દિલ્હી પોલીસ બની વધુ એડવાન્સ : AIની મદદથી ચલાન બનાવશે અને વોટ્સએપ પર મોકલશે
AI In Traffic Challan: દિલ્હી પોલીસ વધુ એડવાન્સ બની રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો માટે હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરશે અને એ દ્વારા ચલાન બનાવવામાં આવશે. એટલું જ નહીં આ ચલાનને હવે વોટ્સએપ દ્વારા જ સેન્ડ કરવામાં આવશે.
પોલીસ રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનું ચલાન બનાવે છે. જોકે હવે AC રૂમમાં બેસીને CCTV પરથી નજર રાખીને પણ સીધું ઘરે ચલાન મોકલવામાં આવે છે. આ માટે સરકારે સિસ્ટમ પણ બનાવી છે કે કાર અથવા તો બાઇકનો નંબર તેમની વેબસાઇટ પર એન્ટર કરી ચલાન છે કે નહીં એ ચેક કરી લેવું. આમ છતાં ઘણાં લોકો એવી ફરિયાદ કરે છે કે તેમને ચેક કરતાં નથી આવડતું અથવા તો તેમના ઘરે કોઈ લેટર નથી આવ્યો.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર વધુ અગ્રેસિવ થઈને ટ્રાફિકના નિયમોનું હવે ધ્યાન રાખશે. દિલ્હીમાં હવે AI સિસ્ટમ વડે ચલાન બનાવવામાં આવશે. આ સિસ્ટમની નજરથી કોઈ કાર અથવા તો બાઇક ચૂકી જાય એવી શક્યતા ઓછી છે.
કેમ જરૂર પડી AI સિસ્ટમની?
CCTVના કન્ટ્રોલ રૂમમાં બેસીને સતત કેમેરા પર નજર રાખવાનું કામ પણ સહેલું નથી. આ માટે પણ ઘણાં મેનપાવરની જરૂર પડે છે. સતત સ્ક્રીન પર જોતા રહેવાથી એવું થતું હોય છે કે અમુક વાહનો નજરઅંદાજ થઈ જાય. આ માટે હવે AIની મદદથી કેમેરા સિસ્ટમ બનાવવામાં આવી છે. આ માટે કેમેરાના ફૂટેજ દ્વારા AI ખોટી જગ્યાએ પાર્ક કરેલી કાર, ઓવરસ્પીડ અને ફ્લાઇઓવર પર થતાં ઓવરટેક વગેરે નિયમોને ખૂબ જ સારી રીતે પકડી શકાશે.
કેવી રીતે કાર્ય કરશે AI સિસ્ટમ?
AI સિસ્ટમ નિયમ તોડનારનો નંબર નોટ કરશે. ત્યાર બાદ એ નંબરના ડેટા RTO પાસેથી મેળવશે. આ ડેટા બાદ એ કાર અથવા તો બાઇકનો વિમો તેમ જ પોલ્યુશન અંડર કન્ટ્રોલ છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે. એ ચેક થયા બાદ જો ન હશે તો એનો દંડ અને જો તમામ પેપર ઓકે હશે તો નિયમ તોડવા માટેનો જે દંડ હશે એનું ચલાન બનશે.
વોટ્સએપ પર મોકલવામાં આવશે ચલાન
ઘણીવાર ચલાન નથી મળ્યું એવું કહેવામાં આવે છે. આથી પોલીસ દ્વારા તરત જ ચલાન મળી રહે એ માટે ડિજિટલ રસ્તો અપનાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા આ ચલાન હવે વોટ્સએપ પર અને ટેક્સ મેસેજ દ્વારા મોકલવામાં આવશે. આ ચલાન મળ્યા બાદ એને ઓનલાઇન પણ પેમેન્ટ કરી શકાશે. આથી હવે યુઝર પાસે કોઈ રસ્તો બાકી નહીં રહે.
શું તકલીફ આવી શકે છે?
જો કોઈએ કાર અથવા તો બાઇક વેચી દીધી હોય અને ખરીદનારાએ એને પોતાના નામે ન કરાવી હોય ત્યારે આ ચલાન ઓરિજિનલ માલિક પર જશે. આથી સેન્કડ હેન્ડ વાહન ખરીદનાર વ્યક્તિ એનાથી અવગત રહેશે. આથી ખરીદનાર અને વેંચનાર બન્નેએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે વાહન સાથેનો મોબાઇલ નંબર હંમેશાં અપડેટ રહે.