Get The App

મસ્કે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનનો ઉધડો લીધો, કહ્યું- 'હું તેના બીચ પર જ BBQ પાર્ટી કરીશ'

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
મસ્કે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનનો ઉધડો લીધો, કહ્યું- 'હું તેના બીચ પર જ BBQ પાર્ટી કરીશ' 1 - image


Elon Musk On Vinod Khosla: ઇલોન મસ્કે હાલમાં જ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન વિનોદ ખોસલાનો ઉધડો લીધો છે. વિનોદ ખોસલાએ વર્ષો પહેલાં સાન માટો કાઉન્ટીમાં બીચ હાઉસ પ્રોપર્ટી ખરીદી હતી. તેના ઘરની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ બીચ પર નહીં આવી શકે. આથી વિનોદ ખોસલાની મજાક ઉડાવતાં ઇલોન મસ્કે કહ્યું કે તેઓ તે બીચ પર BBQ પાર્ટી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

પ્રોપર્ટીનો મુદ્દો શું છે?

વિનોદ ખોસલાએ 2008માં સાન માટો કાઉન્ટીમાં બીચની બાજુમાં 32.5 મિલિયન ડૉલરનું ઘર ખરીદ્યું હતું. આ ઘર પાસેથી માર્ટિન્સ બીચ પર જવા માટેનો રોડ આવેલો છે. આ રોડને ઘરના પહેલા માલિક દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને તેમની પાસેથી પાર્કિંગના પૈસા પણ લેવામાં આવતા હતા. જો કે 2008માં આ ઘર વિનોદ ખોસલાએ ખરીદ્યા બાદ માર્ટિન્સ બીચનો રોડ બંધ કરી દીધો હતો. પ્રાઇવેટ પ્રોપર્ટી કહીને તેણે આ રોડ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ આ અંગે ઘણી ફરિયાદ કરવામાં આવી હતી.

વર્ષ 2018માં અમેરિકાની સુપ્રિમ કોર્ટે વિનોદ ખોસલાની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને માર્ટિન્સ બીચને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે એના બીજા જ વર્ષે સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રીક્ટ અપીલ કોર્ટે વિનોદ ખોસલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને તેણે ફરી રોડ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ 2020માં કેલિફોર્નિયા સ્ટેટ લેન્ડ કમિશન અને કેલિફોર્નિયા કોસ્ટલ કમિશન દ્વારા વિનોદ ખોસલા પર કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં હવે 2025ની 22 એપ્રિલથી શરુ થશે.

મસ્કે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનનો ઉધડો લીધો, કહ્યું- 'હું તેના બીચ પર જ BBQ પાર્ટી કરીશ' 2 - image

આ પણ વાંચો: મસ્કે બ્રાઝિલમાં X પરના બેનને જ બાયપાસ કરી દીધો, સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો 7.68 કરોડ રૂપિયાનો દંડ

બોર્ડને જોઈને ગુસ્સો આવ્યો ઇલોન મસ્કને

વિનોદ ખોસલાએ જે રોડ બંધ કર્યો છે ત્યાં બોર્ડ મારવામાં આવ્યું છે કે ‘no plebs allowed’. આ વાક્યનો મતલબ થાય છે કે સામાન્ય માણસને અહીં જવાની પરવાનગી નથી. જો કે આ plebs શબ્દને ઉંડાણમાં જઈ એનો અર્થ સમજવામાં આવે તો એ શબ્દનો ઉપયોગ મોટાભાગે બે વ્યક્તિ વચ્ચે અસમાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૈસાદારની જગ્યાએ ગરીબ લોકોને આવવાની પરવાનગી નથી એ રીતે એનો મતલબ નીકળી શકે છે.

શું કહ્યું ઇલોન મસ્કે?

આ વિશે ઘણી બધી ટ્વિટ કરીને ઇલોન મસ્કે કહ્યું હતું કે ‘મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી કે વિનોદ ખોસલાએ પબ્લિક બીચ પર આ સાઇન લગાવી છે. વિનોદે અગાઉ કહ્યું હતું કે આપણે હજારે માઇગ્રેટ લોકોની તપાસ કરીને અમેરિકાના નાના-નાના શહેરોમાં મોકલી દેવા જોઈએ, પરંતુ તે પોતે જાહેર જનતાને બીચ પર ચાલવા પણ દેવા નથી માગતો. હું વિનોદના બીચ પર જ એક પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યો છું. ભોજન માટે આ પાર્ટી હશે. હું BBQ વિચારી રહ્યો છું.’


Google NewsGoogle News