અમેરિકન કંપની સિસ્કોએ પહેલી વાર ભારતમાં પ્લાન્ટ નાખ્યો, 1200 વ્યક્તિઓને મળશે જોબ
Cisco Chennai Plant: ટેલિકોમ નેટવર્ક માટેના સાધન બનાવતી અમેરિકન કંપની સિસ્કોએ ચેન્નાઈમાં પહેલી વાર ભારતમાં પ્લાન્ટ નાખ્યો છે. આ કંપની વર્ષે $1.3 બિલિયનથી વધુનું ઉત્પાદન અને તમિલનાડુમાં 1,200 નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્ય ધરાવે છે.
સિસ્કોએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ સિસ્કોના રાઉટર અને સ્વિચની પ્રોડક્ટનું ઉત્પાદન કરશે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કર્યા બાદ એને ભારતમાં વેચવાની સાથે વિદેશમાં નિકાસ પણ કરવામાં આવશે.
આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા અને સિસ્કોના ચેરમેન અને સીઈઓ ચક રોબિન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં ઘણા વર્ષો સુધી રોકાણ કરવામાં આવશે. આ માટે ફ્લેક્સ ગ્રુપ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને શરૂઆતમાં રાઉટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સિસ્કોનું અમેરિકામાં આવેલું હેડક્વાર્ટર |
આ વિશે સિસ્કોના સીઈઓ ચક રોબિન્સે કહ્યું હતું કે તેઓ અત્યારે ભારત વિશે જેટલા આશાવાદી છે એટલા પહેલાં ક્યારેય નહોતા. તેઓ હાલમાં ભારતને ખૂબ જ મોટા બજાર તરીકે જુએ છે. આથી તેમના માટે અહીં પ્લાન્ટ નાખવો ખૂબ જ સ્વાભાવિક પગલું હતું. રોબિન્સે એ પણ કહ્યું હતું કે સિસ્કોએ ગયા વર્ષે ભારતમાં ત્રણ ડેટા ક્લાઉડ સોલ્યુશન્સ શરૂ કર્યા હતા અને ભવિષ્યમાં તેને વિસ્તૃત કરવાનો પણ આયોજન છે.
આ વિશે સિસ્કોએ નિવેદનમાં કહ્યું હતું કે “આગામી તબક્કા માટે અમે મહત્વપૂર્ણ ઇનોવેશન અને ટેક્નિકલ એડ્વાન્સમેન્ટનું આયોજન કરી રહ્યાં છે. તેમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, એસેમ્બલી ઘટકો તેમજ હજારો અન્ય ઘટકોની સાથે ઉદ્યોગ-ગ્રેડની પ્રોડક્ટનું પણ ઉત્પાદન કરીશું જે ખૂબ જ ગંભીર કુદરતી પરિસ્થિતિઓને પણ સહન કરી શકે."