દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો…
Internet cables in Ocean: આજે ઇન્ટરનેટની સ્પીડ જેટલી વધુ હોય એટલી યુઝર્સને ઓછી પડી રહી છે. એક પછી એક કંપની વધુ સ્પીડમાં ઇન્ટરનેટ પૂરું પાડવાની કોશિશ કરી રહી છે. જોકે દિવસ-રાત રીલ્સ જોવાની કિંમત હવે પૃથ્વી ચૂકવી રહી છે કારણ કે એ માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. આ માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એ વિશે માહિતી આપવામાં આવી છે.
ટૅક્નોલૉજી તરફ આગળ વધવામાં કુદરતથી દૂર
દુનિયાભરના દેશમાં કુદરતને પ્રેમ કરવા વિશે કહેવામાં આવે છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. જોકે જેમ-જેમ વર્ષો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ટૅક્નોલૉજી વધી રહી છે. આ ટૅક્નોલૉજી વધવાની સાથે મનુષ્ય કુદરતથી દૂર થઈ રહ્યો છે. તે જ્યાં પણ જાય તેના મોબાઇલ વગર નથી જઈ શકતો. કોઈ પણ જગ્યાએ ગયો હોય ત્યાં જગ્યા કે કોઈ ભોજન વિશેનો કે કોઈ પણ પ્રકારનો ફોટો અથવા તો વીડિયો તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જો કે આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવા માટે કુદરતે કેટલું ભોગવવું પડે છે એનો કોઈને અંદાજો પણ નથી.
કેબલ દ્વારા પહોંચાડવામાં આવે છે ઇન્ટરનેટ
અંતરિક્ષમાંથી જ્યારે પૃથ્વીને જોવામાં આવે છે ત્યારે પૃથ્વીનો દરેક ખૂણો એમાં જોઈ શકાય છે. જોકે પૃથ્વી પર આવેલા પાણીમાં શું હાલત છે એ દરેકે જાણવા જેવી છે. આજે દરેક વ્યક્તિ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એને દરિયામાંથી કેબલ વડે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવે છે. કેબલ વડે ઇન્ટરનેટ વધુ ઝડપી હોય છે અને એના પર કોઈ પણ કુદરતી પરિસ્થિતિની અસર નથી થતી. આથી ઇન્ટરનેટનો ઉપયોગ અટક્યા વગર કરી શકાય છે. આ માટે દરિયામાંથી કેબલ દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.
કેબલથી વિંટળાયેલી છે પૃથ્વી
આ કેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે પૃથ્વી કેવી રીતે કેબલથી વિંટળાયેલી છે. કેટલીક જગ્યાએ કેબલ વધુ હોય છે તો કેટલીક જગ્યાએ ઓછા હોય છે. દુનિયાની ઘણી કંપનીઓ આ રીતે ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. આ કેબલને સબમરીન કેબલ્સની જાળ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: ચેટજીપીટી બાદ ગ્રોકનું કામ વધ્યું: મસ્કે કહ્યું, ‘સર્વર ખૂબ જ ગરમ થઈ ગયા છે’
ચંદ્ર સુધી પહોંચી શકે છે કેબલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પર વંડર ઑફ સાયન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરીને કેપ્શનમાં તેમણે કહ્યું છે કે તમામ કેબલની લંબાઈ ગણવામાં આવે તો એ 13 લાખ કિલોમીટરના છે. ધરતીથી ચંદ્રના અંતર બરાબર આ કેબલ ફક્ત પૃથ્વી પર છે. આ વીડિયો જોયા બાદ ઘણાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે તેમને તો આજ સુધી એવું જ હતું કે તેમનું ઇન્ટરનેટ સેટેલાઇટની મદદથી આવે છે, પરંતુ હકીકતમાં એ કેબલ દ્વારા આવે છે. એક યુઝરે તો એવું કહ્યું કે આનો મતલબ એ થયો કે આપણે બધા કેબલ નામના એક પિંજરામાં બંધ છીએ.