ચેટ્સ મેનેજમેન્ટ, હવે બન્યું વધુ સરળ
વોટ્સએપમાં ઉમેરાયેલી કસ્ટમ લિસ્ટ્સની સુવિધા અપનાવવા જેવી છે
કોઈ પણ સુવિધાનો આપણે બે રીતે લાભ લઈ શકીએ - એક, નજર સામે જે દેખાય, જેટલું દેખાય તેનો ઉપયોગ કરીને સંતોષ માનીએ. અથવા, નજર સામે જે દેખાય કે ન દેખાય તે શું છે, શા માટે છે, લાભ શા છે... વગરે બાબતોમાં ઊંડા ઉતરીએ અને પછી એ સુવિધાનો પૂરેપૂરો લાભ લઈએ.
આપણે સૌને બધું સારું, સસ્તું, નમતું, ઉધાર વગેરે જોઈએ, પણ મોટા ભાગના લોકોને એ માટે થોડી વધારે જહેમત લેવાની ટેવ હોતી નથી. પરિણામે, ખાસ કરીને ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસમાં મળતી કેટલીય સુવિધાઆનો ખરા અર્થમાં કસ કાઢવાનું આપણે ચૂકી જઈએ.
આવી વિવિધ સર્વિસમાં, વોટ્સએપ પણ બાકાત નથી. આપણે વોટ્સએપમાં જે આવે તે જોવા-વાંચવા-સાંભળવાની મજા લઈએ, તેને આગળ ફોરવર્ડ પણ કરતા રહીએ, પણ તેનાં વિવિધ સેટિંગ્સમાં થોડા ઊંડા ઉતરવાનું મોટા ભાગે ચૂકી જઈએ.
એવું થાય તો કાં તો ક્યાંક, કોઈક રીતે ફસાવાનું જોખમ ઊભું થાય અથવા બસ એટલું કે સારી બાબતનો પૂરતો લાભ ન મળે. વોટ્સએપમાં હમણાં ઉમેરાયેલી ‘કસ્ટમ લિસ્ટ્સ’ની સુવિધા આવી છે. એનો લાભ ન લઈએ તો કંઈ જોખમ નથી, પણ સમજપૂર્વક ઉપયોગ કરીએ તો ચોક્કસ ફાયદામાં રહીએ!
- એક જગ્યાએ અનેક પ્રકારના મેસેજ
વોટ્સએપમાં લાંબા સમયથી એક પ્રોબ્લેમ હતો, ખરેખર તો હજી છે. આમ તો આખા ઇન્ટરનેટ પર અને તેમાં વિવિધ સર્વિસમાં લગભગ બધે આવો પ્રોબ્લેમ છે - ઇન્ફર્મેશનનો ઓવરલોડ!
વોટ્સએપમાં રોજેરોજ આપણા પર વ્યક્તિગત ચેટ સ્વરૂપે અથવા ગ્રૂપ્સમાં જુદા જુદા અનેક લોકો તરફથી અનેક પ્રકારના મેસેજિસ આવતા રહે છે. એમાંથી કોઈ મેસેજ એવા હોય જેના પર આપણે માત્ર એક નજર ફેરવી લઈએ તો ચાલે. અમુક મેસેજ એવા હોય જેને બિલકુલ ધ્યાન પર ન લઇએ તો પણ ચાલે. જ્યારે કેટલાક મેસેજ એવા હોય જે બહુ મહત્ત્વના હોય, તેના પર આપણે અચૂક ધ્યાન આપવું જરૂરી હોય. એટલું જ નહીં, એ મેસેજનો જવાબ આપવો કે કોઈ ને કોઈ પ્રકારનું એકશન લેવું પણ જરૂરી હોય.
વોટ્સએપે પહેલાં આવા મહત્ત્વના મેસેજિસ કે ચેટને તારવવા તેને સ્ટાર કરવાની સગવડ આપી. પછી મહત્ત્વની વ્યક્તિઓ કે મહત્ત્વનાં ગ્રૂપ્સ સતત આપણી નજર સામે રહે એ માટે તેને પિન કરવાની પણ સગવડ છે. પરંતુ આ રીતે આપણે ફક્ત ત્રણ ચેટ કે ગ્રૂપને પિન કરી શકીએ છીએ.
આ મર્યાદિત સગવડો પછી પણ વોટ્સએપમાં ચેટ ટેબમાં બધા જ પ્રકારના - બિનજરૂરીથી લઇને બહુ મહત્ત્વના - મેસેજિસની ભેળસેળ રહે છે.
વોટ્સએપે થોડા સમય પહેલાં લિસ્ટ્સની સગવડ આપીને આ તકલીફનો કંઈક અંશે ઉપાય આપ્યો. અત્યારે તમે તમારા વોટ્સએપમાં ચેટ ટેબમાં ઉપરની તરફ ‘ઓલ’, ‘અનરેડ’, ‘ફેવરિટ્સ’ તથા ‘ગ્રૂપ્સ’ એમ ચાર નાનાં બટન જોઈ શકતા હશો. જો તમારી વોટ્સએપ એપ અપડેટેડ હોય અને તેમાં વોટ્સએપનું લેટેસ્ટ ફીચર ઉમેરાઈ ગયું હોય તો આ ચાર બટનના છેડે એક વધારાનું પ્લસ પણ દેખાશે. એ છે કસ્ટમ લિસ્ટની સગવડ. મતલબ કે હવે આપણે વોટ્સએપમાં ઇચ્છીએ તેટલાં કસ્ટમ લિસ્ટ બનાવી શકીએ છીએ અને તેમાં આપણી જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની કેટેગરીમાં વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ્સને કેટેગરાઇઝ કરી શકીએ છીએ!
- ફિલ્ટર્ડ લિસ્ટ મળ્યાં, પણ મર્યાદિત
અત્યારે ચેટ ટેબમાં ઉપરની તરફ જે ચાર કેટેગરી કે લિસ્ટ જોવા મળે છે તેનો ઉપયોગ એકદમ સહેલો છે. પરંતુ બની શકે કે તમે તેનો લાભ લેતા ન હો. કસ્ટમ લિસ્ટ્સની નવી સગવડની વધુ વાત કરતાં પહેલાં, આ ફિલ્ટર્ડ લિસ્ટ્સ શું છે અને કેવી રીતે ઉપયોગી થાય છે તેની થોડી વાત કરી લઈએ.
ઓલઃ આપણે વોટ્સએપમાં ચેટ્સ ટેબમાં પહોંચીએ ત્યારે બાય ડિફોલ્ટ આપણા પર આવેલા તમામ મેસેજ આ ટેબમાં દેખાય છે.
અનરેડઃ આ ટેબ ઓપન કરતાં જે કોઈ વ્યક્તિગત ચેટ મેસેજ આપણે હજી વાંચ્યા ન હોય ફક્ત તે જોવા મળે છે. એ જ રીતે જે ગ્રૂપમાં આવેલા નવા મેસેજ આપણે હજી વાંચ્યા ન હોય તે પણ અહીં જોઈ શકાય.
ફેવરિટ્સઃ આ લિસ્ટનો ઉપયોગ પણ સહેલો છે. આપણે જે કોઈ વ્યક્તિ કે ગ્રૂપના મેસેજ સતત જોવા માગતા હોઇએ તેમને ફેવરિટ તરીકે માર્ક કરી શકીએ. એ પછી ઉપરની તરફ ‘ફેવરિટ્સ’નું એક બટન પણ ઉમેરાય છે.
એ પછી આપણે આવી ચેટ કે ગ્રૂપને પિન કરવાની જરૂર નહીં. ચેટ્સ ટેબમાં મથાળે ફેવરિટ બટન પર ક્લિક કરતાં આપણે માટે ફેવરિટ તમામ કોન્ટેક્ટ અને ગ્રૂપ્સ પર એક સાથે સહેલાઈથી નજર ફેરવી શકાય.
ગૂપ્સઃ વોટ્સએપમાં અગાઉ ચેટ્સ ટેબમાં વ્યક્તિગત મેસેજ અને ગ્રૂપ્સની એવી ભેળસેળ રહેતી હતી કે તેમને અલગ તારવવા મુશ્કેલ થતા હતા. હવે ગ્રૂપ્સ લિસ્ટની સગવડ મળી હોવાથી આપણે જે કોઈ ગ્રૂપમાં સામેલ હોઇએ એ તમામ ગ્રૂપ - ફક્ત ગ્રૂપ્સ - એક સાથે જોઈ શકાય છે.
- કસ્ટમ લિસ્ટ્સની નવી સુવિધા
જો તમે વોટ્સએપમાં હાલના લિસ્ટ્સનો ઉપયોગ કરતા હશો કે આગળ તેના લાભ વિશે જાણ્યા પછી તેનો ઉપયોગ શરૂ કરવાનું વિચાર્યું હશે તો થોડા જ સમયમાં તમે ‘યે દિલ માંગે મોર’ જેવી સ્થિતિમાં આવી જશો!
વોટ્સએપમાં હાલમાં જે રેડીમેડ લિસ્ટ મળે છે તે ચોક્કસપણે કામનાં છે, પરંતુ દરેક વ્યક્તિનો વોટ્સએપનો ઉપયોગ અલગ અલગ હોવાથી આ ચાર રેડીમેડ લિસ્ટ ઉપરાંત જુદા જુદા કસ્ટમ લિસ્ટ્સ બનાવી શકાય તો વાત ઓર જામે.
એ સુવિધા હવે વોટ્સએપમાં આવી ગઈ છે. કસ્ટમ લિસ્ટનું ફીચર રોલઆઉટ થવા લાગ્યું છે. તમારી એન્ડ્રોઇડ કે આઇફોનની વોટ્સએપ એપમાં ઉપરના ચાર રેડીમેડ લિસ્ટ ઉપરાંત ‘પ્લસ’ બટન જોવા મળે તો તમને આ ફીચર મળી ગયું છે. કદાચ જોવા ન મળે તો થોડો સમય રાહ જોવી પડશે.
આ કસ્ટમ લિસ્ટ્સ કેવી રીતે ઉપયોગી થઈ શકે એ વિશે પણ થોડી વાત કરી લઇએ.
હવે વોટ્સએપનો ઉપયોગ માત્ર પર્સનલ રહ્યો નથી. પ્રોફેશનલી પણ આપણા ક્લાયન્ટ્સ કે ટીમ સાથે કનેક્ટેડ રહેવા માટે આપણે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ચેટ્સ ટેબમાં પર્સનલ અને પ્રોફેશનલ મેસેજિસ એક સાથે જોવા મળે એ સમજી શકાય પરંતુ બંને પ્રકારના મેસેજ કે ગ્રૂપ્સ માટે અલગ અલગ લિસ્ટ્સ બનાવી શકાય તો આપણું કામકાજ એકદમ સહેલું બને.
એક રીતે જોઇએ તો વોટ્સએપ બિઝનેસમાં વિવિધ મેસેજને ટેગ કરવાની જે સુવિધા છે કંઈક એવી જ સુવિધા હવે રેગ્યુલર વોટ્સએપમાં પણ મળવા લાગી છે. ધારો કે તમે તમારા કામકાજ માટે ન્યૂઝપેપરમાં એડ આપી અને તેના માટે વોટ્સએપનો કોન્ટેક્ટ નંબર આપ્યો. દેખીતું છે કે વોટ્સએપમાં એડ સંબંધિત સંખ્યાબંધ રિપ્લાય આવશે. એ બધા કોન્ટેક્ટ કે મેસેજ માટે આપણે એક કસ્ટમ લિસ્ટ બનાવી લઇએ તો મિક્સ મેસેજિસમાંથી એડના રિપ્લાય તારવવાની જાતે મથામણ કરવાને બદલે, ઉપરના લિસ્ટના ટેબમાં ‘એડ રિપ્લાય જેવું લિસ્ટ બનાવ્યું હોય તો તેને ક્લિક કરતાં ફક્ત એ જ પ્રકારના મેસેજ એક સાથે જોઈ શકીએ (ફક્ત દરેક ચેટ ઓપન કરી આપણે તે ‘એડ રિપ્લાય’માં લિસ્ટમાં ઉમેરવી પડશે).
- લિસ્ટ બનાવવાના જુદા જુદા રસ્તા
વોટ્સએપમાં કસ્ટમ લિસ્ટ્સ બનાવવાના જુદા જુદા રસ્તા છે.
ધારો કે આપણે પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ તરફથી આવતા મેસેજિસનું એક અલગ લિસ્ટ્સ બનાવવા માગીએ છીએ.એ માટે એક રસ્તો ઉપરના ચાર રેડીમેડ લિસ્ટ પછીના ‘પ્લસ’ બટન પર ક્લિક કરીને નવું લિસ્ટ ક્રિએટ કરવાનો છે.
આપણે કમસે કમ એક કોન્ટેક્ટ કે ગ્રૂપને લિસ્ટમાં ઉમેરીએ એ પછી જ નવું લિસ્ટ ક્રિએટ કરી શકાય છે. પછી આપણે ગમે ત્યારે આ લિસ્ટમાં વધુ કોન્ટેક્ટ્સ ઉમેરી શકીએ કે દૂર કરી શકીએ.
ઇચ્છીએ તો આખું લિસ્ટ સહેલાઈથી ડિવિચટ કરી શકાય.
એ સિવાય આપણે કોઈ વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ચેટમાં હોઇએ ત્યારે સૌથી ઉપર જમણે ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરતાં જે મેનૂ ખુલે તેમાં ‘એડ ટુ લિસ્ટ’નો વિકલ્પ પસંદ કરીને તેને આપણે પહેલેથી બનાવેલા કસ્ટમ લિસ્ટ્સમાં ઉમેરી શકીએ અથવા ત્યાંથી જ નવું લિસ્ટ બનાવી શકાય.
એક વાર થોડો સમય કાઢીને તમારી જરૂરિયાત મુજબ કોન્ટેક્ટ્સ અને ગ્રૂપને આવી રીતે ‘ફેમિલી’, ‘ફ્રેન્ડ્સ’, ‘ક્લાયન્ટ્સ’, ‘ટીમ મેમ્બર્સ’, ‘સોસાયટી મેમ્બર્સ’, ‘ઇમ્પોર્ટન્ટ’ ‘અર્જન્ટ રિપ્લાય’ વગેરે કસ્ટમ લિસ્ટ્સ બનાવીને તેમાં વહેંચી નાખશો તો વોટ્સએપનો ઉપયોગ બહુ સહેલો બનશે!
- આવી સગવડ ઘણી જગ્યાએ મળે છે
બેઝિકલી, કસ્ટમ લિસ્ટ્સ સાથે વોટ્સએપે આપણને આપણી જરૂરિયાત અનુસાર આપણા કોન્ટેક્ટ્સ અને ગ્રૂપ્સને વિવિધ રીતે સોર્ટ કે ફિલ્ટર કરીને તેનું ક્લાસિફિકેશન કરવાની સગવડ આપી છે.
ઇન્ટરનેટ પર લગભગ બધી સારી સર્વિસમાં આવી સગવડ મળે છે. પરંતુ ઘણી વાર આપણે તેનો પૂરતો લાભ લેવાનું ચૂકી જઇએ છીએ. જુદી જુદી સર્વિસ આવા ક્લાસિફિકેશન માટે અલગ અલગ ટર્મનો ઉપયોગ કરે છે, જેમ કે લિસ્ટ, ટેગ, લેબલ વગેરે, પરંતુ અંતે કન્સેપ્ટ લગભગ એક જ છે.
વોટ્સએપમાં ક્લાસિફિકેશનને લિસ્ટ નામ આપવામાં આવ્યું છે. યાહૂ કે હોટમેઇલ જેવી સર્વિસમાં અગાઉ ફક્ત ફોલ્ડર હતાં. જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ ત્યારે ફોલ્ડરથી આગળ વધીને વિવિધ મેઇલ્સને ખાસ લેબલ આપીને ક્લાસિફાય અને ફિલ્ટર કરવાની સગવડ આપવામાં આવી. ફોલ્ડરમાં એક મેઇલને કોઈ એક જ ચોક્કસ ફોલ્ડરમાં મૂકી શકાય, જ્યારે લેબલનો ફાયદો એ કે તેમાં એક જ મેઇલને અલગ અલગ લેબલ પણ આપી શકાય. એ કારણે આપણે મેઇલ્સને ઇચ્છીએ તે રીતે ફિલ્ટર કરી શકીએ.
એ જ રીતે આપણે વિવિધ ઇમેઇલ સર્વિસમાં પોતાના કોન્ટેક્ટ્સને વિવિધ લેબલ કે ફોલ્ડરમાં ગોઠવી શકીએ છીએ એ પણ ક્લાસિફિકેશન કે કેટેગરાઇઝેશનનું જ ઉદાહરણ છે.
ટુડુ લિસ્ટ કે ટાસ્ક મેનેજમેન્ટ સર્વિસિસમાં મોટા ભાગે લિસ્ટ અને ટેગ બંને સુવિધા હોય છે. તેમાં એવી વ્યવસ્થા હોય છે કે એક ટાસ્કને આપણે કોઈ એક લિસ્ટમાં રાખી શકીએ પરંતુ તેને અલગ અલગ ટેગ આપી શકાય. જેમ કે કોઈ ક્લાયન્ટ માટે ક્વોટેશન તૈયાર કરવાનું હોય અને તેને માટે ટીમ ડિસ્કશન પણ કરવાનું હોય, તો એ ટાસ્કને આપણે જે તે ક્લાયન્ટના લિસ્ટમાં ઉમેરી શકીએ. એ પછી તેને ‘ટીમ ડિસ્કશન’ તથા ‘ક્લાયન્ટ મીટિંગ’ એવા બે અલગ અલગ ટેગ આપી શકાય.
આથી આપણા તમામ ટાસ્કને ‘ટીમ ડિસ્કશન‘ ટેગથી ફિલ્ટર કરીએ તો જે કોઈ બાબત માટે આપણે ટીમ ડિસ્કશન કરવાનું નક્કી કર્યું હોય તે તમામ ટાસ્કમાં આ ક્વોટેશન ડિસ્કસ કરવાનું ટાસ્ક મળે. એ જ રીતે ‘ક્લાયન્ટ મીટિંગ’ ટેગથી ફિલ્ટર કરતાં અલગ અલગ ક્લાયન્ટ્સ સાથેની મીટિંગનાં જે ટાસ્ક નક્કી કર્યાં હોય તેમાં આ ટાસ્ક પણ જોવા મળે!
ડિજિટલ ફોટોઝ કે વીડિયો સ્ટોર કરવાની સગવડ આપતી વિવિધ ઓનલાઇન સર્વિસમાં પણ ટેગિંગની સુવિધા હોય છે. ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં આવુ ટેગિંગ આપોઆપ થાય છે અને આપણે ઇચ્છીએ તે રીતે તેને સર્ચ કરી શકીએ છીએ.