એપમાંથી પણ ઇ-ન્યૂઝલેટર્સ અનસબસ્ક્રાઈબ કરી શકાય
આપણા ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝની સાથે જીમેઇલમાં
મળતી કુલ ૧૫ જીબીની સ્પેસ હવે સૌ કોઇને ઓછી પડે છે. આ ત્રણેય એપનો આપણો ઉપયોગ વધી
ગયો છે અને તેની સામે તેમાંથી બિનજરૂરી બાબતો ડિલીટ કરવાની આપણને ટેવ રહી નથી. આથી
આપણી સ્ટોરેજ ૧૫ જીબીની એકદમ નજીક આવતી જાય છે.
આ સ્થિતિમાં આ ત્રણેય સર્વિસમાંની બિનજરૂરી બાબતોનો એક ઝાટકે ખાતમો કરવાની જે
પણ સગવડ મળે તે ઉપયોગી ગણાય. જીમેઇલમાં આવી એક સગવડ એટલે ઇ-ન્યૂઝલેટર્સથી છૂટકારો
મેળવવાની સગવડ.
આજના સમયમાં આપણા સૌ પર ઇ-ન્યૂઝલેટરનો સતત મારો થતો હોય છે. મોટા ભાગના કિસ્સામાં
આપણે પોતે કોઈ ને કોઈ સમયે ઇ-ન્યૂઝલેટર મોકલવાની મંજૂરી આપી હોય છે. પછી લગભગ એવું
બને કે આપણે નવા નવા સતત આવતા ઇમેઇલને પણ ઓપન પણ ન કરીએ. આવા ઇ-ન્યૂઝલેટર આપણા
એકાઉન્ટમાં ખાસ જગ્યા રોકતા નથી. તેમ છતાં એને તેમને પણ ડિલીટ કરતા રહેવું જરૂરી
છે. જો તમે જીમેઇલનો ડેસ્કટોપ કે પીસી પર ઉપયોગ કરતા હો તો તેમાં મથાળાના ભાગમાં
ન્યૂઝ લેટર અનસબસ્ક્રાઇબ કરવાની એક સહેલી સગવડ હોય છે.
એ જ રીતે, જીમેઇલના વેબવર્ઝનની જેમ
જીમેઇલની એન્ડ્રોઇડ એપમાં પણ આ સુવિધા આવી ગઈ છે. તેમાં આપણા પર આવેલા કોઈ પણ
ઇ-ન્યૂઝલેટરના ઇમેઇલને ઓપન કરતાં જમણી તરફ તેને અનસબસ્ક્રાઇબ કરવાની લિંક જોવા મળે
છે. તેને ક્લિક કરીને આપણે જે તે વેબસાઇટ પર જઇને અનસબસ્ક્રાઇબ કરી શકીએ છીએ.
યાદ રાખશો કે તમારા પર આવતા, ફક્ત જાણીતી કંપનીના
ઇ-ન્યૂઝલેટર્સને જ આ રીતે અનસબસ્ક્રાઇબ કરશો. કંપની યોગ્ય હશે તો એ તરત જરૂરી
એક્શન પણ લેશે.
અજાણ્યા સેન્ડર તરફી આવેલા અને તમે પોતે સબસ્ક્રાઇબ કર્યા ન હોય તેવા
ઇ-ન્યૂઝલેટર્સને સ્પામ કે ફિશિંગ મેઇલ તરીકે રિપોર્ટ કરવા એ જ સૌથી હિતાવહ પગલું
છે.