'ડિજિટલ અરેસ્ટ' હવે જીવ પણ લે છે
- નવા સમયના અનિષ્ઠ સામે લડવા માટે એક જ શસ્ત્ર પૂરતું છે - જાણકારી
હજી ગઈ કાલે આપણે ફાફડા ને જલેબી સાથે દશેરાનો ઉત્સવ ઉજવ્યો. એ સાથે અસત્ય પર સત્યનો અને અનિષ્ઠ પર ઇષ્ઠનો હંમેશાં વિજય થાય છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ એ વિશ્વાસ માત્ર ફાફડા-જલેબીની ઉજવણીથી ટકે નહીં. તેને ટકાવવા આપણે પોતે કંઈક કરવું પડે.
પાછલા કેટલાક સમયથી આપણા દેશને ‘ડિજિટલ અરેસ્ટ’ના અનિષ્ઠનું ગ્રહણ લાગ્યું છે. લાલચ, ડર કે પછી સ્વભાવગત ગભરુપણું... આ બધી માનવસહજ નબળાઇનો ગેરલાભ લેવા માટે દેશની અને દેશ બહારની ઠગ ટોળકીઓ મેદાને પડી છે.
લગભગ રોજેરોજ દેશના કોઈ ને કોઈ ખૂણેથી ‘ડિજિટલ અરેસ્ટ’ના ઓઠા નીચે લાખો-કરોડો પડાવ્યા હોવાના સમાચાર આવે છે - હમણાં એક વ્યક્તિએ તો એમાં જીવ પણ ગુમાવ્યો.
ડિજિટલ ટેક્નોલોજીથી પ્રમાણમાં ઓછા પરિચિત વડીલો જ તેનો ભોગ બને છે એવું નથી. યુવાન, ભણેલા-ગણેલા, ડોક્ટર, એન્જિનીયર કે વકીલ સુદ્ધાં - જેની દેશના કાયદામાં કોઈ જોગવાઈ જ નથી એવી - ડિજિટલ અરેસ્ટની વાતમાં ભરાઈ પડે છે. તેની સામે આપણી પાસે બે જ હથિયાર છે - જાગૃતિ અને મોડું થાય એ પહેલાંનાં કેટલાંક સેટિંગ્સ.
- આગ્રામાં શું બન્યું?
હમણાં તમે પણ અખબારમાં કે ન્યૂઝ સાઇટ પર આ સમાચાર વાંચ્યા હશે - આગ્રાનાં એક મહિલા શિક્ષકને વોટ્સએપ પર એક કૉલ આવ્યો. સામેના છેડે બોલતી વ્યક્તિએ તેમનું નામ પૂછ્યું અને કહ્યું કે તેમની દીકરી પોલીસ સ્ટેશનમાં છે. હોટેલ પર રેડ પડી હતી અને તેમાં તે પકડાઈ છે. એ પછીની આઠેક મિનિટમાં તેમના પર વોટ્સએપ પર જ ધડાધડ દસેક કૉલ આવ્યા. દીકરી અને પરિવારની આબરૂ બચાવવા માટે તેમને ગૂગલ પેમાં એક નંબર પર એક લાખ રૂપિયા મોકલી આપવાનું કહેવામાં આવ્યું.
શિક્ષિકા એકદમ મૂંઝાઈ ગયાં. તેમણે દીકરીને અને પરિવારના અન્ય સભ્યોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. દીકરી સાથે વાત ન થઈ પરંતુ દીકરા સાથે થઈ. દીકરાએ આખી વાત સાંભળી અને તેને સમજાયું કે આ ‘ડિજિટલ અરેસ્ટ’વાળો જ કિસ્સો છે. તેણે માને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પછી તો શિક્ષિકાની પુત્રવધૂએ જે દીકરી પોલીસ સ્ટેશનમાં હોવાની વાત હતી તેની સાથે વીડિયો કૉલ પર વાતચીત કરી. એ કૉલેજમાં હતી અને કોઈ તકલીફમાં નહોતી. આ બધું થવા છતાં માનો જીવ સતત મૂંઝાવા લાગ્યો. હાથ-પગ ઠંડા પડવા લાગ્યા. ખભામાં દુઃખાવો શરૂ થયો. સતત બેચેની ફરિયાદ સાથે તેમણે પોતાને હોસ્પિટલે લઈ જવા કહ્યું. તેમને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયાં, પરંતુ તેમને બચાવી ન શકાયાં - હાર્ટ એટેક હતો.
દીકરાએ પાછળથી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શિક્ષિકા પર બે નંબર પરથી કૉલ આવ્યા હતા. એક નંબર ભારતનો અને બીજો પાકિસ્તાનનો હતો.
અત્યાર સુધી આપણે ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલી વ્યક્તિઓએ લાખો કે કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર વાંચ્યા છે. આ કદાચ પહેલી વાર બન્યું છે કે આવા કૌભાંડનો ભોગ બનનારી કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
એ પણ નોંધજો કે આ કેસમાં એ મહિલાને ફક્ત ઉપરાઉપરી ફોન કરીને ડરાવવામાં આવ્યાં હતાં - ડિજિટલ અરેસ્ટમાં જે થાય છે એ રીતે તેમને વીડિયો કૉલ કરી, કલાકો કે દિવસો સુધી સતત ડરાવવા-ધમકાવવામાં આવ્યાં નહોતાં.
- આ ટ્રેજેડી ચોક્કસપણે ટાળી શકાઈ હોત...
આ ટ્રેજેડી જરૂર ટાળી શકાઈ હોત, જો ‘પોલીસ’નો પહેલો કૉલ આવ્યો એ પહેલાં ફક્ત બે પગલાં લેવાયાં હોત તો.
સૌથી પહેલાં, એ મહિલાને કોઈએ પહેલેથી સમજાવ્યું હોવું જોઈતું હતું કે ભારતમાં આ પ્રકારના ગુના સતત વધી રહ્યા છે અને સામે છેડે બોલતી વ્યક્તિ પોલીસ કે અન્ય તપાસ સંસ્થાના ઉચ્ચ અધિકારી હોવાનો દાવો ભલે કરે, આવી વાતો સરાસર જૂઠ હોય છે - એ ભલે ગમે તે કહે, પોતે કે પરિવારના દરેક સભ્ય સલામત જ છે.
બીજું, એ મહિલાના વોટ્સએપમાં એક જરૂરી સેટિંગ કરવામાં આવ્યું હોત (‘ટેક્નોવર્લ્ડ’માં આ વાત અગાઉ કરી છે, નીચે ફરી કરી છે) તો તેમણે પેલો કૉલ રીસિવ જ ન કર્યો હોત. વાત ત્યાંથી જ અટકી ગઈ હોત.
દેશના કોઈને કોઈ ખૂણે લગભગ દરરોજ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયાના કિસ્સા નોંધાઈ રહ્યા છે. આગ્રાના બનાવ પહેલાં દેશની એક જાણીતી ટેક્સટાઇલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા. તેમની પાસેથી ૭ કરોડ રૂપિયા જેટલી રકમ પડાવવામાં આવી. ૮૨ વર્ષના આ વૃદ્ધ ઉદ્યોગપતિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હોવાનું કહેવામાં આવ્યું હતું. છેતરપિંડી કરનારા લોકોની હિંમત જુઓ - વીડિયો કૉલના બીજા છેડે આખેઆખો બનાવટી કોર્ટ રૂમ સેટઅપ કરાયો હતો અને ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ પોતે ઉદ્યોગપતિ સાથે વાત કરી રહ્યા હોય એવો માહોલ ઊભો કરાયો હતો!
ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં લોકોને મોટા ભાગે વોટ્સએપ પર પહેલાં વોઇસ કૉલ કરવામાં આવે છે. એ પછી નિશાન પરની વ્યક્તિ પોતે કે તેના કોઈ સ્વજન ગંભીર ગુનામાં સંડોવાયા હોવાનું કહેવામાં આવે છે. પછી વોટ્સએપ કે ઝૂમ કે સ્કાઇપ જેવા વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ પર વીડિયો કૉલ કરવામાં આવે છે. આવા કૉલ સમયે સામેના છેડે સીબીઆઈ કે ક્રાઈમ બ્રાન્ચ કે ઇડી જેવા ડિપાર્ટમેન્ટના ઉચ્ચ પોલીસ અધિકારી વાત કરી રહ્યા હોય એવી ગોઠવણ હોય છે. ભોગ બનનાર વ્યક્તિને વીડિયો કૉલ રીસિવ કરીને સતત ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. અમુક કિસ્સામાં સાત-સાત દિવસ સુધી તેમને આ રીતે વીડિયો સર્વેલન્સમાં રાખવામાં આવે છે. એ દરમિયાન પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે વાત કરવા દેવામાં આવતી નથી.
વીડિયો કૉલ દરમિયાન વોટ્સએપ પર એ વ્યક્તિને નામે તદ્દન બનાવટી એફઆઇઆર, વોરન્ટ, કોર્ટ ઓર્ડર વગેરેની નકલ મોકલવામાં આવે છે. છેવટે કેસમાંથી બચવું હોય તો રૂપિયા માગવામાં આવે છે. આ બધું તદ્દન તરકટી, બનાવટી હોવાનું લગભગ કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી સમજી શકે, છતાં વધુ ને વધુ લોકો આવી બનાવટનો ભોગ બની રહ્યા છે.
આમ થવાનાં બે જ કારણ હોઈ શકે. કાં તો વ્યક્તિએ ખરેખર કંઈ ને કંઈ ખોટું કર્યું હોય અથવા આગ્રાનાં શિક્ષિકાની જેમ સ્વભાવે એ અત્યંત ગભરુ હોય. આપણા દેશની સરેરાશ કોઈ પણ વ્યક્તિ પોલીસનું નામ પડતાં ફફડી ઉઠતી હોય છે, એ જોતાં ખુદ ‘પોલીસ અધિકારી’ પોતે ફોન પર આવીને ધમકાવવા લાગે ત્યારે વ્યક્તિ અસહ્ય દબાણમાં આવી જાય ને માનસિક ટોર્ચરથી બચવા માટે જે કહેવામાં આવે તે કરી લે છે.
તમને જાણીને કદાચ આંચકો લાગશે કે બેંગલુરુનાં એક યુવાન મહિલા વકીલ પણ આવા કિસ્સાનો ભોગ બનીને ૧૪-૧૫ લાખ રૂપિયા ગુમાવી બેઠાં છે. જો વકીલને પણ એટલી સ્પષ્ટતા ન હોય કે ભારતના કાયદાઓમાં કોઈ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવાની જોગવાઈ છે જ નહીં તો સામાન્ય વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય? એટલે જ, પરિવારમાં સૌ સાથે આ વિશે વાત કરવા જેવી છે - મોડું થાય તે પહેલાં.
- અજાણ્યા નંબરથી આવતા પહેલા કૉલથી જ વાત અટકાવીએ
તમારામાંથી કોઈને કોઈ પર પણ ‘સીબીઆઇ’ કે ‘ક્રાઇમ બ્રાન્ચ’માંથી વોટ્સએપ પર આવો વોઇસ કૉલ કે વીડિયો કૉલ આવ્યો હશે. તમે એ ફ્રોડ હોવાનું સમજીને કૉલ કટ પણ કર્યો હશે. પરંતુ હવે સમય પાકી ગયો છે કે આપણે ફક્ત કૉલ કટ કરીને સંતોષ માનવાને બદલે પરિવારના સૌ સભ્યો સાથે ડિજિટલ અરેસ્ટના વધતા કિસ્સાઓ વિશે ખુલીને વાત કરીએ.
હવે દરેક પરિવારમાં સૌના હાથમાં મોબાઇલ અને તેમાં વોટ્સએપ હોય છે. કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને વડીલો આવી છેતરપિંડીનું નિશાન બનવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ હવે વડીલોને તેમના વોટ્સએપ પર આવતા અજાણ્યા નંબર પરથી આવતા કૉલ રીસિવ ન કરવાનું સમજાવવું બેહદ જરૂરી બની ગયું છે. સાદી રીતે આવા કૉલ આવવાનું જોખમ છે જ, પરંતુ એ જોખમ ઘટાડવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) તથા ખાનગી ટેલિકોમ નેટવર્ક્સ દ્વારા વિaવિધ પ્રયાસો લાંબા સમયથી શરૂ થયા છે.
એ ઉપરાંત, લોકોના ફોનમાં ટ્રુકૉલર જેવી ફોન કરનારની ઓળખ જણાવતી એપ હોય તો તેમાં જોખમી કૉલ હોવાની જાણ થઈ જાય છે. વોટ્સએપમાં ટ્રેકિંગ પણ મુશ્કેલ હોવાથી મોટા ભાગે વોટ્સએપ પર પહેલો કૉલ આવે છે.
એમાં કોઈ વ્યક્તિ ફસાય તો પછીના તબક્કામાં તેમને વોટ્સએપ પર કે ઝૂમ/સ્કાઇપ પર વીડિયો કૉલ કરવામાં આવે છે. આ બધું ધ્યાનમાં રાખીને વોટ્સએપ કંપનીએ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તો તેવા નંબર પરથી આવતા કૉલ્સની રિંગ વાગે જ નહીં એવી સેટિંંગ કરવાની સગવડ આપી છે.
તમે યંગ હો, નાના મોટા બિઝનેસ કે પ્રોફેશનમાં એક્ટિવ હો તો બની શકે કે તમારા પોટેન્શિયલ કસ્ટમર કે ક્લાયન્ટ્સ તમને વોટ્સએપ પર કોન્ટેકટ કરે. એમનો નંબર તમારા ફોનમાં સેવ્ડ ન હોય તેવું પણ બને. એટલે તમે સમજી વિચારીને, ડિજિટલ અરેસ્ટ માટે નિશાન બનાવતા કૉલ્સ આવી શકે છે એવું જોખમ બરાબર જાણીને અનનોન નંબર પરથી આવતા કૉલની રિંગ બંધ ન કરો, તો ચાલી શકે.
પરંતુ પરિવારના વડીલોને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર આવતા કૉલ રીસિવ કરવાની કોઈ જરૂર હોતી નથી. તેમને ડિજિટલ અરેસ્ટની સમજ આપીએ તો પણ એ અજાણ્યા નંબરથી આવેલા કૉલનો જવાબ આપી દે અને ફસાય એવું બની શકે. એટલે જ તેમના ફોનમાં વોટ્સએપમાં અજાણ્યા નંબરની રિંગ બંધ કરી દેવાનું સેટિંગ ઓન કરી દેવું હવે અત્યંત જરૂરી બન્યું છે.
સરકારે આવા કિસ્સાની ફરિયાદ ૧૯૩૦ નંબર પર કરવાનું કહ્યું છે. https://sancharsaathi.gov.in/sfc/ પોર્ટલ પર પણ ફરિયાદ થઈ શકે છે.
અહીં નોંધાતા નંબર્સની તપાસ કરીને તેમને બ્લોક કરવાનું કામ પણ સરકારના સ્તરે શરૂ થયું છે. પરંતુ સરકાર પર આધારિત રહેવાને બદલે આપણે પોતે બચાવનાં પગલાં લેવાનું શરૂ કરીએ એ જરૂરી છે.
વોટ્સએપમાં સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જાઓ. તેમાં 'Calls- Silence Unknown Callers' પર ક્લિક કરી, તેને ઓન કરી દો. હવે અજાણ્યા નંબર પરથી કૉલ આવશે તો તેની રિંગ વાગશે નહીં. ફક્ત તેનું નોટિફિકેશન આવશે અને એપમાં ‘કોલ્સ’ ટેબમાં કોઈ મિસ્ડ કૉલ હતો એવી જાણ થશે - અજાણ્યા નંબર પરથી મિસ્ડ કૉલની જાણ થાય તો વળતો કૉલ કરવાનું ટાળવું.