5G નેટવર્ક શરૂ ન થઈ રહ્યું હોવાથી સરકારે માગ્યો જવાબ, અદાણી ગ્રૂપ સ્પેક્ટ્રમ ફરી આપી દેવાનું પ્લાનિંગ કરતું હોવાની ચર્ચા
Government Asks Adani For Clarity on 5G:ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે કે તેમણે હજી સુધી 5G નેટવર્કનો પ્લાન શા માટે શરૂ નથી કર્યો. અદાણી એન્ટરપ્રાઇઝની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ 5G સર્વિસ લોન્ચ કરવાની હતી, પરંતુ તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબ અને તેમાંથી ઊભી થયેલી સમસ્યાઓને લઈને DoT દ્વારા અદાણી ગ્રૂપ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
212 કરોડમાં ખરીદ્યા હતા સ્પેક્ટ્રમ
2022ની જુલાઈમાં થયેલા ઓક્શન દરમ્યાન અદાણી ડેટા નેટવર્ક્સ દ્વારા 26 GHz બેન્ડમાં 400 MHz સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યા હતા, જેની કિંમત 212 કરોડ રૂપિયા હતી. આ સ્પેક્ટ્રમમાં 100 MHzનો સમાવેશ ગુજરાત અને મુંબઈમાં થાય છે અને 50-50 MHzનો સમાવેશ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે. અદાણી દ્વારા યુનિફાઇડ ટેલિકોમ લાઇસન્સ પણ મેળવી લેવામાં આવ્યું છે, જેના દ્વારા તેઓ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી શકે છે.
કંપનીને આવી રહેલી ચેલેન્જ
સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવા માટે જરૂરી સાધનોમાં કંપનીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતમાં જરૂરી ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધી રહ્યું છે, તેમજ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે વધુ સમય લાગી રહ્યો છે. કંપની જો સમય મર્યાદામાં સર્વિસ શરૂ ન કરી શકે તો તેમને પેનલ્ટી ભરવી પડે છે, જે શરૂઆતના 13 અઠવાડિયા માટે અઠવાડિયે 1.5 લાખ રૂપિયા અને ત્યારબાદના 13 અઠવાડિયા માટે અઠવાડિયે 2 લાખ રૂપિયા છે.
સરકારે માગ્યો જવાબ
સરકાર દ્વારા અદાણી ડેટા નેટવર્કને ઘણી નોટિસ મોકલવામાં આવી છે. તેઓ સમય મર્યાદામાં સર્વિસ શરૂ ન કરી શક્યા હોવાથી તેમની પાસેથી વારંવાર જવાબ માગવામાં આવ્યો છે. હાલની સ્થિતીમાં, સરકારે અદાણીના ટેલિકોમ સર્વિસ લાઇસન્સ કેન્સલ કરવાનો કોઈ પ્લાન નથી.
અદાણી ગ્રૂપનો પ્લાન
અદાણી ગ્રૂપ દ્વારા આ પ્લાનને પડતો મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. 26 GHz બેન્ડમાં લીધેલા 5G સ્પેક્ટ્રમને ફરીથી સરકારને સોપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે હજી સુધી DoT ને અધિકૃત રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ સ્પેક્ટ્રમનો ઉપયોગ અદાણી પોર્ટ્સ, એરપોર્ટ્સ, પાવર જનરેશન અને લોજિસ્ટિક કંપનીઓમાં પોતાના પર્સનલ ઇન્ટરનેટ ઉપયોગ માટે કરવાના વિચારો પણ સામે આવ્યા છે. છતાં, હરીફાઈ વધવાની શક્યતાઓ હાલ નહીં દેખાય તેવું લાગી રહ્યું છે.