ભારતીય ખગોળશાસ્ત્રીની મોટી સિદ્ધિ, સૂર્યમંડળની બહાર પૃથ્વી કરતાં 5 ગણો મોટો ગ્રહ શોધ્યો
Science News | ભારતીય ખગોળશાસ્ત્રીઓએ ટીઓઆઇ-6651બી સંજ્ઞા ધરાવતો એક્ઝોપ્લેનેટ(સૂર્યમંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) શોધ્યો છે. ટીઓઆઇ-6651બી એક્ઝોપ્લેનેટનું કદ આપણા સૌર મંડળના રૂપકડા શનિના કદ જેવડું છે. આ એક્ઝોપ્લેનેટ આપણા સૂર્ય જેવા તારા ફરતે પ્રદક્ષિણા કરે છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(પી.આર.એલ.--અમદાવાદ)નાં સૂત્રોએ આજે આ માહિતી આપી છે.
પી.આર.એલ.નાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અમારા ખગોળશાસ્ત્રીઓની ટીમે પીઆરએલ એડવાન્સ્ડ રેડિયલ -વેલોસિટી આબુ-સ્કાય-સર્ચ-2(પારસ-2) સ્પેક્ટોગ્રાફની મદદથી આ એક્ઝોપ્લેનેટની શોધ કરી છે.
પી.આર.એલ.ના ખગોળશાસ્ત્રીઓએ અત્યારસુધીમાં આવા ચાર એક્ઝોપ્લેનેટ્સની શોધ કરી છે. ટીઓઆઇ --6651 બી એક્ઝોપ્લેનેટ બહુ વિશિષ્ટ પ્રકારનો ગ્રહ છે. સૌરમંડળ બહારના આ ગ્રહનું દળ(માસ) આપણી પૃથ્વીના દળ(માસ) કરતાં 60 ગણું વધુ છે.ઉપરાંત, આ ગ્રહની ત્રિજ્યા આપણી પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીએ પાંચ ગણી વધુ મોટી છે.એટલે કે આ ગ્રહ આપણી પૃથ્વી કરતાં પાંચ ગણો વધુ મોટો છે.
પી.આર.એલ.નાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે ટીઆઇઓ-6651 બી એક્ઝોપ્લેનેટ પૃથ્વીથી અતિ દૂરના નેપ્ચુનિયન ડેઝર્ટ નામના વિસ્તારમાં છે. નેપ્ચુનિયન ડેઝર્ટ એવો વિસ્તાર છે જ્યાં આવા વિરાટ કદના ગ્રહો ભાગ્યે જ જોવા મળે છે. હવે જોકે સૌર મંડળ બહારનો આ ગ્રહ મળ્યો છે ત્યારે સૂર્ય મંડળની રચના અને તેના વિકાસની રસપ્રદ માહિતી મળી શકશે. સાથોસાથ નેપ્ચુનિયન ડેઝર્ટ વિસ્તારમાં આવા મહાકાય ગ્રહો શા માટે બહુ થોડા હોય છે તેનું રહસ્ય પણ જાણી શકાશે.
ટીઆઇઓ --6651 બી એક્ઝોપ્લેનેટની વિશિષ્ટતા એ છે કે ટીઆઇઓ ---6651 સંજ્ઞાા ધરાવતા પિતૃતારાની પ્રદક્ષિણા કરે છે, જે તારો આપણા સૂર્ય જેવો છે. સરળ રીતે સમજીએ તો ટીઆઇઓ --6651 સ્ટાર બ્રહ્માંડનો જી --ટાઇપ તારો છે, જેને સબ જાયન્ટ સ્ટાર પણ કહેવાય છે. વળી, ટીઆઇઓ --6651 સ્ટાર આપણા સૂર્ય કરતાં થોડોક મોટો અને વધુ ધગધગતો પણ છે. આ સ્ટારની સપાટીનું તાપમાન લગભગ 5940 કેલ્વિન(કોઇપણ તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય છે ) આપણા સૂર્યની સપાટીનું તાપમાન 6000 કેલ્વિન છે.
વળી, ટીઆઇઓ --- 6651 બી ગ્રહ તેના પિતૃ તારા ફરતે ફક્ત ૫.૦૬ દિવસમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે.એટલે કે આ ગ્રહનું એક વર્ષ પૃથ્વીના એક મહિના જેવડું છે. સરળ રીતે સમજીએ તો આ ગ્રહ તેના પિતૃ તારાથી ઘણા ઘણા નજીકના અંતરે છે. આ વિશિષ્ટ ગ્રહની ભ્રમણકક્ષા થોડા અંશે અંડાકાર છે.
પી.આર.એ.નાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અમારા ખગોળશાસ્ત્રીઓએ ટીઆઇઓ --6651 બી ગ્રહના કુદરતી બંધારણનો પણ સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. આ ગ્રહની ઘનતા ઘણી વધુ હોવાનો અર્થ એ છે કે તેનું 87 ટકા જેટલું દળ ખડકાળ, આયર્નથી સમૃદ્ધ છે. જ્યારે તેના બાકીના દળમોં હાઇડ્રોજન અને હિલિયમ છે. આમ ટીઆઇઓ --6651 બી ગ્રહની કુદરતી રચના બહુ વિશિષ્ટ હોવાનો સંકેત મળે છે.