Get The App

પૃથ્વીનું સૌથી મોટું રહસ્ય સામે આવ્યું, 46.60 કરોડ વર્ષ પહેલાં આપણા ગ્રહને પણ હતા વલયો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
પૃથ્વીનું સૌથી મોટું રહસ્ય સામે આવ્યું, 46.60 કરોડ વર્ષ પહેલાં આપણા ગ્રહને પણ હતા વલયો 1 - image


- ભારતીય ખગોળશાસ્ત્રી ડો જે.જે. રાવલના વિશિષ્ટ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન

- ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાાનીએ રજૂ કરેલા સંશોધનપત્રમાં પૃથ્વી ફરતે વલયો ક્યારે-કઇ રીતે સર્જાયાં હતાં તેની રસપ્રદ વિગતો છે : ઉલ્કાકુંડોનું રહસ્ય પણ જાણવા મળ્યું 

- આજથી 46.60 કરોડ વર્ષ પહેલાં પૃથ્વીને પણ વલયો હતાં

મેલબોર્ન/મુંબઇ : પૃથ્વીનું અત્યાર સુધીનું સૌથી અજાણ્યું છતાં સૌથી મહત્વનું રહસ્ય અને આશ્ચર્ય મળ્યું છે.આ રહસ્ય અને આશ્ચર્ય એ છે કે આજથી લગભગ ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી ફરતે વલયો(જેને ખગોળ શાસ્ત્રની ભાષામાં  રીંગ કહેવાય છે) હતાં.  તે વલયો પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં બન્યા હતાં.    

ખગોળશાસ્ત્રના સંશોધન મુજબ આજથી ચાર અબજ ૫૦ કરોડ વર્ષ પહેલાં  પૃથ્વીનો જન્મ  સૂર્યમાંથી થયો છે.  

 હાલ આપણા સૂર્ય મંડળના ગુરુ, શનિ,યુરેનસ,નેપ્ચુન એમ ચાર ગ્રહોને સુંદર-રૂપકડાં વલયો છે. કંઇક આ જ રીતે આપણી પૃથ્વી ફરતે પણ વલયો ગોળ ગોળ ફરતાં હતાં.

પૃથ્વીને પણ વલયો હતાં એવું આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલું  અને  વિશિષ્ટ સંશોધન ભારતના પ્રસિદ્ધ ખગોળ શાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે. રાવલ(મુખ્ય વિજ્ઞાાની) અને એસ.રામદુરાઇએ ૨૦૦૭માં કર્યું છે. 

ડો.જે.જે.રાવલ અને એસ. રામ દુરાઇનું તે સંશોધનપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરના સાયન્સ જર્નલ કરન્ટ સાયન્સમાં (સપ્ટેમ્બર:૨૦૦૭)માં પ્રસિદ્ધ થયું છે.

પૃથ્વી ફરતે ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં વલયો હતાં તેવા ડો. જે.જે.રાવલ અને એસ. રામ દુરાઇના સંશોધનને  ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી(મેલબોર્ન)ના  પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી-ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર એન્ડી ટોમકીન્સ અને તેની ટીમ દ્વારા થયેલા સંશોધન દ્વારા સમર્થન મળ્યું છે. 

પ્રોફેસર એન્ડી ટોમકીન્સનું-અર્થ સજેસ્ટિંગ ધેટ અર્થ હેડ એ રિંગ ઇન ઓર્ડોવિસિયન-વિષયનું સંશોધનપત્ર -અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રસિદ્ધ થયું છે.

* પૃથ્વી ફરતે વલયો (રિંગ) ક્યારે -કઇ રીતે સર્જાયાં હતાં ? 

વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે.રાવલે એક ખાસ ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને કહ્યું  હતું કે આજથી ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં (ખગોળશાસ્ત્રની ભાષામાં આ સમયગાળાને  ઓર્ડોવિસિયન પિરિયડ કહેવાય છે) સૂર્યમંડળના મંગળ અને ગુરુ ગ્રહો વચ્ચેના એસ્ટેરોઇડ બેલ્ટ (લઘુગ્રહોનો  પટ્ટો)માંથી એક મહાકાય લઘુગ્રહ  છૂટો પડીને છેક પૃથ્વી  નજીક ધસી આવ્યો હતો. જોકે તે લઘુગ્રહ સીધો પૃથ્વીના વિરાટ ગોળા સાથે ટકરાયો નહોતો. તે લઘુગ્રહ  તેની  રોશ લિમિટ(ખગોળશાસ્ત્રની ભાષામાં કોઇ આકાશીપીંડથી બીજા આકાશીપીંડ વચ્ચેના અંતરને રોશ લિમિટ અથવા રોશ રેડિયસ કહેવાય છે)માંથી પસાર થયો હતો. આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પ્રચંડ ટાઇડલ ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળની અસર)ને કારણે પેલો લઘુગ્રહ તૂટી ગયો અને તેના નાના નાના ટુકડા થઇ ગયા હતા. 

પેલા લઘુગ્રહના તે નાના નાના ટુકડા છેવટેપૃથ્વી ફરતે વલય (રીંગ)ના સ્વરૂપમાં ગોળ ગોળ ફરવા લાગ્યા હતા. આમ ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વીને પણ વલયો હતાં. આજે સૂર્યમંડળના મહાકાય ગુરુ, શનિ, યુરેનસ,નેપ્ચુન અમે ચાર ગ્રહો ફરતે વલયો છે એ જ રીતે પૃથ્વી ફરતે પણ વલયો હતાં. 

પૃથ્વી ફરતેનાં તે વલયોને કારણે સૂર્ય પ્રકાશમાં અવરોધ સર્જાયો હતો. પૃથ્વીને સૂર્યપ્રકાશ નહીં મળવાથી ચારે તરફ ગાઢ અંધકાર છવાઇ ગયો હતો. વાતાવરણ અતિ ટાઢુંબોળ થઇ ગયું અને હિમયુગની ભારે અસર થઇ હતી. 

* ગ્રહ ફરતે વલય (રિંગ) કઇ રીતે બને ? 

કોઇપણ સૂર્ય (તારો) ફરતે ગ્રહોની રચના થાય ત્યારે રોશ લિમિટને કારણે ઉપગ્રહોન બની શકે.નાના નાના ટુકડા ફરતા રહે.ઉપરાંત, કોઇપણ આકાશીપીંડ અંતરિક્ષમાંથી પૃથ્વી ભણી આવે ત્યારે પૃથ્વીની રોશ લિમિટ અને ટાઇડલ ફોર્સથી તેના અસંખ્ય ટુકડા થઇ જાય.આ જ નાના ટુકડા પેલા ગ્રહ ફરતે રીંગ બનીને ફરતા રહે. 

* પૃથ્વી ફરતેનાં વલયોનું સ્વરૂપ કેવું હતું ?  કેટલા અંતરે હતાં ?    ગુરુ, શનિ, યુરેનસ,નેપ્ચુનનાં વલયોનું સ્વરૂપ કેવું  છે ? 

   મહત્વનો મુદ્દો તો એ પણ છે કે આ વલયો પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં બન્યાં હતાં. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચુન ગ્રહોનાં વલયો પણ આ ચારેય ગ્રહોના વિષુવવૃત્તના સમતલમાં જ છે.શનિ ગ્રહ ફરતે કુલ સાત વલયો (ડી.એ.બી. સી.એફ.જી.ઇ.) છે. જોકે  આ ચારેય ગ્રહો ફરતેનાં વલયો બરફનાં અને ખડકોનાં  બનેલાં છે . આ વલયો પર સૂર્ય પ્રકાશ પડે ત્યાર તેનું સૌંદર્ય ખીલી ઉઠે છે. 

જ્યારે પૃથ્વી ફરતેનાં વલયો ખડકાળ સ્વરૂપનાં હતાં. વળી, તે વલયો પૃથ્વીના કેન્દ્રબિંદુથી ૯,૦૦૦થી ૧૫,૦૦૦ કિલોમીટર દૂરના અંતરે હોવાનો પણ અંદાજ છે. 

પોતાના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ડો.જે.જે.રાવલે એવો સંકેત પણ આપ્યો છે કે  પૃથ્વી ફરતેના વલયો હાલ બહુ પાંખાં-ઝાંખાં થઇ ગયાં હોવાની શક્યતા છે. આમ છતાં આ રિંગ સિસ્ટમનું અસ્તિત્વ હજી પણ હોવાની સંભાવના છે.      

* ઓસ્ટ્રેલિયાના ખગોળ-ભૂસ્તર શાસ્ત્રીનું સંશોધન શું કહે છે ?    

 પ્રોફેસર એન્ડી ટોમકીન્સે  તેના  બહોળા સંશોધન અને અભ્યાસના  આધારે  મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું  છે કે આજથી ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં એક મહાકાય લઘુગ્રહ છૂટો પડીને છેક પૃથ્વી  નજીક ધસી આવ્યો હતો. જોકે તે લઘુગ્રહ સીધો પૃથ્વીના વિરાટ ગોળા સાથે ટકરાયો નહોતો.  તે લઘુગ્રહ  તેની  રોશ લિમિટ (ખગોળ શાસ્ત્રની ભાષામાંકોઇ આકાશીપીંડથી બીજા આકાશીપીંડ વચ્ચેના અંતરને રોશ લિમિટ અથવા રોશ રેડિયસ કહેવાય છે)માંથી પસાર થયો હતો. આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પ્રચંડ  ટાઇડલ ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળની અસર)ને કારણે પેલો લઘુગ્રહ તૂટી ગયો અને તેના નાના નાના ટુકડા થઇ ગયા હતા. 

પેલા લઘુગ્રહના તે નાના નાના ટુકડા છેવટેપૃથ્વી ફરતે વલય (રીંગ)ના સ્વરૂપમાંગોળ ગોળ ફરવા લાગ્યા હતા. આમ ૪૬.૬૦ કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વીને પણ વલયો હતાં.

*વલયો તૂટીને પૃથ્વી પર પડવાથી ઉલ્કાકુંડો બન્યા : 

સમય જતાં આલ્ફવેન ડ્રેગ (પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર નજીકનાં  મોજાં)ની પ્રચંડ અસરથી  તે વલયો તબક્કાવાર તૂટી ગયાં અને પૃથ્વી પર પડયાં. ખડકાળ વલયોના ટુકડા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં પડયા ત્યારે તેના અતિ અતિ પ્રચંડ પ્રહારથી જુદા જુદા વિસ્તારમાં  નાના મોટા ઉલ્કાકુંડ(ક્રેટર્સ) બન્યા. આજે પૃથ્વી પર બેરીંજર(એરીઝોના-અમેરિકા) ક્રેટર અને લોણાર (મહારાષ્ટ્ર-ઇન્ડિયા) ક્રેટર નામના વિશાળ ઉલ્કાકુંડો છે. 

 * વલયોને કારણે પૃથ્વીની આબોહવામાં કલ્પનાતીત ફેરફાર થયા :

વલયોને કારણે આખી પૃથ્વીને સૂર્ય પ્રકાશ મળવાની કુદરતી પ્રક્રિયામાં ભારે અવરોધ સર્જાયો હતો.ગાઢ અંધકાર છવાયો. વાતાવરણ અત્યંત ઠંડુગાર થયું. પરિણામે તે સમયગાળાની  જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાયું હોવાની પૂરી શક્યતા છે.

વલયોના સર્જનની આ જ પ્રક્રિયા ગુરુ,શનિ,યુરેનસ,નેપ્ચુન ગ્રહો ફરતે પણ થઇ છે.એટલે આ ચારેય ગ્રહોના હવામાન -આબોહવામાં કેવી -કેટલી અસર થઇ હોય તે પાસાં વિશે પણ સંશોધન થવું જરૂરી છે.


Google NewsGoogle News