ન્યુરાલિંક દ્વારા ત્રીજી વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક ચીપ પ્લાન્ટ: ફક્ત વિચારથી સ્માર્ટફોન અને લેપટોપને એક્સેસ કરાયા
Brain-Computer Chip: ઇલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા બ્રેઇન ચીપ ત્રીજી વાર સફળતાપૂર્વક વ્યક્તિના મગજમાં ફિટ કરવામાં આવી છે. આ ચીપને બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે ઇલોન મસ્કે લાસ વેગાસમાં જાહેરાત કરી હતી. આ ત્રણેય વ્યક્તિ ખૂબ જ સ્વસ્થ છે અને ચીપ સફળતાપૂર્વક કામ કરી રહી છે.
20-30નો ટાર્ગેટ
કંપની દ્વારા આ વર્ષે અંદાજે 20-30 વ્યક્તિઓમાં બ્રેઇન ચીપ બેસાડવાનો ટાર્ગેટ રાખવામાં આવી રહ્યો છે. આ ડિવાઇઝને પહેલીવાર અમેરિકાની એક વ્યક્તિમાં બેસાડવામાં આવી હતી. આ વ્યક્તિ દ્વારા હવે ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ આપવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિ ફક્ત તેના મગજનો ઉપયોગ કરીને વીડિયો ગેમ રમી શકે છે, ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે અને લેપટોપનું કર્ઝર પણ હલાવી શકે છે. આ દરેક વસ્તુમાં તેણે હાથનો પણ ઉપયોગ નથી કરવો પડતો. કંપનીનું કહેવું છે કે જે વ્યક્તિમાં ન્યુરોલોજી કન્ડિશન હોય, તેમના માટે આ ચીપ બનાવવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, કોઈને પેરાલિસિસ થઈ ગયું હોય, તો આ ચીપ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ચીપની થઈ રહી છે ટેસ્ટ
ન્યુરાલિંક દ્વારા FDAનું મંજૂરી મેળવવા માટે પહેલાં પાંચ વ્યક્તિ પર આ ટેસ્ટ કરવામાં આવવો જોઈએ, જેને ક્લિનિકલ ટેસ્ટ કહેવાય છે. આ ટેસ્ટ તમામ પેરાલિસિસ થયેલા વ્યક્તિ પર કરવામાં આવી રહ્યો છે. તેઓ તેમના વિચાર દ્વારા કમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવી ડિવાઇઝનો ઉપયોગ કરી શકે કે નહીં એ જોવામાં આવી રહ્યું છે. આ સાથે જ એક સ્ટડી પણ કરવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ સ્વસ્થ દિમાગવાળા વ્યક્તિ રોબોટને અથવા તો રોબોટની ટુકડીને ઓપરેટ કરી શકે છે કે નહીં એ ચેક કરવામાં આવી રહ્યું છે.
રોબોટ દ્વારા થાય છે સર્જરી
ન્યુરાલિંક દ્વારા બ્રેઇનમાં ચીપ લગાડવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રેઇનમાં સર્જરી કરવી સહેલી નથી. જરા પણ હાથ હલી ગયો તો બ્રેઇન હંમેશાં માટે ડેમેજ થઈ શકે છે. આ માટે બ્રેઇન-ચીપને માનવ શરીરમાં મૂકવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે.
શું છે બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ?
બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ એક ચીપ છે, જે એક મધ્યસ્થી તરીકે કામ કરે છે. બ્રેઇન પાસેથી એ સિગ્નલ મેળવે છે. આ સિગ્નલને કન્વર્ટ કરીને એ એક્સટર્નલ ડિવાઇઝ માટે કમાન્ડ બનાવે છે. એટલે કે બ્રેઇનના સિગ્નલ રિસીવ કરીને કમ્પ્યુટર અથવા તો મોબાઇલને ઓર્ડર કરે છે.
આ પણ વાંચો: એપલ દ્વારા છેલ્લા દસ વર્ષમાં કોઈ નવી વસ્તુ ઇનવેન્ટ કરવામાં નથી આવી: માર્ક ઝકરબર્ગ
ક્યારે મળી પરવાનગી?
2024ની નવેમ્બરમાં ન્યુરાલિંકને તેમના આ પ્લાન પર સ્ટડી કરવાની, એટલે કે ટેસ્ટ કરવાની પરવાનગી મળી હતી. ત્યાર બાદ તેમણે અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિમાં ચીપ પ્લાન્ટ કરી છે. આ સાથે જ કંપની રોબોટિક આર્મનો પણ ઉપયોગ આ ચીપ દ્વારા કરી શકાય કે નહીં એ પણ ટેસ્ટ કરી રહી છે. જો એ શક્ય બન્યું, તો આર્મીમાં તેનો ઉપયોગ કરી શકાશે. એક વ્યક્તિ આર્મીના બન્કરમાં બેસીને સેંકડો રોબોટને એક્સેસ કરી શકશે.