મોબાઈલ ટાવર બની જશે ઈતિહાસ! હવે નેટવર્ક વગર કૉલ થશે, ડ્રેગને બનાવ્યું જોરદાર સેટેલાઈટ
image : Pixabay |
China Revolutionized Smartphone Communication: ચીને સેટેલાઇટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ચીનના વિજ્ઞાનીએ વિશ્વનું પ્રથમ સેટેલાઇટ વિકસાવ્યું છે જેના દ્વારા સ્માર્ટફોનથી સીધા જ કોલ કરી શકાશે. તેના માટે જમીન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમે કે મોબાઈલ ટાવર વગેરેની જરૂર નહીં રહે. આ સેટેલાઈટનું નામ ટિઆંગટોંગ(Tiangtong) રાખવામાં આવ્યું છે. તેનો અર્થ છે 'સ્વર્ગ સાથે સંપર્ક'.
ચીનમાં સ્માર્ટફોન સેટેલાઈટ કોલિંગને સપોર્ટ કરવા લાગ્યા...
ટિઆંગટોંગ-1 સેટેલાઈટ સિરીઝની શરૂઆત 6 ઓગસ્ટ 2016ના રોજ પ્રથમ પ્રક્ષેપણ સાથે થઈ હતી. હવે આ સિરીઝમાં 3 ઉપગ્રહોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રને આવરી લે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં Huawei એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો જે સેટેલાઇટ કોલિંગને સપોર્ટ કરે છે. હવે Xiaomi, Honor અને Oppo જેવી અન્ય ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ તેનો માર્ગ મોકળો થયો છે.
કૉલ ક્વૉલિટીની સમસ્યા કેવી રીતે દૂર કરી?
ચાઈના એકેડમી ઓફ સ્પેસ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ મેળવી હતી. એકેડમીએ કહ્યું છે કે મોબાઈલ ફોન માટે ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી એક નવા ડેવલપમેન્ટ ટ્રેન્ટની જેમ સામે આવી છે. સમય જતાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સામાન્ય લોકોમાં લોકપ્રિય બનશે. જો કે, સેટેલાઇટ કોલિંગને પેસિવ ઇન્ટરમોડ્યુલેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે જે સેટેલાઇટ કૉલ્સની ગુણવત્તાને બગાડી શકે છે. આ અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.