ઇલોન મસ્કે લોન્ચ કર્યું ગ્રોક 3, સૌથી પાવરફુલ AIના લોન્ચ દરમિયાન ડેમો માટે બનાવી ગેમ
Grok Launch: ઇલોન મસ્ક દ્વારા XAI ગ્રોક 3ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ AIનો ઉપયોગ યૂઝર્સ મોબાઇલ અને વેબ પ્લેટફોર્મ પર કરી શકશે. ગૂગલ જેમિની, OpenAI GPT-4 અને ડીપસીક માટે આ એક ચેલેન્જ લઈને આવ્યું છે. ગ્રોક 3 ઇમેજને પણ એનાલાઇઝ કરશે અને યૂઝર્સના સવાલનો જવાબ આપશે. એના કારણે હવે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો પણ યૂઝર્સને વધુ સારો અનુભવ મળશે.
ગ્રોક 3ને કેવી રીતે ટ્રેઇન કરવામાં આવ્યું છે?
અમેરિકાના ટેનિસીમાં આવેલા મેમ્ફિસમાં ગ્રોકનું ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે. એમાં 2,00,000થી વધુ GPUનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રોક 2 કરતાં ગ્રોક 3માં દસ ગણો વધુ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના કારણે એની ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતા પણ વધુ છે. આ મોડલને ટ્રેઇન કરવા માટે દરેક પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાં કોર્ટ કેસના ડોક્યુમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.
ગ્રોક 3ના ઘણા મોડલ
ગ્રોક 3 એક સિંગલ મોડલ નથી. એના ઘણા વર્ઝન છે, દરેકની ક્ષમતા અલગ અલગ છે. ગ્રોક 3 મિનિ ખૂબ જ નાનું મોડલ છે. તે ઝડપથી જવાબ આપે છે, પરંતુ એની એક્યુરસી થોડી ઓછી છે. ગ્રોક 3 રીઝનિંગ અને ગ્રોક 3 મિનિ રીઝનિંગને ખૂબ જ સમજવી વિચારીને બનાવવામાં આવ્યાં છે. આ બન્ને વર્ઝન કોઈ પણ સોલ્યુશન આપવા પહેલાં વિચાર કરે છે અને ત્યાર બાદ એનો જવાબ આપે છે. કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ માટે આ વર્ઝનનો ઉપયોગ ગ્રોક એપ્લિકેશનમાંથી કરી શકાય છે.
લાઇવ બનાવી ગેમ
ઇલોન મસ્કનું કહેવું છે કે આ પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI છે કારણ કે તે પોતે જ પોતાની જાતને સુધારે છે અને ભૂલ કરતી અટકાવે છે. ગ્રોકનું આ મુખ્ય ફીચર છે. ઇલોન દ્વારા ગ્રોકને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેણે લાઇવ ગેમ બનાવી હતી. જોકે આ એક બેસિક ગેમ હતી, પરંતુ તેણે આ સાથે XAI ગેમ સ્ટુડિયો લોન્ચ કરવાના પણ એંધાણ આપ્યાં છે. તે હવે ડેવલપરની જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગેમ લોન્ચ કરશે.
પરફોર્મન્સ
XAI એવો દાવો કરે છે કે ગ્રોક 3એ બેન્ચમાર્ક ટેસ્ટમાં GPT-4ને પાછળ છોડી દીધું છે. બેન્ચમાર્ક ટેસ્ટમાં AIME અને GPQAનો સમાવેશ થાય છે. એમાં મોડલના પરફોર્મન્સની ટેસ્ટ લેવામાં આવે છે જેમાં મેથ્સ અને PhD લેવલના સાયન્સ પ્રોબ્લેમ્સ વિશે સવાલો કરવામાં આવે છે. ગ્રોક 3નું લોન્ચ પહેલાં એક વર્ઝન હતું જેને ચેટબોટ અરેનામાં ટેસ્ટ માટે મૂકવામાં આવ્યું હતું. એમાં ક્રાઉડસોર્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે અને ઘણા AI મોડલનો એમાં સમાવેશ કરવામાં આવે છે. એમાં પણ પણ ગ્રોક દ્વારા સારું પરફોર્મ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રોક 3 રીઝનિંગ દ્વારા o3-Mini અને o3 Mini highને પણ પાછળ છોડી દેવામાં આવ્યું છે.
ભવિષ્યનો પ્લાન
ઇલોન મસ્કે કહ્યું છે કે તે બહુ જલદી ગ્રોક 3માં વોઇસ મોડનો સમાવેશ કરશે. એનો સમાવેશ XAIના એન્ટરપ્રાઇઝ APIમાં પણ કરવામાં આવશે અને એમાં ડીપસર્ચ ફીચર પણ હશે. ગ્રોક 3 હાલમાં Xના પ્રીમિયમ+ સબ્સ્ક્રાઇબર્સ માટે છે. જોકે એમાં હવે સુપરગ્રોક સબ્સ્ક્રિપ્શનનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સબ્સ્ક્રિપ્શનને એપ અને વેબસાઇટ બન્ને પરથી ખરીદી શકાશે. એડવાન્સ ફીચર અને નવા ફીચર્સને સૌથી પહેલાં ઉપયોગ કરનારા લોકો માટે આ સબ્સ્ક્રિપ્શન છે.