ક્રોમ વેબ સ્ટોરમાંથી જોખમી એકસટેન્શન્સ દૂર કરાયાં
જે રીતે આપણે સ્માર્ટફોનમાં નવી નવી જાત ભાતની એપ્સ ઉમેરી શકીએ છીએ બરાબર એ જ
રીતે પીસી કે લેપટોપમાં આપણા ફેવરિટ બ્રાઉઝરમાં અનેક પ્રકારનાં એક્સટેન્શન્સ
ઉમેરીને તેની ઉપયોગિતા વધારી શકાય છે.
તકલીફ એ છે કે જે રીતે સ્માર્ટફોનમાંની ઘણી એપ જોખમી હોય શકે છે, બરાબર એવું જ બ્રાઉઝર માટેના એક્સટેન્શન્સનું છે. આ એક્સટેન્શન્સ આખરે નાના
નાના પ્રોગ્રામ હોય છે. આથી તેમાં અમુક પ્રકારના કોડ ઉમેરવામાં આવે તો તે
એક્સટેન્શન્સ આપણે બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કર્યા પછી તે પોતાના મૂળ કામ ઉપરાંત પેલા જુદા કોડની મદદથી બીજી કળા પણ કરી
શકે છે.
હમણાં ગીટલેબ થ્રેટ ઇન્ટેલિજન્સ નામની એક ક્લાઉડ સિક્યોરિટી કંપનીએ ગૂગલમાં
ઉમેરી શકાતાં વિવિધ એક્સટેન્શન્સને સ્ટડી કર્યાં. તેમાં જાણવા મળ્યું કે ક્રોમ
વેબસ્ટોર પર ઉપલબ્ધ ઘણાં એક્સટેન્શન્સમાં અપડેટને નામે નવા એવા કોડ ઉમેરવામાં
આવ્યા હતા, જે યૂઝર માટે જોખમી સાબિત થાય
તેમ હતા.
આ એક્સટેન્શન્સમાં ખાસ પ્રકારના ઇમોજી,
યુટ્યૂબનો કલર બદલવો, ક્રોમની થીમ બદલવી કે વિવિધ વેબસાઇટ પર જોવા મળતી જાહેરાતો બ્લોક કરવા જેવાં
ફીચર્સ આપતાં એક્સટેન્શન્સ સામેલ હતાં.
મોટા ભાગે આવા જોખમી કોડ ધરાવતા પ્રોગ્રામ્સ આપણે બ્રાઉઝરમાં જે કંઈ એક્ટિવિટી
કરીએ તેની હિસ્ટ્રી ચોરવાથી માંડીને આપણા પાસવર્ડ તથા ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ
બેંકિંગ જેવી પેમેન્ટની વિગતો સુદ્ધાં ચોરવા માટે ડિઝાઇન થયેલા હોય છે.
પેલી સિક્યોરિટી કંપનીએ આવા જોખમી એક્સટેન્શન્સ વિશે ગૂગલને જાણ કરી. તપાસ
કર્યા પછી ગૂગલને આ બાબતમાં તથ્ય જણાયું. તેથી તેણે વેબ સ્ટોર પરથી ૧૬ જેટલા
એક્સટેન્શન્સને દૂર કર્યાં તથા યૂઝર્સને પણ આ એક્સટેન્શન્સ અનઇન્સ્ટોલ કરી દેવા
જણાવ્યું.
એ ખાસ ધ્યાન આપવા જેવું છે કે વેબ સ્ટોરમાંથી કંપની કોઈ એક્સટેન્શન્સ દૂર કરે તેનો
અર્થ એ નથી કે આપણા કમ્પ્યૂટરમાંથી પણ તે આપોઆપ દૂર થશે. આપણે જાતે તેને
અનઇન્સ્ટોલ કરવા પડે!