ચેટજીપીટી જનરેટ કરી રહ્યું છે આધાર અને પાન કાર્ડ્સ? AIનો દુરુપયોગ કરવાનું આવી રહ્યું છે સામે...
ChatGPT Security Concern: ચેટજીપીટીનો ઉપયોગ કરવું જેટલું સરળ અને ફાયદાકારક છે એટલો જ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. AIનો દુરુપયોગ કરવાનું હવે શરૂ પણ થઈ ગયું છે. OpenAIના ચેટજીપીટીની મદદથી હવે લોકોના ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. કોઈ પણ સરકારી કામ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરી છે અને આ જ ડોક્યુમેન્ટ ખોટા સરળતાથી બની શકતા હોય તો છેતરપિંડી કેટલી મોટી થઈ શકે એનો અંદાજ પણ નથી લગાવી શકાતો.
ટ્રેન્ડિંગ ફીચર બન્યું છેતરપિંડી માટેનું સાધન
ચેટજીપીટીનું ઇમેજ જનરેશન ટૂલ, જિબ્લી સ્ટુડિયો થીમ માટે દુનિયાભરમાં ખૂબ જ ફેમસ થયું હતું. જોકે આ ફીચરનો ઉપયોગ હવે ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારા હવે એની મદદથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી રહ્યાં છે. આ ટૂલ કેવી રીતે કામ કરે છે એ લોકોને બતાવવા માટે કેટલાક યુઝર્સ દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી લોકોকে સોશિયલ મીડિયામાં ચેતવવામાં આવ્યાં હતાં. આ વિશે એક યુઝરે કહ્યું કે ‘ચેટજીપીટી આધાર ઇમેજ પણ બનાવી શકે છે. આ કોઈ સારી વાત નથી. જોકે જાણવા જેવી વાત એ છે કે આ AIને ટ્રેનિંગ આપવા માટે આધાર ફોટોના ડેટા કંપની પાસે આવ્યા કેવી રીતે?’
સિક્યોરિટીને લઈને મોટો સવાલ
AI ત્યારે જ કોઈ પણ ફોટો જનરેટ કરી શકે જ્યારે તેને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવી હોય અથવા તો તેને માહિતી આપવામાં આવી હોય કે આ વસ્તુ આ પ્રકારની છે. જો મશિનને ખબર જ હોય કે આધાર કાર્ડ કેવો દેખાય છે, તો એ જનરેટ કેવી રીતે કરી શકે છે? આથી AI જો ફોટો જનરેટ કરી શકે તો એનો અર્થ થયો કે યુઝર્સના આધાર કાર્ડના ડેટા તેમની પાસે છે. આ વિશે અન્ય એક યુઝર્સે કહ્યું કે, ‘ચેટજીપીટી ખૂબ જ ઝડપથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી રહ્યું છે. આ ખૂબ જ મોટું સિક્યોરિટી રિસ્ક છે. આ જ કારણ છે કે AIને ચોક્કસ જગ્યાએ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.’
આર્યભટ્ટનો પણ આધાર કાર્ડ
કેટલાક યુઝર્સ દ્વારા OpenAIના સેમ ઓલ્ટમેન અને ટેસ્લાના ઇલોન મસ્કની સાથે આર્યભટ્ટના પણ આધાર કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં. આ આધાર કાર્ડ પર ચોક્કસ પ્રકારના QR કોડ અને આધાર નંબર જોવા મળ્યા. આટલું ઓછું હોય ત્યાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતાં પાન કાર્ડ પણ બનાવવામાં આવ્યા. આ કોઈ માથાભારે ટેક્નોલોજીનો જાણકાર આ રીતે ખોટા કામમાં ફસાયો તો આધાર કાર્ડ અને પાન કાર્ડ વડે શુંનું શું કરી શકે છે. આ પ્રકારના રિસ્ક માટે હજી સુધી કોઈ તૈયાર નથી. સરકાર પણ આ પ્રકારના સ્કેમનો સામનો કેવી રીતે કરશે એ મોટો સવાલ છે.
આ પણ વાંચો: ક્રિએટર્સને વધુ આકર્ષવાની કોશિશ: ટિક-ટોક જેવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે યુટ્યુબ શોર્ટ્સ
OpenAIને પણ ખ્યાલ છે આ રિસ્કનું
OpenAIને તેમના GPT-4oને લઈને કેટલું રિસ્ક છે એની જાણ છે. તેમણે આ વિશે કહ્યું કે, ‘DALL·E એક ડિફ્યુઝન મોડેલ હતું, પરંતુ GPT-4o એક અલગ જ પ્રકારનું મોડેલ છે. આ મોડેલ ચેટજીપીટીની અંદર જ છે. એમાં જ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેથી તેમાં ઘણી વધુ ક્ષમતા જોવા મળી રહી છે. જૂના મોડલમાં જે ન હતું, તે હવે નવા મોડલમાં જોવા મળી રહ્યું છે. એના કારણે થોડા રિસ્ક પણ રહેલા છે. આ નવી કામ કરવાની ક્ષમતા એ વાતની ચિંતાને ઊભી કરે છે કે કેટલાં ક્ષેત્રમાં રિસ્ક જોવા મળી શકે છે. જૂના વર્ઝનમાં જે રિસ્ક નહોતા, તે હવે આ મોડલમાં જોવા મળી શકે છે.’
શું ઉકેલ છે?
ચેટજીપીટી આ માટે વિવિધ પ્રકારના પગલાં લેવાની કોશિશ કરી રહ્યું છે. જોકે તેમના માટે ખૂબ જ યોગ્ય અને ચોક્કસ સાબીત થઈ શકે એવો રસ્તો કોપીરાઇટ એટલે કે વોટરમાર્કનો છે. ચેટજીપીટી તેમના દરેક ફોટો પર હવે વોટરમાર્ક લગાવવાનું વિચારી રહી છે. આથી ઇમેજ જનરેશનનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે એને અટકાવી શકાય. તેમ જ ફ્રીમાં જે ઉપયોગ કરવામાં આવે છે એને પણ કન્ટ્રોલમાં રાખી શકાય.