ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ-પ્રાઈવસી સાથે
ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જો તમે રોજેરોજ
ઇન્સ્ટાગ્રામ પર જતા હશો તો જાણતા હશો કે તેમાં ઉપરના ભાગે આપણે જેમને ફોલો કરતા
હોઇએ એ એકાઉન્ટ્સ તરફથી શેર કરવામાં આવતી સ્ટોરીઝ જોઈ શકાય છે. આ સ્ટોરીમાં લોકો
ફોટો, વીડિયો કે અન્ય પોસ્ટ શેર કરી
શકે છે. એ તેમના એકાઉન્ટના તમામ ફોલોઅર્સ અથવા ક્લોઝ ફ્રેન્ડ્ઝના લિસ્ટમાંના લોકો
જોઈ શકે છે. સ્ટોરીઝમાં શેર થયેલી બાબતો ૨૪ કલાક પછી ગાયબ થતી હોય છે.
વોટ્સએપની જેમ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીઝ માત્ર જોઈ શકાતી હતી કે
ઇમોજી સ્વરૂપે તેના પર રીએકશન આપી શકાતું હતું. અથવા આપણા ફોલોઅર ઇચ્છે તો જે તે
સ્ટોરી વિશે આપણને ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે.
પરંતુ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝની વધતી પોપ્યુલારિટી જોઈને કંપનીએ આ ફીચરને હજુ
વધુ ઇન્ટરએક્ટિવ બનાવવાનું નક્કી કર્યું છે. તે મુજબ સ્ટોરીઝમાં હવે રીએકશન કે
ડાયરેક્ટ મેસેજ ઉપરાંત અન્ય લોકો કમેન્ટ્સ પણ લખી શકશે, તે સ્ટોરી જોનારા બીજા લોકો પણ જોઈ શકશે.
આ ફીચર મજાનું છે પરંતુ દરેક સોશિયલ મીડિયાની જેમ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર થતા
કન્ટેન્ટ વિશે નેગેટિવ કમેન્ટ્સની ભરમાર થતી હોય છે. એ ધ્યાનમાં રાખીને આ નવા
ફીચરમાં કમેન્ટ્સ સંબંધિત કેટલાંક લિમિટેશન્સ રાખવામાં આવ્યા છે.
એ મુજબ સ્ટોરી પોસ્ટ કરનાર વ્યક્તિને ફોલો કરતા લોકો તથા સ્ટોરી પોસ્ટ કરનાર
વ્યક્તિ જેને ફોલો કરતી હોય માત્ર એવા મ્ચ્યુઅલ લોકો જ સ્ટોરી પોસ્ટ પર કમેન્ટ્સ આપી શકશે. સ્ટોરીની જેમ કમેન્ટ પણ ૨૪ કલાક
પછી ગાયબ થશે. તમે તમારી સ્ટોરીઝ પર કમેન્ટ્સ આવે તેવું ઇચ્છતા ન હો તો એક-એક
સ્ટોરી માટે કમેન્ટ ઇનેબલ કે ડિસેબલ કરી શકો છો. એ રીતે જોઇએ તો ઇન્સ્ટાગ્રામમાં
પ્રાયવસીની કાળજી સાથે ઉમેરાયેલું ફીચર ઘણા લોકોને ઉપયોગી થઈ શકશે.