ઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ
- નવેમ્બર 2024માં એક્સપેરિમેન્ટ શરૂ કરાયો હતો
- માનવ અવકાશ મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે
બેંગલુરુ : ઈસરોએ ગુરુવારે સ્પેડેક્સ (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) ઉપગ્રહોને સફળતાપૂર્વક ડી-ડોક કર્યા હતા. આ સિદ્ધિ ભવિષ્યના ચંદ્ર મિશન, માનવ અવકાશ યાત્રા અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટેનો માર્ગ મોકળો કરશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર આપી હતી.
૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવેલા મિશન હેઠળ ઈસરોએ બે ઉપગ્રહો એસડીએક્સ ૦૧ અને એસડીએક્સ ૦૨ને ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ અને પછી તેને અલગ કરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો હતો. આ ઉપગ્રહોને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યા હતા. હવે, ૧૩ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૯ઃ૨૦ વાગ્યે ઈસરો પહેલા જ પ્રયાસમાં તેમને અલગ કરવામાં સફળ રહ્યું છે.
ઈસરોએ જણાવ્યું કે, ઉપગ્રહો હવે તેમની ભ્રમણકક્ષામાં મુક્તપણે ફરી રહ્યાં છે અને સ્થિતિ સામાન્ય છે. આ સિદ્ધિ સાથે ભારતે સ્પેસ ટ્રાવેલ, ડોકીંગ અને અલગ થવાની સમગ્ર પ્રક્રિયાનું ટેસ્ટિંગ કર્યું હતું.
આગામી દિવસોમાં ઈસરો આ ઉપગ્રહો પર વધુ મહત્ત્વપૂર્ણ પ્રયોગો કરશે. આ સમગ્ર કામગીરી બેંગલુરુ, લખનઉ અને મોરેશિયસ સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનોથી નિયંત્રિત કરવામાં આવી હતી. આ ટેકનોલોજી ભારતના સ્પેસ સ્ટેશન અને માનવ મિશન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.