ડાયનેમિક ક્યૂઆર કોડઃ ક્યૂઆર કોડમાં ઉમેરી શકાય છે નવી સગવડો
અત્યારે આપણે સૌ મુખ્યત્વે બે પ્રકારના ક્યૂઆર કોડના સંપર્કમાં આવીએ છીએ. એક
છે પેમેન્ટ ક્યૂઆર કોડ અને બીજા છે જનરલ ઇન્ફર્મેશન માટેના ક્યૂઆર કોડ.
પેમેન્ટ માટેના ક્યૂઆર કોડ, એ જે સિસ્ટમ માટે જનરેટ
કરવામાં આવ્યા હોય તેની એપથી જ સ્કેન કરી શકાય. જેમ કે કોઈ દુકાનમાં પેમેન્ટ કરવા
માટે તેના યુપીઆઈ ક્યૂઆર કોડને સ્કેન કરવા માટે આપણે કોઈ પણ યુપીઆઈ એપનો જ ઉપયોગ
કરવો પડે. ફોનના કેમેરા કે અન્ય કોઈ થર્ડ પાર્ટી ક્યૂઆર કોડ સ્કેનર એપથી તેને
સ્કેન કરીએ તો કોડ સ્કેન થઈ શકે ખરો પરંતુ તેનાથી પેમેન્ટ કરવાનો આપણો જે મૂળ હેતુ
તે છે પાર પડે નહીં.
બીજા પ્રકારના ક્યૂઆર કોડ સામાન્ય રીતે કોઈ નિશ્ચિત વેબપેજ તરફ દોરી જતા હોય
છે. જેમ કે અખબારના કોઈ લેખમાં કે એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ વેબપેજની વાત કરી હોય તો
તેના સુધી ઝડપથી પહોંચવા માટે ક્યૂઆર કોડ અખબારના પાના પર પ્રિન્ટ કરવામાં આવે છે.
તમે પોતાના ફોનના કેમેરાથી કે ગૂગલ લેન્સની મદદથી, ક્રોમ બ્રાઉઝરમાંના સ્કેનરની મદદથી કે થર્ડ પાર્ટી સ્કેનરની મદદથી આ ક્યૂઆર
કોડ સ્કેન કરીને તેમાં આપેલા વેબ એડ્રેસ પર ફટાફટ પહોંચી શકો.
મોટા ભાગે વેબસાઇટના હોમપેજનું એડ્રેસ બહુ સિમ્પલ હોય પરંતુ તેમાંના કોઈ
ચોક્કસ વેબપેજનું એડ્રેસ ખાસ્સું અટપટું હોઈ શકે છે. તેને બ્રાઉઝરમાં ટાઇપ કરવું
બહુ મુશ્કેલ બને. આ સ્થિતિમાં ક્યૂઆર કોડ કામે લાગી શકે.
હવે વાત કરીએ આપણા મુળ મુદ્દાની. ક્યૂઆર કોડ ડાયનેમિક પણ હોઈ શકે છે!
આપણે અત્યાર સુધી જે ક્યૂઆર કોડની વાત કરી તે સ્ટેટિક ક્યૂઆર કોડ હોય છે. એટલે કે
એક વાર જે એડ્રેસ માટે ક્યૂઆર કોડ તૈયાર કર્યો તે એડ્રેસ પછી બદલી શકાય નહીં.
જ્યારે ડાયનેમિક ક્યૂઆર કોડમાં તે જે અડ્રેસ માટે તૈયાર કરવામાં આવ્યો હોય તેને
પછીથી બદલી પણ શકાય છે! તમને એ જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારના ક્યૂઆર કોડ તૈયાર
કર્યા પછી તેને પ્રિન્ટ કરી દેવામાં આવે એ પછી પણ તેનું મૂળ ડેસ્ટિનેશન એડ્રેસ
બદલી શકાય છે!
ડાયનેમિક ક્યૂઆર કોડમાં હજી વધુ એક ખૂબી છે. તેને પાસવર્ડ પ્રોટેક્ટ પણ કરી
શકાય છે. મતલબ કે કોઈ વ્યક્તિ ક્યૂઆર કોડ સ્કેન કરે એ પછી તેનો પાસવર્ડ આપે તો જ
તેમાંના એડ્રેસ સુધી પહોંચી શકે.
ડાયનેમિક ક્યૂઆર કોડમાં એક્સપાયરી ડેટ પણ સેટ કરી શકાય છે. આથી કોઈ પ્રકારની
માર્કેટિંગ ઓફર માટે ક્યૂઆર કોડ જનરેટ કર્યો હોય તો નિશ્ચિત તારીખે ઓફર પૂરી થતાં
ક્યૂઆર કોડનું સ્કેનિંગ પણ બંધ થઈ જાય તેવું સેટિંગ કરી શકાય છે. આવા ક્યૂઆર કોડને
ગૂગલ એનેલિટિક્સ સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય છે. આથી તેને કેટલીવાર સ્કેન કરવામાં
આવ્યા, દુનિયાના ક્યા ક્યા ખૂણેથી
સ્કેન કરવામાં આવ્યા વગેરે જાતભાતની માહિતી પણ મેળવી શકાય છે. થોડું ગૂગલિંગ કરશો
તો ડાયનેમિક ક્યૂઆર કોડ જનરેટ કરવા માટેની ઘણી સર્વિસ મળી આવશે.