Get The App

ટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ કરવાનું પસંદ કરું છું'

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ કરવાનું પસંદ કરું છું' 1 - image


Elon Musk and Tik-Tok: ઇલોન મસ્કનું કહેવું છે કે તેને ટિક-ટોક ખરીદવામાં કોઈ રસ નથી. ટિક-ટોકને અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એના પર પ્રતિબંધ હટાવી દેવાયો હતો. ત્યાર બાદ ટિક-ટોકના અમેરિકાના યુનિટનો પચાસ ટકા હિસ્સો અમેરિકાને વેચવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કંપની કોણ ખરીદશે એ વિશે ચર્ચા ચાલી રહી હતી. એવું ચર્ચાઈ રહ્યું હતું કે માઇક્રોસોફ્ટ એ કંપની ખરીદશે. જો કે એ પહેલાં ઇલોન મસ્કનું નામ ચર્ચામાં હતું.

ટિક-ટોકમાં રસ નથી મસ્કને

ઇલોન મસ્કને આ શોર્ટ-વીડિયો સર્વિસ ખરીદવામાં કોઈ રસ નથી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઇલોન મસ્ક બાઇટડાન્સની ઍપ્લિકેશન ખરીદવા ઇચ્છે છે, તો તેમની સાથે વાત કરવા તેઓ તૈયાર છે. આ અંગે ઇલોન મસ્કે કહ્યું હતું કે, 'મેં ટિક-ટોક માટે કોઈ બોલી નથી લગાવી. મારી પાસે ટિક-ટોક હોય તો હું એનું શું કરીશ, એનો કોઈ પ્લાન જ નથી. ટિક-ટોકમાં મને કોઈ રસ નથી. હું મોટાભાગે કોઈ કંપની ખરીદતો નથી. એવું ભાગ્યે જ જોવા મળે છે. હું મોટાભાગે ઝીરોથી કંપનીની શરુઆત કરવાનું પસંદ કરું છું.'

પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું ટિક-ટોક

અમેરિકામાં ટિક-ટોકને બેન કરવા માટે ઑર્ડર સાઇન કરવામાં આવ્યો હતો અને એની અંતિમ તારીખ 19 જાન્યુઆરી હતી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બીજો ઑર્ડર પાસ કરીને એ પર પ્રતિબંધ હટાવી દેવાયો હતો. ટિક-ટોકને બેન કરવાનું કારણ નેશનલ સિક્યોરિટી અને તેમના યુઝર્સના ડેટાને લઈને ચિંતા દર્શાવવામાં આવી હતી. જો કે ટિક-ટોકે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, તેમણે ક્યારેય ડેટાને શેર નથી કર્યા.

ટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ કરવાનું પસંદ કરું છું' 2 - image

એપલ અને ગૂગલ સ્ટોર પર હજી નથી ઍપ્લિકેશન

ટિક-ટોકની સર્વિસ અમેરિકામાં શરુ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી આ ઍપ્લિકેશનને એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં નથી આવી. અમેરિકામાં આ કેસમાં કોર્ટ વચ્ચે પડતાં ગૂગલ અને એપલ બન્ને ઍપ્લિકેશનને રજૂ કરી શકશે તેમ નથી. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ બન્ને કંપનીઓ કાયદાની કાર્યવાહીમાં બંધાયેલી છે.

આ પણ વાંચો: પ્રયાગરાજમાં 'ટ્રાફિક'રાજ માટે તંત્ર જ જવાબદાર, જાણો ક્યાં થઈ ચૂક

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટિક-ટોકે કાઢ્યો રસ્તો

ટિક-ટોક દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે રસ્તો કાઢવામાં આવ્યો છે. યુઝર્સ હવે ટિક-ટોકની વેબસાઇટ પર જઈને એન્ડ્રોઇડ ઍપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે. તેમની વેબસાઇટ પર APK ફાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે એપલ યુઝર્સ માટે હજી પણ આ એપ ઉપલબ્ધ નથી. તેમના માટે આ એપ ઇન્સ્ટોલ કરવાનો કોઈ રસ્તો નથી. ટિક-ટોકના અમેરિકામાં 170 મિલિયન યુઝર્સ છે. આથી ટિક-ટોકનું અમેરિકામાં શું ભવિષ્ય છે એ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ જલદી નિર્ણય લેશે. તેમ છતાં તેમણે એક ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું છે અને એ ફંડ દ્વારા એક વર્ષની અંદર તેઓ ટિક-ટોકને ખરીદી શકશે.


Google NewsGoogle News