરી ઘણાં સવાલ ઊભા થાય છે.
OpenAIમાં કરતો હતો કામ
સુચિર બાલાજી OpenAIમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરી રહ્યો હતો. તેણે જ્યારે કામની શરૂઆત કરી હતી ત્યારે એ કેવી રીતે કામ કરે છે, એનું જ્ઞાન નહોતું. જો કે સમય જતાં, તેણે તેમાં ઊંડા ઉતરવાનું શરૂ કર્યું. તેના રિસર્ચ બાદ, તેને જે જાણવા મળ્યું તેનાથી તે ચોંકી ગયો. તેણે જાહેરમાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલને લઈને કોપીરાઇટ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. કોપીરાઇટ એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ અન્ય વ્યક્તિ કરી શકશે નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કરી શકે છે, તે પણ કોઈ પણ જાતની પરવાનગી વગર.
માઇક્રોસોફ્ટને પણ આપી હતી ચેલેન્જ
OpenAI અને તેના પાર્ટનર માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ દરેક વસ્તુનો ઉપયોગ ખૂબ જ સમજી-વિચારીને કરે છે. તેમ જ તેઓ કોઈ પણ પ્રકારની ખોટી પ્રેક્ટિસ નથી કરતા. જો કે, સુચિર બાલાજીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે પણ ક્રિએટ કરે છે, એ એકદમ ઓરિજિનલ નથી હોતું. તે અન્ય વ્યક્તિઓના કામને ચોરી કરે છે અને તેના જેવું હૂબહું બનાવવાની કોશિશ કરે છે. આથી, એ સંપૂર્ણ પણે ઓરિજિનલ છે એ કહેવું ખોટું છે. કોપી નહી, પરંતુ તેના પરથી પ્રેરિત થઈને હુબહુ બનાવવાનો પ્રયાસ કરવો તે પણ એક રીતે કોપીરાઇટનું ઉલ્લંઘન છે, અને તેથી સુચિરે આ માટે દરેકને વિચારવાની સલાહ આપી હતી. જો કે, તેના વિચારો લોકો સુધી પહોંચે એ પહેલાં તે જ આ દુનિયામાં નથી રહ્યો.
ઇલોન મસ્કની પ્રતિક્રિયા
OpenAIની આ પ્રેક્ટિસને લોકો સમક્ષ લાવવા માટે તેને વ્હિસલ બ્લોઅર કહેવામાં આવી રહ્યો હતો. જો કે, તે રહસ્યમય રીતે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેને સુસાઇડ કહી રહી છે. જો કે, એ શું છે, તે તો તપાસ બાદ જ ખબર પડશે. આ સમાચાર ખૂબ જ ઝડપે ચર્ચામાં આવ્યા અને સોશિયલ મીડિયા પર તેને શેર કરવામાં આવતા હતા. એમાંથી એક સમાચારને શેર કરીને ઇલોન મસ્કે જે પ્રતિક્રિયા આપી તે વિચારવા જેવી છે.