CES 2025ની શરૂઆત: AIથી લઈને ઓટોમોટિવ અને ડિજિટલ હેલ્થથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી દરેકમાં આવશે નવી ટેક્નોલોજી
Future of Technology: CES 2025 અમેરિકાના લાસ વેગાસમાં શરૂ થઈ ગયો છે. આ કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES) સાત જાન્યુઆરીથી દસમી જાન્યુઆરી સુધી ચાલશે. આ શોનું ઉદ્ઘાટન પાંચમી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં Nvidia ના CEO જેન્સેન હુઆંગ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી. આ શો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ હશે અને એમાં ઘણી અવનવી ટેક્નોલોજી જોવાશે એવી તેમણે ખાતરી આપી હતી.
CES શું છે?
આ શોમાં ટેક કંપનીઓ તેમની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે. નવા સ્ટાર્ટઅપ વિશે માહિતી આપવામાં આવે છે. તેમજ દુનિયાભરના મીડિયાઓ એક જગ્યાએ ભેગા થાય છે અને નવી ટેક્નોલોજીને દુનિયાભરમાં પહોંચાડવાનું કામ કરે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ફોકસ
CES 2025 માં દરેક કંપની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. એમાં પણ Nvidia મોખરે રહ્યું હતું. કંપનીના CEO જેન્સે જે સ્પીચ આપી હતી એમાં આ ટેક્નોલોજીને કેવી રીતે સસ્ટેનેબલ બનાવવી તે વિશે વાત કરવામાં આવી હતી. આ કંપની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગેમિંગ અને રોબોટિક્સમાં ખૂબ જ કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે Nvidia GeForce RTX 50 GPU લોન્ચ કર્યો હતો. આ એક ગ્રાફિક્સ પ્રોસેસર છે અને તે મશિનને ગજબનો પાવર આપશે અને તેની કાર્યક્ષમતા એટલી વધુ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ સરળતાથી અને ઝડપથી કામ કરશે. તેમજ મશિન લર્નિંગ એપ્લિકેશન માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ઓટોમોટિવ ટેક્નોલોજી
ઓટોમોટિવ કંપની BMW, Honda, અને Volvo એ તેમની ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ Sony-Honda મળીને પણ નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું. ટોયોટા દ્વારા હાઇડ્રોજન-પાવર્ડ લિવિંગ ઇકોસિસ્ટમ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને વુવન સિટી નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા સસ્ટેનેબલ લિવિંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વુવન સિટી ને ફુલી કનેક્ટેડ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે જે હાઇડ્રોજન ફ્યુલ સેલ્સ દ્વારા ચાલશે. તેમાં સ્માર્ટ હોમ્સ અને ઓટોનોમસ વ્હિકલનો સમાવેશ કરવામાં આવશે. તેમજ તેમાં રિન્યુએબલ એનર્જીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
રોબોટિક્સ
રોબોટિક્સ અને એક્સટેન્ડેડ રિયલિટીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કંપનીઓ દ્વારા વિયરેબલ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ઇનોવેશનને દેખાડવામાં આવ્યા હતા જે યુઝરને અલગ જ એક્સપિરિયન્સ આપે છે. ઉદાહરણ તરીકે, રોબોટિક એક્સોસ્કેલેટોન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. એક્સોસ્કેલેટોન્સ એટલે કે આપણા શરીરના હાડકાંના પ્રકારના જ રોબોટિક મશીન. કોઈ વ્યક્તિનો એક હાથ અથવા પગ કામ ન કરી રહ્યો હોય તો તેની જગ્યાએ આ એક્સોસ્કેલેટોન પહેરી શકાય છે. આથી કોઈ વ્યક્તિને ચાલવામાં તકલીફ પડતી હોય તો પણ તે એક સામાન્ય વ્યક્તિની જેમ ચાલી શકે છે. કોઈ હાથ અથવા પગ વજન ન લઈ શકતો હોય તો આ એક્સોસ્કેલેટોન ખૂબ જ કામ આવી શકે છે. આ એક્સોસ્કેલેટોન્સમાં એડ્વાન્સ સેન્સર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ છે. તેની મદદથી મશીન યુઝરની ચાલની ટેવ શીખશે અને તે અનુરૂપ કામ કરશે.
ઇલેક્ટ્રોનિક્સ
સેમસંગ, એલજી અને ક્વાલકોમ દ્વારા નવી જનરેશનના ટીવી, મોનિટર્સ, લેપટોપ અને અન્ય ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગ દ્વારા 'AI for All: Everyday, Everywhere' લોન્ચ કરવામાં આવ્યું છે. સેમસંગ દ્વારા ટીવી, ઘરના અન્ય ઇલેક્ટ્રોનિક્સ અને કન્સ્યુમર રોબોટિક્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેમસંગ દ્વારા ટીવીમાં લાઇવ ટ્રાન્સલેશન ફીચર આપવામાં આવ્યું છે જે અત્યાર સુધી ફક્ત મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપમાં હતું. હાઇસેન્સ દ્વારા L9Q ટ્રીક્રોમા લેસર ટીવી લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેસર ટીવીમાં ટ્રિપલ-લેસર લાઇટ એન્જિન છે. તેની મદદથી ટીવીના કલર અને બ્રાઇટનેસમાં જબરદસ્ત ક્વોલિટી જોવા મળશે.
ડિજિટલ હેલ્થ
ડિજિટલ હેલ્થનો મુખ્ય ઉદ્દેશ લોકોની હેલ્થ સુધારવી, તેમનું જીવન લાંબુ કરવું અને મેડિકલ સર્વિસના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ઘણી કંપનીઓએ વીયરેબલ લોન્ચ કર્યા છે, જેમાં રિયલ ટાઇમ હેલ્થ ઇન્સાઇટ જોવા મળે છે. આ કંપનીઓમાં AARP, EssilorLuxottica અને Withings નો સમાવેશ થાય છે. સરક્યુલર કંપની દ્વારા એક નવી રિંગ લોન્ચ કરવામાં આવી છે. આ રિંગ પહેરી રાખવાથી સતત હાર્ટ રેટ મોનિટર થશે. તેમાં ECG છે. આ સાથે જ હાર્ટ રેટમાં કોઈ પણ ઊતાર-ચઢાવ થશે તો તેની જાણકારી તરત જ યુઝરને આપવામાં આવશે.