દિલ્હીની AIIMSમાં સર્જિકલ રોબોટનો ઉપયોગ: દર્દીઓ જલદી સાજા થશે અને હોસ્પિટલમાં ઓછા દિવસ રહેવું પડશે
Surgical Robot in AIIMS Delhi: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હી દ્વારા હવે સર્જરી માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ ટેક્નોલોજીમાં આ એક નવી પહેલ છે. ઇન્ડિયામાં જનરલ સર્જરી માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરતી આ પહેલી હોસ્પિટલ બની છે. આ એક એડવાન્સ ટેક્નોલોજી છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સર્જિકલ રોબોટના ફાયદા
સર્જિકલ રોબોટનો ફાયદો એ છે કે તે કોઈ પણ વસ્તુને તેની સાઇઝ કરતાં મોટી દેખાડી શકે છે. તેમ જ જે જગ્યાએ સર્જરી કરવાની હોય તેનો 3D વ્યૂ પણ દેખાડી શકે છે. ઉપરાંત, રોબોટિક આર્મ વડે કોઈ પણ કોમ્પ્લેક્સ જગ્યાએ સર્જરી કરી શકાય છે. ડોક્ટર ખૂબ જ ચોક્કસ રીતે અને દર્દીના અન્ય ભાગને નુક્સાન ન થાય તે રીતે સર્જરી કરી શકે છે. નાની જગ્યાએ પણ આ રોબોટિક આર્મ પહોંચી શકે છે. AIIMSમાં સર્જરીના પ્રોફેસર ડોક્ટર હેમાંગ ભટ્ટાચાર્જી કહે છે, ‘આ ટેક્નોલોજીની મદદથી કોલોરેક્ટલ સર્જરી, ઇસોફેગેક્ટોમિસ અને પેન્ક્રિઆટિક સર્જરી સારી રીતે કરી શકાય છે અને એનાથી કોમ્પ્લિકેશન પણ નહીંવત છે.’
દર્દીને થશે ફાયદો
સર્જિકલ રોબોટની મદદથી દર્દી ઓછી દિવસોમાં જ સાજા થઈ જશે અને હોસ્પિટલમાં ઓછા સમય સુધી રહેવું પડશે. અનેક સર્જરીઓ ઓપરેશન માટે ઘણો સમય લે છે અને દર્દીના શરીરમાં વધુ પડતો કાપ મૂકવામાં આવે છે, જેના કારણે સાજા થવામાં સમય લાગે છે. જોકે, રોબોટિક આર્મના કારણે માત્ર જરૂરી જેટલો જ કાપ મૂકવામાં આવે છે, જેના કારણે સાજા થવામાં ઓછો સમય લાગશે. સમય ઓછો લાગતા દર્દીને હોસ્પિટલમાંથી જલદી છૂટો આપવામાં આવશે. આ સર્વિસ તમામ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ રહેશે, માત્ર પૈસાદાર દર્દીઓને નહીં. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં દરેક પ્રકારની ટેક્નોલોજીનો સમાવેશ કરવાની કાળજી સરકાર દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન પર સંકટ: લઘુ ગ્રહ અથડાવાનું જોખમ, ચીને ડિફેન્સ સિસ્ટમ પણ ઊભી કરી દીધી
રોબોટિક સર્જરી માટે આપવામાં આવશે ટ્રેઇનિંગ
AIIMS, દિલ્હીમાં સર્જિકલ રોબોટને કારણે ફક્ત દર્દીઓને જ નહીં, મેડિકલ સ્ટુડન્ટ્સને પણ ફાયદો થશે. AIIMS, દિલ્હીના 100 વિદ્યાર્થીઓને આ લેટેસ્ટ ટેક્નોલોજીની ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે. આથી AIIMS, દિલ્હી દુનિયાની બેસ્ટ મેડિકલ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં સામેલ થઈ ગયું છે.