મિલિટ્રી ટૂલ બનાવવા માટે મેટાનું Llama AIનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, જાણો વિગતો...
China Making AI Military Tool: ચીનનું ખૂબ જ મોટું રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ જે પીપલ્સ લિબ્રેશન આર્મી સાથે જોડાયેલું છે, તે હાલમાં મેટાનું Llama AI નો ઉપયોગ કરીને મિલિટ્રી ટૂલ બનાવી રહ્યું હોવાની ચર્ચા છે. આ ટૂલનો ઉપયોગ ચીન દ્વારા તેની મિલિટ્રી મિશનમાં કરવામાં આવશે. અનેક દેશો હવે AI નો ઉપયોગ તેમની મિલિટ્રીમાં કરી રહ્યા છે. ઈઝરાયલે પણ હિઝબુલ્લાહ અને હમાઝના ટેરરિસ્ટોને ટાર્ગેટ કરવા માટે AI નો ઉપયોગ કર્યો હતો. આથી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આર્મી દ્વારા કરવાનું ચલણ વધી રહ્યું છે.
રિપોર્ટ અને વ્યાપક ચર્ચા
રોઈટર્સના રિપોર્ટ અનુસાર, ચીનના છ રિસર્ચ વિજ્ઞાનીઓ દ્વારા લખાયેલા પેપરમાં આ વિગતો આપવામાં આવી છે. આ છ વિજ્ઞાનીઓમાંથી બે રિસર્ચર પીપલ્સ લિબ્રેશન આર્મીના છે, જે એકેડેમી ઓફ મિલિટ્રી સાયન્સમાં કામ કરે છે.
મેટાનું Llama AI અને મિલિટ્રી ટૂલ
મેટા કંપનીના Llama AI 2 13B લાર્જ લેન્ગવેજ મોડલનો ઉપયોગ ચીનના વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મિલિટ્રી ટૂલને ચીન દ્વારા ‘ChatBit’ નામ આપવામાં આવ્યું છે. આ ટૂલનો ઉપયોગ ઇન્ટેલિજન્સ ડેટા કલેક્ટ કરવા માટે કરવામાં આવ્યો છે. આ ડેટાનો ઉપયોગ મિલિટ્રીને લગતા નિર્ણયો લેવા માટે કરવામાં આવશે. આ નિર્ણય ચોક્કસ રીતે લેવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
AIનું પર્ફોર્મન્સ
ChatBit ને ખાસ કરીને મિલિટ્રી માટેના સવાલ-જવાબ માટે બનાવવામાં આવ્યું છે. રિસર્ચર દ્વારા તેમના પેપરમાં જણાવ્યું છે કે મોટાભાગના AI મોડલ્સ 90% સારું પરિણામ આપે છે. ChatBit તે કરતાં વધુ સારી રીતે કામ કરશે. OpenAIના ChatGPT 4 જેટલું જ પાવરફુલ આ ટૂલ છે. જો કે, રિસર્ચરોએ આ ટૂલ કેટલું પાવરફુલ છે તે નક્કી કરવાની બાબતમાં વિગત આપેલી નથી.
મિલિટ્રી માટે ઉપયોગમાં લેવાતા મોડલ્સ પર પ્રતિબંધ
મેટા કંપની દ્વારા તેના મોડલ્સ પર ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. મેટા કંપનીએ તેના ઘણા AI મોડલ્સને રિલીઝ કર્યા છે, જેમાં Llama AI નો પણ સમાવેશ થાય છે. જો કે, મેટા કંપનીના AI મોડલ્સનો ઉપયોગ 700 મિલિયન કરતાં વધુ યુઝર્સ હશે તો લાયસન્સ લેવું પડશે. AI મોડલ્સનો મિલિટ્રી, યુદ્ધ, ન્યુક્લિયર એપ્લિકેશન્સ અને જાસૂસી માટે ઉપયોગ નહીં કરી શકાય. ચીન દ્વારા ChatBit માટે Llama AI નો ઉપયોગ હોવાથી ઘણા સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કારને ટ્રેઇનિંગ આપશે જેમિની AI, જાણો કેવી રીતે…
મેટાનું નિવેદન
મેટા કંપનીને પીપલ્સ લિબ્રેશન આર્મી દ્વારા Llama AI નો ઉપયોગ ખરેખર કરવામાં આવ્યો હોવાને પુછવામાં આવ્યું હતું. મેટાએ કહ્યું હતું કે ‘તેમની પોલિસી અંતર્ગત જો કોઈ પણ કામ કરવામાં આવે તો એ માન્ય રહેશે. જો કે, એની દુરુપયોગ ન થાય એ માટે પૂરતા પગલાં લેવાશે. જો પીપલ્સ લિબ્રેશન આર્મીએ આ મોડલનો ઉપયોગ કર્યો હોય તો એ અમારી પોલિસી વિરુદ્ધ છે.’