ડીપસીક AIના ડેટા થયા લીક? એક રિસર્ચ ફર્મે કહ્યું, ‘ચેટ હિસ્ટ્રી અને ઘણી માહિતીઓ સામે આવી છે’
DeepSeek Data Leak: ડીપસીક આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તે ખૂબ જ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું હોવા છતાં ખૂબ જ જોરદાર પર્ફોર્મન્સ આપી રહ્યું હોવાથી દુનિયાભરમાં તેની બોલબાલા છે. જોકે હાલમાં જ આ પ્લેટફોર્મના ડેટા લીક થયા હોવાનું સામે આવી રહ્યું છે. કોઈને એવું ધ્યાનમાં નહીં હોય કે આટલી જલદી ડીપસીકને પણ ટાર્ગેટ કરવામાં આવી શકે છે. વિઝ રિસર્ચના એક સિક્યોરિટી રિસર્ચરે જણાવ્યું છે કે ‘ડીપસીક પ્લેટફોર્મના પણ ડેટા લીક થઈ ગયા છે. ચેટ હિસ્ટ્રી અને ઘણી માહિતીઓ સામે આવી છે.’
ડીપસીક પર આરોપ?
ચીની સ્ટાર્ટ-અપ ડીપસીક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના દ્વારા ઘણાં ડેટાને પબ્લિક યુઝ માટે ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યા છે. આ ડેટામાં ઘણી સેન્સિટિવ માહિતી છે જેમ કે ચેટ હિસ્ટ્રી, સીક્રેટ કી (લોગ ઇન માટે ઉપયોગમાં આવતી કી) અને આ સાથે જ અન્ય પણ ઘણી મહત્ત્વના ડેટાનો સમાવેશ થાય છે. અંદાજે એક લાખથી વધુ ડેટા લીક થયા છે. જો કે આ ડેટામાં કયા દેશના યુઝરની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે તે વિશે કોઈ માહિતી નથી. આ ડેટા ડીપસીક દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે પછી હેક થયા છે એની કોઈ માહિતી નથી.
ખૂબ જ સરળતાથી કરી શકાશે ડેટાને એક્સેસ
ઘણા રિપોર્ટ મુજબ આ લીક થયેલા ડેટા ClickHouse પર જોવા મળ્યાં છે. આ સર્વિસનો ઉપયોગ મોટા-મોટા ડેટાબેઝને એક્સેસ કરવા માટે થાય છે. આ ડેટાબેઝને કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી એક્સેસ કરી શકે છે.
કેવી રીતે ખબર પડી ડેટા થયા છે લીક?
એક રિપોર્ટ મુજબ, રિસર્ચર જ્યારે ડીપસીકને સ્કેન કરી રહ્યો હતો ત્યારે તેમનું ધ્યાન ડેટા તરફ ગયું હતું. આ સમયે રિસર્ચરે જોયું કે અંદાજે એક લાખ જેટલી લોગ એન્ટ્રી ત્યાં છે. તેમાં યુઝરની ઇન્ટ્રેક્શનથી લઈને ચેટ હિસ્ટ્રી મળી રહે છે. તેમાં યૂઝરની API કી પણ હતી. આ ડેટાબેઝ પર હેકર્સને સંપૂર્ણ કન્ટ્રોલ મળી રહે છે. તેનો મતલબ એ છે કે હેકર્સ જ્યારે આ ડેટાને એક્સેસ કરે તો એને કોપી અથવા ચોરી કરવા ઉપરાંત, ડિલીટ અથવા એડિટ પણ કરી શકે છે.
આ પણ વાંચો: iOS 18.3માં બેટરી જલદી ઉતરી જાય છે? શું કારણ હોઈ શકે છે જાણો અને એને ફિક્સ કરો...
ડેટા લીક છે ચિંતાનો વિષય
આ ડેટા લીકને ખૂબ જ ગંભીરતા પૂર્વક લેવામાં આવી રહ્યું છે કારણ કે ડીપસીક હવે અમેરિકાના એપ સ્ટોરમાં નંબર વન બની ગઈ હતી. આ એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે અને તેનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. આ એક નવું પ્લેટફોર્મ છે, પરંતુ તેમાં પણ સિક્યોરિટી હોવી જોઈએ અને યૂઝરના ડેટાને સાચવીને રાખવા માટેની તમામ સુવિધા હોવી જોઈએ. આજે દરેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. આથી આવી કંપનીઓના ડેટાને પણ સાચવીને રાખવું એ આ પ્લેટફોર્મની જવાબદારી છે.