ચીને બનાવી નવી વેક્સિન: સ્ટ્રોક અને હાર્ટ અટેક નહીં આવે એવો દાવો
New Vaccine To Prevent Heart Attack: હાર્ટ સંબંધિત બધી જ બીમારીઓ માટે એક નવી વેક્સિન બનાવવામાં આવી છે. ચીનની એક રિસર્ચ ટીમ દ્વારા રક્તવાહિનીમાં થતા બ્લોક સામે લડવા માટે આ વેક્સિન તૈયાર કરવામાં આવી છે. રક્તવાહિનીમાં બ્લડ ક્લોટ્સ થવાથી સ્ટ્રોક્સ અને હાર્ટ અટેક આવે છે, એના સામે આ વેક્સિન રક્ષણ આપશે. હાલ વિશ્વભરમાં ઘણા દેશોમાં આ કારણસર ઘણા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કોરોના બાદ આવી રીતે મૃત્યુ થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ રિસર્ચ ‘જર્નલ નેચર’માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
પ્રીક્લિનિકલ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પરિણામ
નેન્ઝિંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજીના વિજ્ઞાનીઓ દ્વારા આ વેક્સિન વિકસિત કરવામાં આવી છે. ઉંદર પર કરાયેલ પ્રયોગમાં બ્લડ ક્લોટ્સ, સ્ટ્રોક્સ અને હાર્ટ અટેકનું પ્રમાણ આ વેક્સિનના કારણે ખૂબ જ ઓછું જોવા મળ્યું. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઉંદર પર આ વેક્સિને શ્રેષ્ઠ પરિણામ આપ્યા છે. આ વેક્સિન હાર્ટ અટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપશે અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ લાભદાયી સાબિત થશે.
વેક્સિન કેવી રીતે કાર્ય કરે છે?
આ વેક્સિન એન્ટિજેન અને એડજુવન્ટના શોષણથી શરીરના ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરે છે. આ પ્રોસેસ ડેન્ડ્રિટિક સેલ્સને સક્રિય કરે છે, જે T સેલ્સના માધ્યમથી એન્ટિબોડીઝનું ઉત્પાદન કરે છે. વિજ્ઞાનીઓના મતે, આ રિસર્ચમાં સૌથી મોટું પડકાર એ વેક્સિન માનવ શરીર દ્વારા કેવી રીતે સ્વીકારવામાં આવશે તે સમજવાનો હતો.
યુવાનોમાં વધી રહેલા હાર્ટ અટેકના કેસ
ભારતમાં હાલ યુવાનોમાં હાર્ટ અટેકના કેસમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. 30થી 50 વર્ષના વયના લોકોને હાર્ટ અટેકનું મોટું જોખમ રહે છે. 2023ના ઑક્ટોબરમાં કરાયેલી મેડિકલ સ્ટડી મુજબ, 40થી 69 વર્ષની ઉંમરના મૃત્યુ પામેલા લોકોમાં, 45% હાર્ટ અટેકના કેસ હતા. કોલેસ્ટ્રોલ વધવું, ફેટવાળા ખોરાક, લાઇફસ્ટાઇલ, વધુ આલ્કોહોલનું સેવન અને સ્મોકિંગના કારણે આવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર… જાણો શું છે
હાર્ટ અટેકના અન્ય કારણો
જિનેટિક વલણ અને ફેમિલી હિસ્ટરીના કારણે હાર્ટ અટેક આવવાની સંભાવના વધે છે. હાઇ બ્લડ પ્રેશરના પરિણામે પણ હાર્ટ અટેક આવે છે. હવે એર પોલ્યુશનને કારણે પણ હાર્ટને નુકસાન થાય છે, જેનાથી હાર્ટ અટેકનું જોખમ વધે છે. ફાસ્ટ ફૂડ અને સુગરથી ભરપૂર પીણાં, સ્ટ્રેસ અને ડ્રગ્સના સેવનથી પણ હાર્ટ અટેકની સંભાવના વધી શકે છે.