Get The App

OpenAIને ટક્કર આપવા બનાવેલું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર-1, જાણો કોણ છે તેનો સ્થાપક

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
OpenAIને ટક્કર આપવા બનાવેલું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર-1, જાણો કોણ છે તેનો સ્થાપક 1 - image


DeepSeek Founder: OpenAIને ટક્કર આપવા માટે હવે ચીનની DeepSeek ઍપ્લિકેશન આવી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં હવે નવી-નવી કંપનીઓ સામે આવી રહી છે. OpenAIની ChatGPT દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જો કે, હવે એને ટક્કર આપવા માટે DeepSeek ઍપ્લિકેશન આવી ગઈ છે. DeepSeekની કંપની દ્વારા તેમનું નવું AI મોડલ R1 લોન્ચ કરવામાં આવ્યું છે. એને ખૂબ જ લોકપ્રિયતા પણ મળી છે. એને લોન્ચ કરતાંની સાથે જ એ થોડા જ દિવસોમાં ટોચની ઍપ્લિકેશન બની ગઈ છે.

સસ્તુ, મજબૂત અને ટકાઉ AI

DeepSeek દ્વારા એક એવું મોડલ બનાવવામાં આવ્યું છે જે ઇન્ડસ્ટ્રીની અન્ય કંપનીઓ કરતાં ખૂબ જ ઓછા પૈસામાં બની ગયું છે અને તેમના કરતાં પણ વધુ સારું પર્ફોર્મન્સ આપે છે. અમેરિકાની કંપનીઓ દ્વારા કરોડો રૂપિયા AI મોડલ પાછળ ખર્ચ કરે છે. NVIDIA H100 ચિપ્સ અને ડેટા પાછળ કંપનીઓ બિલિયન્સ ખર્ચ કરે છે. અમેરિકાએ ચીન પર જે પણ પ્રતિબંધ મૂક્યા છે તેની અસર થશે. આથી DeepSeekને NVIDIA GPU H100ના ડાઉનગ્રેડ વર્ઝન NVIDIA GPU H800 ચિપ પર બનાવવામાં આવ્યું છે. એની સ્પીડ અને ડેટા ટ્રાન્સફર સ્પીડ પણ ધીમી છે. આમ છતાં એનું પર્ફોર્મન્સ ખૂબ જ જોરદાર છે.

DeepSeekની સફળતા

DeepSeekની સફળતાને કારણે અમેરિકા ટેન્શનમાં આવી ગયું છે. DeepSeekને એક ચાઇનીઝ સ્ટાર્ટ-અપ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઍપ્લિકેશનને ખૂબ જ ઓછા ખર્ચે બનાવવામાં આવી હોવા છતાં એના પર્ફોર્મન્સને લઈને અમેરિકાની મોટી-મોટી કંપનીઓ ટેન્શનમાં આવી ગઈ છે. અમેરિકા હાલમાં AIમાં ખૂબ જ આગળ છે, પરંતુ DeepSeekને જે સફળતા મળી છે એના કારણે ચીન બહુ જલ્દી આ તાજ અમેરિકાના માથેથી લઈ શકે છે. OpenAI, ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી દરેક કંપનીને ચીન ટક્કર આપી શકે છે. OpenAI દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આગામી ચાર વર્ષ માટે 500 બિલિયન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ AI પાછળ કરી રહી છે. આ ચર્ચાની વચ્ચે ચીનની ઍપ્લિકેશન નંબર વન થઈ ગઈ છે. અમેરિકાના એપ સ્ટોરના ચાર્ટમાં ChatGPT બીજા ક્રમે આવી ગઈ છે અને DeepSeek પહેલા ક્રમે છે.

OpenAIને ટક્કર આપવા બનાવેલું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર-1, જાણો કોણ છે તેનો સ્થાપક 2 - image
તસવીર: CCTV

કોણે બનાવ્યું DeepSeek?

દુનિયાભરમાં હાલમાં લિઆંગ વેન્ફેન્ગ નામ ખૂબ જ ચર્ચામાં છે. 40 વર્ષનો આ વ્યક્તિ DeepSeek સ્ટાર્ટઅપનો ફાઉન્ડર છે. આ કંપની તેણે 2023માં શરુ કરી હતી. એ સમયે તેના એસોસિએટ જે હતા એની સાથે તેણે આ એક હોબી એટલે કે તેનો શોખ છે એ રીતે શરુ કર્યું હતું. ટીમ કૂક, ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન નામ સતત ચર્ચામાં રહે છે. જો કે, લિઆંગ વેન્ફેન્ગે પોતાના કામ દ્વારા દુનિયાભરને વાત કરતાં કરી દીધા છે. આ નામે ટેક કંપનીને તો ચિંતામાં મૂકી જ દીધા છે, પરંતુ શેર માર્કેટને પણ હલાવી દીધું છે. આ AIને કારણે સૌથી મોટો ફટકો NVIDIAને પડ્યો છે.

લિઆંગ વેન્ગફેન્ગનું બાળપણ

લિઆંગ વેન્ગફેન્ગને હવે ચીનનો સેમ ઓલ્ટમેન કહેવામાં આવી રહ્યો છે. 1980ના દાયકામાં ચીનની પાંચમા ટીયરના શહેર ગુઆંગડોન્ગમાં લિઆંગ મોટો થયો હતો. તેના પિતા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતા. તેણે તેની અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રી ઝેજિયાંગ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. આ ચીનની સૌથી જૂની અને શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની એક છે.

બિઝનેસની શરુઆત

2015માં લિઆંગ વેન્ગફેન્ગ અને તેના બે મિત્રો દ્વારા એક ક્વોન્ટિટેટિવ હેજ ફંડની શરુઆત કરવામાં આવી હતી અને એને હાઇ-ફ્લાયર નામ આપવામાં આવ્યું હતું. ક્વોન્ટિટેટિવ હેજ ફંડ એ એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ છે, જે સંપૂર્ણ રીતે મેથેમેટિક્સ પર આધારિત હોય છે. જો કે, લિઆંગે એને મેથેમેટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બનાવી હતી. 2015માં એની શરુઆત થઈ હતી, પરંતુ એ ચીનમાં ખૂબ જ જલદી પ્રસિદ્ધ થયું. આ પહેલું એવું હેજ ફંડ હતું, જે 1.19 લાખ કરોડ રૂપિયાના આંકડાને ક્રોસ કરી ગયું હતું. 2021માં આ આંકડો અડધો થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં એ ચીનનું સૌથી મોટું હેજ ફંડ રહ્યું હતું.

OpenAIને ટક્કર આપવા બનાવેલું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર-1, જાણો કોણ છે તેનો સ્થાપક 3 - image

સ્ટાર્ટ-અપને આપ્યો વેગ

આ સમયે લિઆંગ વેન્ગફેન્ગ NVIDIAના હજારો પ્રોસેસરને ચીનમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. એ વખતે જો બાઇડન દ્વારા ચીનમાં એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આથી લિઆંગને લેટેસ્ટ ટૅક્નોલૉજી નહીં મળી. આ વિશે એક ઇન્ટરવ્યુમાં લિઆંગના બિઝનેસ પાર્ટનરે કહ્યું હતું કે, 'અમે જ્યારે પહેલી વાર લિઆંગને મળ્યા ત્યારે તે થોડો પાગલ હોય એવો છોકરો લાગતો હતો જે પોતાનામાં રહેતો હોય. તેની હેરસ્ટાઇલ પણ એકદમ ખરાબ હતી. 10000 ચીપને ભેગી કરીને તે પોતાનું એક નવું મોડલ બનાવવાની વાત કરી રહ્યો હતો. અમે તેને એટલો ગંભીર નહોતો લીધો. તે તેના વિઝનને અમારી સમક્ષ રજૂ પણ નહોતો કરી શક્યો. તેણે ફક્ત એટલું કહ્યું હતું કે, 'મારે આ બનાવવું છે અને એ ઇન્ડસ્ટ્રીમાં ગેમ ચેન્જર રહેશે.' અમને એવું લાગ્યું હતું કે તે જે કહી રહ્યો છે એ બાઇટડાન્સ અને અલીબાબા જેવી જ કંપની બનાવી શકે છે.' જો કે, 2023માં લિઆંગ દ્વારા DeepSeekને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેણે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ મોડલ બનાવવા નક્કી કર્યું હતુ. આ મોડલ, હ્યુમન ઇન્ટેલિજન્સ જેટલું જ હોંશિયાર હશે, અથવા તો એનાથી વધુ હોય એના પર તેનું ફોકસ હતું.

કેવી રીતે ભેગી કરી ટીમ?

લિઆંગ વેન્ગફેન્ગ જ્યારે કંપનીની શરુઆત કરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે અનુભવી એન્જિનિયરને જ પસંદ કરવાનો એવો માઇન્ડસેટ નહોતો રાખ્યો. તે એકદમ અલગ વિચારધારા રાખતો હતો. તેણે ચીનની ટોચની યુનિવર્સિટીમાં જઈને PhD વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો. ઘણાં વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સમાં ઍવૉર્ડ જીત્યા હતા અને જનરલમાં પણ ટોપના વિદ્યાર્થીઓ તરીકે પ્રસિદ્ધ હતા. જો કે, તેમની પાસે ફક્ત ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ નહોતો. આમ છતાં, આ ટીમ દ્વારા દુનિયાભરની AI કંપનીઓને હલાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: 15 સ્માર્ટવોચના બેન્ડ પર જોવા મળ્યાં ઝેરી કેમિકલ: કેન્સર અને અન્ય જીવલેણ બીમારી થઈ શકે છે

કર્મચારીઓનો ખૂબ જ મોટો પગાર

લિઆંગ વેન્ગફેન્ગે અનુભવી ન હોય એવા લોકોને નોકરી પર રાખ્યા હતા. જો કે, આજે તે પોતાના AI એન્જિનિયર્સને ખૂબ જ મોટો પગાર ચૂકવે છે. આ પગાર વિશ્વની મોટી-મોટી કંપનીઓના લેવલનો છે. લિઆંગ વેન્ગફેન્ગનું લક્ષ્ય આ મોડલ દ્વારા ખૂબ જ પૈસા કમાવાનું છે, પરંતુ તે આ મોડલને એન્ડ્રોઇડની જેમ ઓપનસોર્સ જ રાખવા માગે છે. તે ટૅક્નોલૉજી દુનિયામાં આ મોડલ વધુને વધુ એડ્વાન્સ બને અને તેનો ફાયદો લોકોને થાય એવી આશા રાખે છે. આ વિશે લિઆંગ કહે છે, ‘મારું માનવું છે કે ઇનોવેશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સિલિકોન વેલી આજે ખૂબ જ ઇનોવેટિવ છે કારણકે તેઓ કોશિશ કરવાની હિંમ્મત રાખે છે. ChatGPT જ્યારે લોન્ચ થયું હતું ત્યારે એ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માટે ચીન પાસે એટલો કોન્ફીડન્સ નહોતો. એ સમયે ઇન્વેસ્ટર્સ અને મોટી મોટી કંપનીઓ રિસર્ચ કરવાની જગ્યાએ ઍપ્લિકેશન બનાવવામાં જ લાગેલી હતી. જો કે ઇનોવેશન માટે કોન્ફીડન્સની જરૂર પડે છે અને યુવાનો પાસે એ ખૂબ જ હોય છે.’


Google NewsGoogle News