ગ્રોક 3એ લોન્ચ કર્યું વોઇસ મોડ, આ AI ગુસ્સો પણ કરશે અને ગાળો પણ આપશે
Grok 3 Voice Mode: ઇલોન મસ્કની કંપની X દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ AIનું વોઇસ મોડ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડમાં એક અનસેન્સર્ડ વર્ઝન પણ છે જે ગુસ્સો પણ કરે છે અને ગાળો પણ બોલે છે. આ ફીચર હજુ સુધી કોઈ પણ મોડલમાં નથી.
ગ્રોક 3ના યૂનિક ફીચર્સ
ગ્રોક 3ના પ્રીમિયમ યૂઝર્સ માટે હાલમાં એક યૂનિક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વોઇસ મોડ અનહિન્જ્ડ વર્ઝન તરીકે આપવામાં આવ્યું છે. આ યૂનિક ફીચરની કારણ અનેક લોકોનું ધ્યાન તેની તરફ ગયું છે. AI રિસર્ચર રીલે ગૂડસાઇડ દ્વારા આ ફીચરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દર્શાવાયું છે કે ગ્રોક 3 મહિલાના અવાજમાં ગાળો પણ બોલે છે અને બૂમો પણ પાડી રહ્યું છે. આ વીડિયો શેર કરીને રીલે ગૂડસાઇડે કેપ્શન આપી હતી કે ‘ગ્રોક 3નો વોઇસ મોડ, તેને વાતમાં સતત અટકાવવામાં આવી રહી હતી તેથી તેણે બૂમો પાડવાની શરૂઆત કરી હતી. 30 સેકન્ડ સુધી બૂમો પાડ્યા પછી એણે મારી ઇન્સલ્ટ કરી અને બંધ થઈ ગઈ.’ આ મોડ નીચે લખ્યું છે કે 18 વર્ષથી ઉપરના લોકો માટે છે અને સ્ક્રીન પર પણ મેસેજ આવે છે કે તમારી આસપાસના લોકોની રિસ્પેક્ટ કરો અને તેમને હેરાનગતી ન થાય તે ધ્યાનમાં રાખો. આનું કારણ એ છે કે અનહિન્જ્ડ વર્ઝનમાં ચેટબોટ સતત ગાળો આપે છે અને એ જ રીતે વાતો પણ કરે છે.
અનસેન્સર્ડ પર્સનાલિટીના ઓપ્શન
ગ્રોક 3માં અનસેન્સર્ડ પર્સનાલિટી એક નહીં પરંતુ અનેક છે. જેમ કે સ્ટોરીટેલર, રોમેન્ટિક, મેડિટેશન, કોન્સપિરસી, અનલાઇસન્સ થેરાપિસ્ટ વગેરે. આ તમામ પર્સનાલિટીના ઉપયોગ પ્રીમિયમ યૂઝર્સ જ કરી શકે છે. દરેક પર્સનાલિટી એકમેકથી અલગ છે અને તેમની પર્સનાલિટી અનુસાર જ વાતો કરે છે. રોમેન્ટિક મોડ એકદમ ધીમેથી અને પ્રેમથી વાતો કરે છે જ્યારે કોન્સપિરસી મોડમાં એ કોન્સપિરસી થિયરી વિશે વાત કરે છે. યૂઝર્સ તેમની ઇચ્છા અનુસાર આ પર્સનાલિટીને કસ્ટમાઇઝ પણ કરી શકે છે.
આ પણ વાંચો: ગૂગલ તેની સુરક્ષામાં વધારો કરી રહ્યું છે: SMSની જગ્યાએ QR કોડ, જાણો વિગત
અન્ય AI કંપનીઓથી અલગ પ્રોડક્ટ
અન્ય કંપનીઓ ખાસ કરીને OpenAI અને Google Gemini જેવા AIનો નોટ-સેફ-ફોર-વર્ક જેવા ટોપિક પર અથવા તો પૉલિટિક્સ કે રિસ્કી ટોપિક પર વાત કરવાનું ટાળે છે. જોકે xAIનું ગ્રોક 3 આથી અલગ છે. આ કંપની દ્વારા તેમના ચેટબોટને દરેક બાબત વિશે વાત કરવાની છૂટ આપવામાં આવી છે. ઇલોન મસ્ક તેની પ્રોડક્ટને સંપૂર્ણપણે સેન્સર-ફ્રી બનાવવી ઈચ્છે છે એટલે જ તેણે શક્ય હોય તેટલા ઓછા પ્રતિબંધ તેના AIમાં મૂક્યા છે.