1 જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવાશે, જાણો જનરેશનનો ઇતિહાસ
Child Who Born From Now Onward Will Be Called GEN BETA: GEN Y, GEN Z, GEN G અને GEN Alpha વચ્ચેનો કોયડો ઉકેલાય એ પહેલાં જ હવે GEN Beta આવી ગઈ છે. GEN એટલે કે જનરેશન. ચોક્કસ વર્ષની વચ્ચે જન્મેલા બાળકોને આ જનરેશનના છે એમ કહેવામાં આવે છે. જનરેશન Y અને Z તો હજી સમજી શકાય, પરંતુ જનરેશન G અને Alpha વચ્ચે ઘણી જ મુશ્કેલી છે. આજે એટલે કે પહેલી જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન Beta તરીકે ઓળખવામાં આવશે.
જનરેશન ક્યારે બદલાય છે?
જનરેશનનું નામ તે સમયની કોઈ મોટી ઐતિહાસિક અથવા તો સાંસ્કૃતિક અથવા આર્થિક ઘટનાઓને આધારે રાખવામાં આવે છે. કોઈપણ જનરેશનની શરુઆત અથવા અંત તે સમયે થઈ રહેલી કોઈ મોટી ઘટનાઓના આધારે કરવામાં આવે છે. આ ઘટનાઓમાં યુદ્ધ, આર્થિક વૃદ્ધિ અથવા ટૅક્નોલૉજીમાં મોટો બદલાવ હોઈ શકે છે. આ જનરેશનનો સમય મોટાભાગે 15-20 વર્ષનો હોય છે.
ધ ગ્રેટેસ્ટ જનરેશન (1901-1927)
આ સમયમર્યાદાને ધ ગ્રેટેસ્ટ જનરેશન નામ આપવામાં આવ્યું હતું. તેમાં જન્મેલા દરેક વ્યક્તિને ધ ગ્રેટેસ્ટ જનરેશન ચાઇલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે જન્મેલા લોકોએ મહામંદી અને ડિપ્રેશનનું દુઃખ જોયું હતું. આ સમયે જન્મેલા મોટાભાગના બાળકોએ વર્લ્ડ વોર 2માં ભાગ લીધો હતો અને પોતાના દેશની રક્ષા કરી હતી. તે સમયે પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવી એ જ સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી. આ પેઢીના લોકોનું ફોક્સ તેમના કામ પર વધુ હતું અને એથી જ તે તેમની ઓળખ બની ગયું હતું. તેમણે જે અનુભવ કર્યો, તેને તેમની આગામી પેઢીને પણ એ વિરાસતમાં આપ્યો હતો.
ધ સાઇલેન્ટ જનરેશન (1928-1945)
મહામંદી અને વર્લ્ડ વોર 2ના પરિણામને ધ્યાનમાં રાખીને આ જનરેશનને ધ સાઇલેન્ટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમર્યાદામાં જન્મેલા બાળકો મહેનતી અને આત્મનિર્ભર હતા. તેમને તેમના કામ સાથે જ મતલબ હતું અને એમાં તેઓ લતપત રહેતા હતા.
બેબી બૂમર જનરેશન (1946-1964)
વર્લ્ડ વોર 2 પછી વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. આથી, આ સમયે વસ્તીમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. આથી, આ સમયમર્યાદામાં જન્મેલા બાળકોને બેબી બૂમર જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ જનરેશનમાં જન્મેલા બાળકોની સંખ્યા ખૂબ જ વધુ હતી. આ સાથે જ તેઓ આધુનિક બન્યા અને ત્યારબાદની પેઢીના બાળકોને તેમને નવી રીતે ઉછેર્યા. તેમના માટે તે સમયની ટૅક્નોલૉજી નવી હતી. આ જનરેશનના લોકો પહેલી વાર ટૅક્નોલૉજી શીખ્યા હતા.
જનરેશન X (1965-1980)
આ જનરેશન માટે પણ ટૅક્નોલૉજી નવી હતી, પરંતુ બેબી બૂમર જનરેશન જેટલી નહીં. આ જનરેશનમાં વીડિયો ગેમ્સની શરુઆત થઈ હતી. આ જનરેશનના લોકો સમયની સાથે ચાલતા શીખ્યા હતા. દુનિયા જેટલી ઝડપથી આગળ વધતી હતી, તેઓ પણ એટલી જ ઝડપથી તેને શીખી રહ્યા હતા. આ જનરેશનમાં પેરન્ટ્સ દ્વારા તેમના બાળકોને દરેક પ્રકારની સુવિધા આપવાનું શરુ થયું હતું. આ સુવિધામાં દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને બાળકો માટે તે પહેલી વાર હતું.
મિલેનિયલ્સ અથવા તો જનરેશન Y (1981-1996)
જનરેશન Yને મિલેનિયલ્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરેશનના લોકો દ્વારા સૌથી વધુ બદલાવ જોવામાં આવ્યો છે. આ એક એવી જનરેશન છે જેમાં સૌથી વધુ બદલાવ થયા છે અને એ બદલાવને જોવાની સાથે તેને શીખવાની પણ એટલી જ ફરજ પડી છે. આ જનરેશન દ્વારા ટૅક્નોલૉજી સાથે તેઓએ પોતાને પણ અપડેટ કર્યા છે.
જનરેશન Z (1997-2009)
આ જનરેશનના લોકોને જન્મતાંની સાથે જ ઇન્ટરનેટ મળી ગયું હતું. ઇન્ટરનેટની સાથે તેઓએ સોશિયલ મીડિયા પણ પ્રાપ્ત કર્યું હતું. ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢી ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર તેમના જીવનની કલ્પના પણ નથી કરી શકતી. આ એ જનરેશન છે જેમના માટે, તેમની હેલ્થ કરતાં સ્માર્ટફોન વધારે મહત્ત્વનો છે. જો કે, હવે ધીમે ધીમે તેઓ હેલ્થને પણ મહત્ત્વ આપી રહ્યા છે. આ જનરેશનને સારી રીતે ખબર છે કે સોશિયલ મીડિયા દ્વારા હવે પૈસા પણ કમાઈ શકાય છે.
જનરેશન આલ્ફા (2010-2024)
આ પહેલી એવી જનરેશન છે, જેમના જન્મ પહેલાં જ ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા હતું. આ સૌથી નાની ઉંમરની જનરેશન છે. આ જનરેશનના બાળકોના માતા-પિતા પણ ઇન્ટરનેટ, મોબાઇલ અને સોશિયલ મીડિયાની સાથે મોટા થયા છે.
આ પણ વાંચો:2024માં ટેક ઇન્ડસ્ટ્રીમાં થયેલા દુનિયાભરના ટોપ ટેન આઉટેજ પર એક નજર...
જનરેશન બીટા (2025-2039)
પહેલી જાન્યુઆરી એટલે કે આજથી શરુ થયેલી આ જનરેશનને બીટા નામ આપવામાં આવ્યું છે. આજથી જે પણ બાળકોનો જન્મ થશે, તેમને જનરેશન બીટા ચાઇલ્ડ તરીકે ઓળખવામાં આવશે. આ બાળકો એવી જનરેશનમાં મોટા થશે, જ્યાં ટૅક્નોલૉજીએ જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ બની ગઈ છે. જનરેશન બીટામાં જન્મેલા બાળકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઘણી જ દખલગિરી જોવા મળશે.