ટ્રમ્પના બે કેમ્પેન ઓફિશિયલના આઇફોન હેક કર્યા હતા ચાઇનીઝ હેકર્સે, કેવી રીતે હેક કર્યા જાણો વિગતો
iPhone Hack: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટનું ઇલેક્શન જીતી ગયા છે. જોકે, ટ્રમ્પના કેમ્પેન દરમ્યાન તેમના બે ઓફિશિયલના આઇફોન ચાઇનીઝ ગ્રુપ સોલ્ટ ટાઇફૂન દ્વારા હેક કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ આઇફોન હેક થયો હોવાની વાત સિક્યોરિટી ફર્મ iVerify દ્વારા કરવામાં આવી છે. સિક્યોરિટી ફર્મ દ્વારા આઇફોનના સેટિંગ્સમાં બદલાવ જોવામાં આવ્યો હતો, તેમજ થોડી વિચિત્ર એક્ટિવિટી પણ જોવા મળી હતી. આ હેકિંગને ચાઇનિઝ ગ્રૂપ સોલ્ટ ટાઇફૂન દ્વારા અગાઉ AT&T અને વેરિઝોન નેટવર્ક્સને હેક કર્યા હતાં એની સાથે કનેક્શન હોય એવું લાગી રહ્યું છે.
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
આ પ્રકારની ઘટના અગાઉ પણ થઈ હતી અને એ ટેલિકોમ નેટવર્ક સાથે જોડાઈ હોવાથી હવે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેલિકોમ નેટવર્ક દ્વારા એક વાઇરટેપ પોર્ટલ બનાવવામાં આવ્યું હતું. આ પોર્ટલનો ઉપયોગ સરકારી એજન્સી કોઈના પર નજર રાખવા માટે કરે છે. હેકર્સ દ્વારા આ પોર્ટલનું એક્સેસ મેળવીને સોલ્ટ ટાઇફૂન મહિનાઓ સુધી માહિતી મેળવી રહ્યાં હતાં. આઇફોનની સિક્યોરિટીમાં પણ બદલાવ તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાથી આ હેકિંગ ફક્ત ફોન સાંભળવા કે ટેક્સ્ટ વાંચવા પૂરતું સિમિત ન હોય એવું એજન્સીનું માનવું છે. આથી આ વિશે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પની જીત પણ છે એક કારણ
ડિજીટલ સેફ્ટી
આ હેકિંગને કારણે હવે સવાલો ઊભા થઈ રહ્યાં છે. ટેલિકોમ પોર્ટલમાં જે વાઇરટેપ પોર્ટલ બનાવવામાં આવ્યાં છે, એ 1990ના દાયકામાં બનાવવામાં આવ્યા હતા. ત્યારથી એ જ સિસ્ટમ ચાલી આવી રહી છે. જોકે આ સિસ્ટમ જ હેક થઈ જતાં હવે ડિજિટલ સેફ્ટી પર સવાલો ઊભા થઈ રહ્યાં છે. એમાં બદલાવ કરવામાં આવશે કે કેમ એ હવે જોવું રહ્યું. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની તપાસમાં હવે શું બહાર આવે એ જોવું રહ્યું.