ચંદ્રયાન-3નું પ્રપલ્ઝન મોડયુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત આવ્યું
- ઇસરોની વધુ એક ટેકનિકલ સિદ્ધિ
- મૂળ યોજના મુજબ બધા પ્રયોગો સફળ રહ્યા હોવાથી મહત્વનો નિર્ણય લેવાયો
બેંગલુરુ : ચંદ્રયાન-૩ અવકાશયાનના પ્રપલ્ઝન મોડયુલ(પીએમ)ને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી છેક પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લાવવામાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ને સફળતા મળી છે.
ઇસરોનાં સૂત્રોએ આજે એવી માહિતી આપી હતી કે અમારો આ વિશિષ્ટ પ્રયોગ છે.ચંદ્રયાન-૩ અવકાશ યાનનો મૂળ હેતુ તો તેના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સંપૂર્ણ સલામતી અને સફળતા સાથે ઉતારવાનો હતો. ત્યારબાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરમાંનાં વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા મહત્વની સંશોધનાત્મક કામગીરી કરવાનો હતો. અમારા આ બંને હેતુ સંપૂર્ણ સફળ રહ્યા છે.
ચંદ્રયાન-૩ અવકાશયાન ૨૦૨૩ની ૧૪, જુલાઇએ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી એલવીએમ૩-એમ૪ પ્રકારના લોન્ચિંગ વેહિકલ દ્વારા ચંદ્રયાત્રાએ ઉડયું હતું.ત્યારબાદ ૨૦૨૩ની ૨૩, ઓગસ્ટે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. સાથોસાથ વિક્રમ લેન્ડર સાથે જોડાયેલું પ્રજ્ઞાન રોવર પણ સફળતાથી બહાર નીકળીને એક ચંદ્ર દિવસ(પૃથ્વીના ૧૬ દિવસ) માટે સંશોધન કર્યું હતું. પ્રજ્ઞાન રોવરની કામગીરી પણ સંતોષકારક રહી છે.
ચંદ્રયાન-૩ અવકાશયાનના પ્રપલ્ઝન મોડયુલની મુખ્ય કામગીરી વિક્રમ લેન્ડરને જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટથી છેેક લ્યુનાર પોલાર સર્ક્યુલર ઓર્બિટ સુધી સલામત રીતે લઇ જવાની અને ત્યાંથી વિક્રમને પોતાનામાંથી છૂટું પાડવાની હતી. આ કામગીરી પણ સફળ રહી હતી.
પ્રપલ્ઝન મોડયુલમાંથી વિક્રમ લેન્ડર છૂટું પડયું ત્યારબાદ તેમાંના સ્પેક્ટ્રો-પોલારીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ (એસ.એચ.એ.પી.ઇ.-શેપ) ઉપકરણે પણ કામગીરી શરૂ કરી હતી.આમ તોશેપ ઉપકરણ ફકત ત્રણ મહિના કાર્ય કરવાનું હતું. જોકે સમય જતાં આ યોજનામાં ફેરફાર થયો અને પીએમને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી બહાર લઇ આવીને છેક પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવાનો નિર્ણય લેવાયો. છેવટે ૨૦૨૩ની ૧૦, નવેમ્બરે પીએમ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આવી ગયું છે.સાથોસાથ પીએમ આ ભ્રમણકક્ષામાં ફરતા કોઇપણ સેટેલાઇટ સાથે ટકરાવાની કે અન્ય કોઇ જોખમ સર્જાવાની કોઇ જ ચિંતા નથી.