CES 2025માં પ્રજ્ઞાચક્ષુઓ માટે લોન્ચ કરાયો જાદુઈ હેડસેટ, પહેરી લીધા પછી રસ્તા પર ચાલવામાં મદદ કરશે
Headset For Blind People: રોમાનિયાની કંપની ડોટલુમેન દ્વારા એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. આ પ્રોડક્ટને લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2025માં લોન્ચ કરવામાં આવી છે. આ એક ઇનોવેટિવ હેપ્ટિક હેડસેટ છે. એ પહેરતાની સાથે જોઈ ન શકતી વ્યક્તિ એટલે કે પ્રજ્ઞાચક્ષુઓ પણ રસ્તા પર ચાલી શકશે. સેલ્ફ-ડ્રાઇવિંગ કારની જેમ આ પણ એક સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમ છે જે ચાલવામાં મદદ કરે છે.
હેપ્ટિક હેડસેટ
ડોટલુમેન દ્વારા હેપ્ટિક હેડસેટ લોન્ચ કરવામાં આવ્યા છે જે જોવામાં વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇઝ જેવા દેખાય છે. આંખની સામે આ હેડસેટનું યુનિટ છે અને એને બેલેન્સ કરવા માટે પાછળની સાઇડ બેટરી આપવામાં આવી છે. આંખની સામે જે યુનિટ છે એમાં છ કમ્પ્યુટર વિઝન કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી ત્રણ કેમેરા નજીકની વસ્તુને ફોકસ કરે છે અને ત્રણ કેમેરા દૂરની વસ્તુને ફોકસ કરે છે. આ ડિઝાઇનને ઇલોન મસ્કની કંપની ટેસ્લાના સેટઅપથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ હેડસેટ?
આ હેડસેટનો મુખ્ય ઉદ્દેશ વ્યકિતને અથડાતા બચાવવાનો છે. રસ્તામાં આવતી કોઈ પણ વસ્તુ અથવા તો વ્યકિતથી એ કેવી રીતે અટકાવવું એ માટે આ કેમેરા અને સેન્સર કામ કરશે. એ હેડસેટમાં નાના-નાના આર્મ આપ્યા છે જે યુઝરના કપાળને ટચ કરશે. આ દરેક હાથ વાઇબ્રેટિંગ મોટર સાથે કનેક્ટ હશે. આથી કપાળ પર વાઇબ્રેશન દ્વારા યુઝરને ખબર પડશે કે કઈ તરફ જવું અને ક્યાં અટકવું અને સામેની વસ્તુ કેટલી દૂર અને નજીક છે. આ હેડસેટના વચ્ચે વાઇબ્રેશન થશે એનો મતલબ છે કે સીધો રસ્તો એકદમ ક્લિયર છે. ડાબી અથવા જમણી બાજુ વાઇબ્રેશન થતાં એ તરફ વળવાનો સિગ્નલ આપશે.
વોઇસ ગાઇડન્સ
આ હેડસેટમાં હેપ્ટિક ફીડબેકનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સાથે જ એમાં વોઇસ ગાઇડ પણ આપવામાં આવ્યો છે. રસ્તામાં ઘણી બધી વસ્તુઓ અથવા તો ટોળું હોય તો વોઇસ ગાઇડન્સ દ્વારા એ જણાવવામાં આવશે. આ ડિવાઇઝ 2.5 કલાકનું બેટરી બેકઅપ આપે છે. આ સમયગાળા કરતાં વધુ બેટરી બેકઅપ જોવું હોય તો એને પાવરબેન્ક સાથે યુએસબી સી કેબલ દ્વારા કનેક્ટ કરી શકાય છે.
કિંમત
ડોટલુમેન દ્વારા આ હેડસેટને પહેલાં યુરોપમાં લોન્ચ કરવામાં આવશે. આ હેડસેટની કિંમત 10,000 પાઉન્ડ એટલે કે અંદાજે 8.8 લાખ રૂપિયાની અંદર હશે. આ કિંમત એક રીતે જોવા જઈએ તો ઘણી છે, પરંતુ કંપનીનું કહેવું છે કે બહારના દેશમાં ડોગીને ટ્રેઇનિંગ માટે જે પૈસા ચૂકવવામાં આવે છે એના કરતાં સસ્તુ છે. અમેરિકાના એક ડોગ ફાઉન્ડેશન મુજબ એક ડોગીનું બ્રીડિંગ કરવું, એનો ઉછેર કરવો અને એને ટ્રેઇનિંગ આપવા પાછળ 50,000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 43 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.