તમારું બ્રાઉઝિંગ ખાનગી રાખવા માટે ઇનકોગ્નિટો મોડની ટેબ્સને લોક કરો છો ?
- Úkkuze ðÄw «kRðMke òuEíke nkuÞ íkku...
માની લો કે હમણાં ગયેલા વેલેન્ટાઇન ડે નિમિત્તે, તમે તમારા કોઈ લવ્ડ-વન માટે સરપ્રાઇઝ ગિફ્ટ ખરીદવાનું વિચાર્યું હતું. એ માટે તમે તમારા ફોનમાં વિવિધ
પ્રકારની ગિફ્ટ સર્ચ કરવાનું શરૂ કર્યું હશે. પછી કોઈ ગિફ્ટ પસંદ કરી, ખરીદી હશે અને પ્રેમથી ભેટ આપી હશે.
ગિફ્ટ સ્વીકારનાર વ્યક્તિએ બહુ હોંશથી ને પ્રેમથી જોરદાર સરપ્રાઇઝ! જેવું કંઈક રીએક્શન પણ આપ્યું
હશે, પણ એ વ્યક્તિ માટે તમારી સરપ્રાઇઝ ગિફ્ટ ખરેખર સરપ્રાઇઝ ન રહી હોય, એને પહેલેથી જાણ હોય એવી પૂરી શક્યતા!
કારણ એટલું જ કે જો એ વ્યક્તિ એકદમ
નજીકની હોય અને તમારા ફોનની એક્સેસ ધરાવતી હોય તો એ ફોનનો ઉપયોગ કરે ત્યારે એને
જુદી જુદી જગ્યાએ તમે સર્ચ કરેલી પેલી ગિફ્ટ જેવી અન્ય ચીજવસ્તુઓની જાહેરાત દેખાવા
લાગી હશે, કેમ કે આ જાહેરાતો આપણી સર્ચ
એક્ટિવિટી આધારિત હોય છે!
જો તમારા બંનેના સ્માર્ટફોનમાં શોપિંગ સાઇટ કે ગૂગલના કોઈ કોમન એકાઉન્ટનો
ઉપયોગ થતો હોય તો તો એ વ્યક્તિને પોતાના ફોનમાં પણ તમે સર્ચ કરેલી ચીજવસ્તુને
સંબંધિત જાહેરાતો દેખાવા લાગી હશે!
આનો એક ઉપાય એ થઈ શકે કે તમે ફોનમાં બ્રાઉઝરમાં ઇનકોગ્નિટો મોડમાં આવી બાબતો
સર્ચ કરો. ઇનકોગ્નિટો મોડમાં સર્ચ કરવાથી આપણી સર્ચની હિસ્ટ્રી જળવાતી નથી તથા
થર્ડ પાર્ટી કૂકીઝ બંધ થવાથી આપણી સર્ચ એક્ટિવિટી પર આધારિત જાહેરાતોનો મારો પણ
થતો નથી (છતાં બધું સાવ છૂપું-ખાનગી રહેતું નથી એ ખાસ યાદ રાખજો).
હજી બીજી એક શક્યતા છએ. તમે ફોનમાં ઇનકોગ્નિટો મોડમાં વિવિધ ટેબ ઓપન કરી હોય
અને તેમાં જુદી જુદી બાબતો સર્ચ કરીને પછી ફોનમાં બીજી કોઈ એપમાં પોતાનું કામ કરવા
લાગો તો ક્રોમ બ્રાઉઝરમાં ઇનકોગ્નિટો મોડમાં પેલી ટેબ્સ ઓપન રહે છે. એ કારણે બીજી
વ્યક્તિને તમારો ફોન ખુલ્લો મળે અને એ ક્રોમ બ્રાઉઝરમાં જાય તો તમે ઇનકોગ્નિટો
મોડમાં શું સર્ચ કરી રહ્યા છો એ બધું તે જોઈ શકે!
હવે વાતમાં ટ્વીસ્ટ આવે છે. તમે ઇચ્છો તો ઇનકોગ્નિટો મોડમાંની ટેબને વધારાનું
તાળું મારી શકો છો. આવું તાળું મારવું જરૂરી પણ છે, કેમ કે લવ્ડ-વન સિવાય બીજી કોઈ વ્યક્તિને આપણો ફોન ખુલ્લો મળી જાય તો એ પણ
ઇન્કોગ્નિટો મોડમાંની ઓપન ટેબ્સ સુધી પહોંચી શકે છે. આવું તાળું મારવા માટે ફોનમાં
ક્રોમ બ્રાઉઝરમાં જાઓ. તેમાં સેટિંગ્સમાં પ્રાઇવસી એન્ડ સિક્યોરિટીમાં જાઓ. તેમાં લોક ઇનકોગ્નિટો ટેબ વ્હેન યુ
લીવ ક્રોમ ઓપ્શન શોધીને ઓન કરી દો. આ
પછી અન્ય કોઈ વ્યક્તિ તમારો ફોન એક્સેસ કરી શકશે અને તેમાં તે ઇનકોગ્નિટો મોડમાંની
ટેબ્સ જોવાનો પ્રયાસ કરશે તો પહેલાં તેણે તમારો પિન કે ફિંગરપ્રિન્ટ આપીને ટેબ
અનલોક કરવી પડશે.