ટ્રમ્પથી અલગ થવાની ચર્ચા વિશે મસ્કે કહ્યું, ‘તદ્દન ખોટા સમાચાર છે’
Elon Musk And Donald Trump: ઈલોન મસ્ક હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી છોડી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ ચર્ચાને તરત જ પૂર્ણવિરામ આપતાં ઈલોન મસ્કે કહ્યું હતું કે એ ખોટા સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઇલેક્શનમાં ઊભા રહ્યા હતા, ત્યારથી ઈલોન મસ્ક તેમને સપોર્ટ કરતો આવ્યો છે. તેમના જીતી ગયા બાદ ઈલોન મસ્કે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સીનું પ્રતિનિધિત્વ કરવાનું શરુ કર્યું હતું.
વ્હાઇટ હાઉસની ઇચ્છા છે કે મસ્ક કામ પૂરું કરે
હાલમાં એ વાતે જોર પકડ્યું હતું કે ટ્રમ્પે તેમની પાર્ટીના સભ્યને કહી દીધું છે કે મસ્ક હવે તેનું પદ છોડી રહ્યો છે. જોકે આ વાતને ફગાવી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ વિશે જણાવવામાં આવ્યું હતું કે આગામી થોડા અઠવાડિયામાં નહીં, પરંતુ જ્યાં સુધી મસ્ક તેમનું કામ પૂરું નહીં કરે ત્યાં સુધી વ્હાઇટ હાઉસ ઇચ્છે છે કે તે આ ડિપાર્ટમેન્ટને સંભાળતો રહે.
મસ્કનું કામ શું છે?
ઈલોન મસ્કને કામ સોંપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે પણ નકામા ખર્ચ કરવામાં આવે છે, એને અટકાવવા. સરકારી એજન્સીઓ દ્વારા સારી રીતે કામ કરવામાં આવે છે કે નહીં, તેમ જ તેમના દ્વારા જે પણ નકામા ખર્ચને અટકાવવા એ તેનું કામ છે. તેના આ કામને લઈને તેની ઘણી ટીકા પણ કરવામાં આવી છે. મસ્કનું કહેવું છે કે તે સરકાર દ્વારા કરવામાં આવતાં ખર્ચમાં અબજો ડૉલરનો ઘટાડો કરી શકે છે.
મસ્કે ફગાવ્યા સમાચાર
આ વિશે સમાચાર વહેતા થયા ત્યારે ઈલોન મસ્ક દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે. સરકારી પૈસાને ખોટી રીતે ખર્ચ થતાં અટકાવવાનું કામ ઈલોનને માથે છે. આથી આ સમાચાર વિશે ઈલોન મસ્કે પોસ્ટ કર્યું કે ‘તદ્દન ખોટા સમાચાર છે.’
વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરીએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટને આ વિશે પૂછતાં તેણે કહ્યું, ‘ઈલોન મસ્ક અને પ્રેસિડન્ટ ટ્રમ્પ આ વિશે જાહેરમાં ઘણી વાર કહી ચૂક્યા છે કે સ્પેશિયલ સરકારી કર્મચારી તરીકે ઈલોન મસ્કે જે સેવા આપી રહ્યો છે એનો અંત ત્યારે આવશે જ્યારે તેને આપવામાં આવેલું કામ પૂરું થશે.’
ટ્રમ્પની ઇચ્છા શું છે?
ઈલોન મસ્ક 130 દિવસ કરતાં વધુ સમય માટે રોકાય કે નહીં એ વિશે પૂછતાં ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, ‘મને લાગે છે કે તે ખૂબ જ અદ્ભુત છે. જોકે મને એની પણ જાણ છે કે તેણે ખૂબ જ મોટી કંપની ચલાવવાની છે. એક સમય એવો આવશે જ્યારે તેણે પાછા કંપનીમાં જવું પડશે અને તેની ઇચ્છા હોય તો તે જઈ શકે છે.’