ચંદ્ર પર દિવસ થયો પરંતુ ન જાગ્યું વિક્રમ લેન્ડર, શું ચંદ્રયાન-3 મિશન પૂર્ણ?
એસ.સોમનાથે કહ્યું ચિંતા કરવાની કોઈ જરૂર નથી....
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય થઇ ગયો છે અને એવી આશા છે કે ઈસરો લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરી સંપર્ક સાધશે. જોકે હજુ સુધી ઈસરો દ્વારા લેન્ડર અને રોવર સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. ઈસરો લેન્ડર અને રોવર સાથે સંપર્ક કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે હવે લેન્ડર અને રોવર સાથે સંપર્ક થઇ શકશે નહીં.
શું લેન્ડર અને રોવર સાથે ફરી સંપર્ક થશે?
ઈસરો દ્વારા 22 સપ્ટેમ્બરથી સતત લેન્ડર વિક્રમને સંદેશા મોકલવામાં આવી રહ્યા છે. હજુ પણ થોડા દિવસ સુધી ઈસરો તેની સાથે સંપર્કમાં આવા માટેના પ્રયાસો ચાલુ રાખશે. પરંતુ હવે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે ભારતની ચંદ્રયાન-3ની સફળતાનો અંત આવી ગયો છે. ભારત દુનિયાને જેટલું દેખાડવાનું હતું એ દેખાડી દીધું છે અને મહિતી એકઠી કરવાની હતી એ પણ ભેગી કરી લીધી છે.
ઈસરોના મિશનએ તેનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
- વિક્રમનું સફળતાપૂર્વક લેન્ડિંગ
- ઈસરોએ પ્રજ્ઞાન રોવરને 105 મીટર સુધી આગળ ચલાવ્યું
- ચંદ્ર પરના ક્રેટરને વિક્રમ લેન્ડરે કૂદી બતાવ્યું
- આવશ્યક વાયુઓ અને ઓક્સિજન જેવા ખનિજોની હાજરીની પુષ્ટિ
- વિશ્વનું પ્રથમ મિશન જેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂક્યો
એસ.સોમનાથે કહ્યું ચિંતા કરવાની કોઈ જરૂર નથી....
વિક્રમ અને પ્રજ્ઞાનને લઇ ઈસરો ચીફ એસ.સોમનાથે કહ્યું કે, આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિક્રમ અને પ્રજ્ઞાનને એવી ટેકનોલોજી સાથે મોકલવામાં આવ્યા છે કે તેઓ સૂર્યપ્રકાશમાંથી સંપૂર્ણપણે ઉર્જા મેળવી આપોઆપ જાગી જવા માટે સક્ષમ છે. આપણે ફક્ત તેમના પર નજર રાખવાની છે. હવે ચંદ્ર પર અંધારું થાય તે પહેલા શિવ શક્તિ પોઈન્ટથી સારા સમાચાર મળી શકે છે.
ઈસરો પાસે પહેલાથી જ ઘણો ડેટા એકત્ર છે
અંતરિક્ષ વિજ્ઞાની ડો. આરસી કપૂરને જ્યારે લેન્ડર અને રોવરના ફરીથી એક્ટિવ હોવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'લેન્ડર અને રોવરે તેમનું કામ કરી દીધું છે. જ્યારે બંનેને સ્લીપ મોડમાં નાખવામાં આવ્યા ત્યારે બંનેના તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. ઈસરોએ પહેલાથી જ ઘણો ડેટા એકત્ર કરી લીધો છે. એવું પણ બની શકે કે ઉપકરણો પહેલા જેવી સ્થિતિમાં કામ ન કરી શકે પરંતુ થોડી આશા બાકી છે. બની શકે કે, અમને સારા સમાચાર મળી જાય. ચંદ્ર પર દિવસ નીકળવાનું શરૂ થઈ ગયુ છે. રોવરને પહેલાથી જ એ રીતે રાખવામાં આવ્યુ છે કે, જ્યારે સૂરજ નીકળશે તો તેની રોશની સીધી રોવરના સોલર પેનલ્સ પર પડે.