મસ્કે બ્રાઝિલમાં X પરના બેનને જ બાયપાસ કરી દીધો, સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો 7.68 કરોડ રૂપિયાનો દંડ
X Bypass Brazil Ban: ઇલોન મસ્કના Xને બ્રાઝિલમાં બેન કરવામાં આવ્યું હતું. જોકે ભેજાબાજ ઇલોન મસ્કે નવી અપડેટ દ્વારા એ બેનને જ બાયપાસ કરી નાખ્યું છે. બ્રાઝિલની સુપ્રિમ કોર્ટના જજ અને ઇલોન મસ્ક વચ્ચે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. બ્રાઝિલ દ્વારા કેટલાક નિયમો લાદવામાં આવ્યા હતા. એને ફોલો ન કરતાં Xને બેન કરી દેવામાં આવ્યું હતું. જોકે ઇલોન મસ્કનું કહેવું હતું કે આ નિયમો યોગ્ય નથી.
ફરી એક્સેસ શરૂ
સુપ્રિમ કોર્ટના જજ દ્વારા ગયા મહિને જ Xને બેન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોર્ટ દ્વારા નવા નિયમ પણ બનાવવામાં આવ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ VPNનો ઉપયોગ કરીને Xનો ઉપયોગ કરશે તેને એક દિવસના લાખો રૂપિયાનો દંડ કરવામાં આવશે. જોકે અચાનક આ એપ્લિકેશન ફરી ચાલું થઈ જતાં બ્રાઝિલના લોકોને પણ નવાઈ લાગી રહી હતી.
બેન કરવુ મુશ્કેલ
ધી બ્રાઝિલિયન અસોશિએશન ઓફ ઇન્ટરનેટ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ પ્રોવાઇડર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે X દ્વારા ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે એ સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. અમેરિકાની સાઇબર સિક્યોરિટી કંપની ક્લાઉડફ્લેરનો ઉપયોગ X દ્વારા કરવામાં આવે છે. આ કંપની લાખો વેબસાઇટને ઇન્ટનેટ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. જોકે X દ્વારા હવે તેની એપ્લિકેશનના સ્ટ્રક્ચરને જ બદલી નાખવામાં આવ્યું છે. આથી હવે કોઈ પણ માટે આ એપ્લિકેશનને બ્લોક કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
ભેજાબાજ મસ્કે એવું તો શું કર્યું?
ઇલોન મસ્કની Xના જૂના વર્ઝનમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ એકદમ ચોક્કસ હતો જે તેની એપ્લિકેશન માટે જ ઉપયોગ થતો હતો. જોકે હવે આ એપ્લિકેશનના ઇન્ટરનેટ પ્રોટોકોલનું સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. આ ઇન્ટરનેટ પ્રોટોકોલને હવે મોટી-મોટી બેન્ક અને અન્ય મોટા ઇન્ટરનેટ પ્લેટફોર્મ સાથે જોઈન્ટ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આ બેન્ક અને ઇન્ટરનેટ પ્લેટફોર્મનો ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ઇલોન મસ્કના Xનો પ્રોટોકોલ એક જ સરખો છે. આથી Xને બેન કરવા જતાં અન્ય વેબસાઇટ અને સર્વિસ પણ બેન થઈ જશે. ઇલોન મસ્કે ટેક્નોલોજીની કમાલ દેખાડતા બ્રાઝિલના બેનને જ બાયપાસ કરી દીધુ છે.
બ્રાઝિલની સુપ્રિમ કોર્ટે કર્યો દંડ
ઇલોન મસ્કનું X ફરી શરૂ થતાં બ્રાઝિલની સુપ્રિમ કોર્ટના જજ એલેકઝાન્ડ્રે દે મોરેસ દ્વારા ફાઇન કરવામાં આવ્યો છે. ઇલોન મસ્કની ફર્મને 9,20,000 અમેરિકન ડોલર એટલે કેે અંદાજે 7.68 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે તેઓ કેવી રીતે દંડ વસૂલ કરશે એ સવાલ છે કારણ કે અગાઉ પણ X દ્વારા કોર્ટના ઓર્ડરને માન્ય નહોતો રાખવામાં આવ્યો.
X દ્વારા જાહેર કરવામાં આવ્યું સ્ટેટમેન્ટ
Xએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે 'બ્રાઝિલમાં X શરૂ થવું એ ઇરાદાપૂર્વકનું નહોતું. નેટવર્ક પ્રોવાઇડર બદલવામાં આવ્યું હોવાથી એ થયું છે. અમને ખબર છે કે બ્રાઝિલમાં બહુ જલદી ફરી એને બેન કરી દેવામાં આવશે. જોકે અમે બ્રાઝિલની સરકાર સાથે મળીને ત્યાંના લોકો ફરી Xનો ઉપયોગ કરી શકે એ માટે કામ કરીશું.'