સોશિયલ મીડિયાને DoTનું અલ્ટીમેટમ: તેમના પ્લેટફોર્મ પરથી ટેલિકોમ ફ્રોડ દૂર કરવાની ચેતવણી, નહીં તો થશે દંડ
DoT Give Ultimatum to Social Media: સરકાર દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. હવેથી સોશિયલ મીડિયા પર જેટલા પણ ટેલિકોમ ફ્રોડ થાય છે, તેને દૂર કરવાનું બીડું સરકાર દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા મેટા, ગૂગલ અને X જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. આ અલ્ટીમેટમ 28 ફેબ્રુઆરી સુધીનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમના પ્લેટફોર્મ પર જે પણ સર્વિસ અથવા તો ઍપ્લિકેશન હોય, જે કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશનને બદલી શકે છે, તેને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.
શું છે કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન?
કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન એટલે કે કોઈ પણ વ્યક્તિને કોલ કરવામાં આવે તો તે કયા નંબર પરથી અને કયા લોકેશન પરથી કોલ કરવામાં આવી રહ્યો છે તે દેખાડવામાં આવે છે. તેને કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી કંપનીઓ તેમના કોલ સેન્ટર માટે અલગ જગ્યાએ ઑફિસ રાખી હોય છે, પરંતુ ફોન કરે ત્યારે તે ઇન્ડિયાનો નંબર હોય એવું દેખાડે છે. આ ટૅક્નોલૉજીનો ઉપયોગ છેતરપિંડી કરનારા લોકો પણ કરે છે. તેથી સરકાર દ્વારા આ પ્રકારની તમામ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇડેન્ટિટી નંબર ચેન્જ થતાં હવે તમામ ઍપ્લિકેશન અને સર્વિસને સોશિયલ મીડિયા અને દરેક પ્લેટફોર્મ પરથી બંધ કરવામાં આવશે.
ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીની મિનિસ્ટ્રીની જગ્યાએ ટેલિકોમ મિનિસ્ટ્રીએ કરી પહેલ
સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાનું કામ મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીનું છે. જો કે આ કેસમાં DoT દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ એમાં આગેવાની કરી રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયા દ્વારા ટેલિકોમ્યુનિકેશન ઍક્ટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
DoTની ડેડલાઇન
DoT દ્વારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ડેડલાઇન આપી દેવામાં આવી છે અને ત્યાં સુધીમાં ટેલિકોમ્યુનિકેશન ઍક્ટનું ઉલ્લંઘન થવું બંધ થઈ જવું જોઈએ. DoT દ્વારા દરેક પ્લેટફોર્મને 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. DoT દ્વારા જાહેર કરેલી એડ્વાઇઝરીમાં તેમણે કહ્યું છે કે ટેલિકોમ્યુનિકેશન ઍક્ટ 2023ના સેક્શન 42(3)(c)નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સેક્શન મુજબ કોઈ પણ વ્યક્તિ ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફિકેશન સાથે છેડખાની નહીં કરી શકે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ અમેરિકાથી કોલ કરે છે, પરંતુ જે વ્યક્તિ પર કોલ કરવામાં આવે છે તેના મોબાઇલ પર ઇન્ડિયાનો નંબર દેખાય છે, તો તેને આઇડેન્ટિફિકેશન બદલવું કહેવાય છે. છેતરપિંડી કરનારા લોકો આ રીતે અન્ય નંબર પરથી કોલ કરે છે, પરંતુ ડિસ્પ્લે પર કોઈ કંપનીના કસ્ટમર કેરનો નંબર દેખાય છે અને યુઝર છેતરપિંડીનો ભોગ બને છે. સેક્શન 42(3)(e) હેઠળ આ ગુનાપાત્ર છે અને તેથી DoT દ્વારા આ પ્રકારની સર્વિસ બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
ટેલિકોમ ઍક્ટનો ભંગ, સિરિયસ ક્રાઇમ
ટેલિકોમ્યુનિકેશન ઍક્ટમાં ટેલિકોમ આઇડેન્ટિફિકેશનમાં છેડખાની કરવી, સિમકાર્ડનો ગેરકાયદે ઉપયોગ કરવો અને અન્ય આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરવો દરેક બાબતને સિરિયસ ક્રાઇમ તરીકે ગણવામાં આવી છે. આ ગુનામાં જામીન પણ આપવામાં નહીં આવે અને સજા થઈ શકે છે. ગુનો કરનારને ત્રણ વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા અથવા તો બન્નેની સજા થઈ શકે છે. સેક્શન 42(6) હેઠળ પણ ગુનો કર્યો તો આ જ સજા આપવામાં આવે છે.
લીગલ એક્શન લેવાની DoTની ધમકી
DoT દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટેલિકોમ આઇડેન્ટીફાયર્સ, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ અને IMEI નંબર્સ જેવી કોઈ પણ ઓળખપાત્ર નંબરને બદલવામાં આવે તો તેને ક્રિમિનલ એક્ટિવિટી કહેવામાં આવશે. તેથી સોશિયલ મીડિયા અને હોસ્ટિંગ પ્લેટફોર્મ દ્વારા આ પ્રકારની તમામ સર્વિસ અને ઍપ્લિકેશનને દૂર કરવામાં આવે. આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી અથવા તો સર્વિસને જે પણ પ્રમોટ કરશે તો તે પણ ટેલિકોમ્યુનિકેશન ઍક્ટ હેઠળ ગુનાપાત્ર ગણાશે.