Get The App

ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષામાં છેલ્લો ઘટાડો થયો આજે પ્રપલ્ઝન મોડયુલમાંથી લેન્ડર છૂટું પડશે

Updated: Aug 17th, 2023


Google NewsGoogle News
ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષામાં છેલ્લો ઘટાડો થયો આજે પ્રપલ્ઝન મોડયુલમાંથી લેન્ડર છૂટું પડશે 1 - image


- અવકાશયાન હવે ચંદ્રની ધરતીથી ફક્ત 163 કિ.મી.દૂર છે

- 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનાં બેમાંથી કોઇપણ એક સ્થળે ઉતરશે

- અવકાશયાનને હોરીઝેન્ટલ સ્થિતિમાંથી વર્ટિકલ સ્થિતિમાં લાવવાની પ્રક્રિયા પડકારરૂપ બનશે 

- 16 ઓગસ્ટે ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષાનો પાંચમો અને છેલ્લો ઘટાડો થયો.

- આજે 17 ઓગસ્ટે પ્રપલ્ઝન મોડયુલમાંથી લેન્ડર મોડયુલ આ રીતે છૂટુ પડશે.

બેંગલુરુ/મુંબઇ : ભારતના ચંદ્રયાન-૩ અવકાશ યાનની ચંદ્ર પરની ભ્રમણ કક્ષામાં આજે ૨૦૨૩ની ૧૬,ઓગસ્ટ, બુધવારે  સવારે ૮-૩૦ વાગે પાંચમો અને અંતિમ ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએજાહેરાત કરીને કહ્યું હતું કે આજે ૧૬, ઓગસ્ટે, સવારે ૮-૩૦ વાગે અમને  ચંદ્રયાન-૩ના એન્જિનનું રેટ્રોફાયરિંગ કરવામાં સફળતા મળી છે. એન્જિનનું રેટ્રોફાયરિંગ કરવાથી અવકાશ યાનની ગતિ ધીમી પડે છે. આવી ધીમી ગતિને કારણે ચંદ્રયાન-૩ અવકાશયાનનો ચંદ્રની સપાટી તરફનો પ્રવાસ સરળ અને સલામત બને છે.

  આજની મહત્વની પ્રકિયા સાથે જ ચંદ્રયાન-૩ અવકાશયાન ચંદ્રની  સપાટીની વધુ  નજીક ગયું છે.વળી, આજની આ પ્રક્રિયા સાથે  ચંદ્રયાન-૩ની ચંદ્ર પરની ભ્રમણકક્ષાના ઘટાડાની કામગીરી પણ સંપૂર્ણપણે પૂરી થઇ ગઇ છે. આજે સવારે ૮-૩૦ વાગેઅમે ચંદ્રયાન-૩નું એન્જિન ફક્ત એક  મિનિટ માટે ઓન કરીને તેની ભ્રમણકક્ષામાં પાંચમી અને અંતિમ વખત ઘટાડો કર્યો છે.  એટલે કે આ તબક્કે ચંદ્રયાન-૩ અવકાશ યાનની ભ્રમણકક્ષા ૧૫૩ બાય ૧૬૩ કિલોમીટરની છે. સરળ રીતે સમજીએ તો  ચંદ્રયાન-૩ હવે ચંદ્રમાની સપાટીથી ફક્ત ૧૬૩ કિલોમીટર દૂર છે.

અગાઉ ચંદ્રયાન-૩ની ભ્રમણ કક્ષામાં ૫, ૬, ૯, ૧૪-ઓગસ્ટે એમ તબક્કાવાર ઘટાડો કરવામાં આવ્યો છે. 

ઇસરોનાં સૂત્રોએ બહુ મહત્વનો મુદ્દો રજૂકરતાં કહ્યું હતું કે હવે આવતીકાલે ,૧૭, ઓગસ્ટે ચંદ્રયાન-૩ના પ્રપલ્ઝન મોડયુલ (પીએમ)માંથી લેન્ડર મોડયુલ (એલએમ) છૂટું પડશે. આ જ પ્રપલ્ઝન મોડયુલમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર ગોઠવાયેલાં છે. પ્રપલ્ઝન મોડયુલમાંથી અલગ થયા બાદ લેન્ડરની ડિબુસ્ટ(ગતિમાં ઘટાડો થવાની પ્રક્રિયા) પ્રક્રિયા શરૂ થશે. આ તબકક્કે લેન્ડર ૩૦ કિલોમીટર  પેરીલ્યુન(ચંદ્રનું સૌથી નજીકનું બિંદુ) અને ૧૦૦ કિલોમીટર એપોલ્યુન(ચંદ્રનું સૌથી દૂરનું બિંદુ)ની સ્થિતિમાં આવી જશે.

 આ તબક્કા બાદ ૨૩,ઓગસ્ટે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનાં નિશ્ચિત થયેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ પર ઉતરવા આગળ વધશે.વિક્રમ લેન્ડર ૨૩, ઓગસ્ટે સાંજના ૫:૪૭ વાગ ે(પૃથ્વીનો સમય) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ-સલામત રીેતે ઉતરશે.

ઇસરોના ચેરમેન એસ. સોમનાથે થોડા દિવસ પહેલાં એવી સ્પષ્ટતા કરી હતી કે વિક્રમ લેન્ડર  ૩૦ કિલોમીટરના અંતરેથી  છેક ચંદ્રની સપાટી સુધી પહોંચશે તે દરમિયાન તેની ગતિમાં ઘટાડો કરવાની કામગીરી સૌથી પડકારરૂપ બની રહેશે.એટલે કે આ તબક્કે અમારે વિક્રમ લેન્ડરને હોરીઝેન્ટલ (આડી સ્થિતિ)માંથી વર્ટિકલ(ઉભી સ્થિતિ)માં લાવવું પડશે.અમારે આ  ટેકનિકલ ટ્રીક કરવી પડશે. આ સમગ્ર પ્રક્રિયા ગણિતની સુક્ષ્મ ગણતરીની બહુ રસપ્રદ બાબત છે.

ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)નાં સૂત્રોએ એવી વિશિષ્ટ માહિતી  આપી હતી કે ૨૩, ઓગસ્ટે વિક્રમ લેન્ડર ૧૦૦ ટ૩૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર ઉતરવા આગળ વધશે. વિક્રમ લેન્ડર ૩૦ કિલોમીટરની ઉંચાઇએથી ૭.૪ કિલોમીટર સુધી ૧.૬૮ કિલોમીટર(પ્રતિ સેકન્ડ)ની ગતિથી ૬૯૦ સેકન્ડ્ઝમાં આવશે.

* ત્યારબાદ વિક્રમ લેન્ડર ૭.૪ કિ.મી.ની ઉંચાઇએ સ્થિર થઇને ૬.૮ કિ.મી. નીચે ૧૦ સેકન્ડ્ઝમાં આવશે.

*વિક્રમ લેન્ડર ૬.૮ કિ.મી.થી ૧૭૦ સેકન્ડ્ઝમાં  ૮૦૦ મીટર સુધી આવશે. આ તબકક્કે વિક્રમ લેન્ડર ૮૦૦ મીટરની ઉંચાઇએ ૧૨ સેકન્ડ્ઝ સુધી સ્થિર રહીને ગોળ ગોળ  ફરશે.

* ત્યારબાદ વિક્રમ લેન્ડર ૮૦૦ મીટરથી ૭૫ સેકન્ડઝમાં સીધું ૧૫૦ મીટર નીચું આવી જશે.આ તબકકે પણ લેન્ડર ૧૫૦ મીટરની ઉંચાઇએ ૨૨ સેકન્ડ્ઝ સ્થિર થઇને ગોળ ગોળ ફરશે.

* વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ-સલામત રીતે ઉતરી શકે તે માટે બે સાઇટ નક્કી કરવામાં આવી છે.લેન્ડર ૧૫૦ મીટર સુધી આવીને પહેલાં પોતે સરળ-સલામત રીતે ઉતરી શકે તે માટે સ્થળ શોધશે. તે સ્થળ યોગ્ય લાગશે અને તેને કોઇ જ  વોર્નિંગ એલાર્મ નહીં મળે તો જ વિક્રમ લેન્ડર ત્યાં ઉતરશે,નહીં ૬૦ મીટરની ઉંચાઇએ આવીને તો બીજું સ્થળ શોધશે.

* વિક્રમ લેન્ડરનો ચંદ્રના દક્ષિણ ધ્રુવના પહેલા સ્થળે ઉતરવાનો સમય ૧૭ :૧૮ મિનિટ, જ્યારે બીજા સ્થળે ઉતરવાનો સમય ૧૭:૫૩ મિનિટ હશે.

 * વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ચોક્કસ સ્થળે  ઉતર્યા બાદ ચાર કલાક સુધી જેમની તેમ સ્થિતિમાં રહેશે. ચાર કલાક બાદ  વિક્રમ લેન્ડરમાંથી એક નાના કદની સિટી બહાર આવશે. તે સિડીની મદદથી પ્રજ્ઞાાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર આવશે.  

* વિક્રમ લેન્ડરનું વજન ૧,૭૫૨ કિલો, જ્યારે પ્રજ્ઞાાન રોવરનું વજન ૨૬ કિલો છે.


Google NewsGoogle News