D2M: મોબાઈલ પર ઈન્ટરનેટ વગર જોઈ શકાશે વીડિયો, જાણો ક્યારથી શરૂ થશે નવી સુવિધા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
D2M: મોબાઈલ પર ઈન્ટરનેટ વગર જોઈ શકાશે વીડિયો, જાણો ક્યારથી શરૂ થશે નવી સુવિધા 1 - image


નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર 

ડિજિટલ ઈન્ડિયા ક્ષેત્રે ભારત હરણફાળ ગતિ ભરી રહ્યું છે. આજકાલ રોજબરોજ નવા ઈનોવેશન ભારતમાં થઈ રહ્યાં છે અને તેનું અમલીકરણ-સ્વીકૃતિ (Adoption) પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. 

એન્ટરટેઈનમેન્ટની દુનિયા OTT આવ્યા બાદ તદ્દન બદલાઈ ગઈ છે. એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને નવી વૃદ્ધિ માટેનો વિસ્તાર મળ્યો છે પરંતુ હજી પણ કઈંક નવું જ બજારમાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જો ઈન્ટરનેટ વગર જ વીડિયો જોવા મળે તો નવાઈ નહિ.....

તમે પણ ઘણા સમયથી ઇન્ટરનેટ વગર મોબાઈલ પર વીડિયો જોવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે. હા, આપે સાચ્ચું સાંભળ્યું. ડાયરેક્ટ ટૂ મોબાઈલ (D2M) તમારા આ સપનાનું સોલ્યુશન છે. D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી અંગે સરકારે કહ્યું છે કે આ નવી પદ્ધતિ આવતા વર્ષે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવશે. D2M ટેક્નોલોજીની મદદથી વીડિયો અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ ઇન્ટરનેટ વગર મોબાઈલ પર જોઈ શકાય છે.

એક રિપોર્ટ અનુસાર, ઘણા શહેરોમાં D2M ટ્રાયલ ચાલી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના સેક્રેટરી અભય કરંદીકરે એક નિવેદનમાં જણાવ્યું કે અમારે D2Mને સંપૂર્ણ રીતે લોન્ચ કરતા પહેલા ઘણા શહેરોમાં ટ્રાયલ કરવું પડશે.

શું છે D2M અને તેના ફાયદા ?

D2M એટલેકે ડાયરેક્ટ ટૂ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી. આ નવી ઈનોવેટિવ ટેક્નોલોજીને ઈન્ટરનેટની જરૂર નથી. D2Mની મદદથી તમે ઇન્ટરનેટ વગર તમારા સ્માર્ટફોન પર વીડિયો જોઈ શકશો. સામાન્ય ભાષામાં સમજીએ તો અગાઉ ચેનલ કેબલ હતી તેને સ્થાને આવ્યું ડાયરેટ ટૂ હોમ એટલેકે DTH. D2M પણ DTH જેવું છે. તેનો મોટો ફાયદો એ થશે કે D2M સાથે એવા અંતરિયાળ કે ઈન્ટરનેટની સુવિધા ન હોય તેવા વિસ્તારોના યુઝર્સ પણ OTT એપ્સ પર વીડિયો જોઈ શકશે.

D2M દેશના દરેક ખૂણે પહોંચશે. D2M રિલીઝ થયા પછી વીડિયો જોવા માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરિયાત ખતમ થઈ જશે, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ફોનમાં તે સપોર્ટ નહિ થાય.

D2M સર્વિસ લોન્ચ થયા બાદ D2M સપોર્ટ સાથેના નવા ફોન પણ લોન્ચ કરવામાં આવશે. D2M સપોર્ટ માટે તમામ મોબાઇલ બ્રાન્ડ્સે તેમના ફોનમાં D2M એન્ટેના આપવાનું રહેશે, જે DTHના સેટઅપ બોક્સની જેમ કામ કરશે. આમ તમે દેશના ગમે તે ખૂણે બેસીને સેટેલાઈટની મદદથી કોઈપણ વીડિયો જોઈ શકશો.


Google NewsGoogle News