Grok ના 'સહજ' જવાબોથી મોદી સરકાર 'અસહજ', મસ્કની કંપની પર સકંજાની તૈયારી
Grok AI Using Hindi Slang: ઈલોન મસ્કનું કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે હાલ ચર્ચામાં છે. ભારત સરકારે ગ્રોક એઆઈ દ્વારા આપવામાં આવેલા વિવાદિત જવાબો અસહજ હોવાથી સરકાર X પાસે આ અંગે સ્પષ્ટતા માંગી રહી છે. કેન્દ્ર સરકારે આ મામલે મસ્કની X કંપની સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 19 માર્ચ, 2025ના રોજ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય ચેટબોટ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના કારણોની તપાસ કરશે.
Grok AI શું છે?
Grok AI ભાષા મોડેલ (LLM) પર આધારિત ચેટબોટ છે. તે Open AIના ChatGPT અને Google Geminiની જેમ કામ કરે છે, જેનો હેતુ યુઝરને તેમની પોતાની ભાષામાં જવાબ આપવાનો છે. ખાસ વાત એ છે કે તે સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપે છે. આવા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમાં ઇન્ટરેક્ટિવ ડાયલોગની સુવિધા છે. આ AI X સાથે જોડાયેલું છે.
Grok 3 AI મોડેલ, Grok 2 AIનું લેટેસ્ટ વર્ઝન છે, આ વર્ઝન શરૂઆતમાં 2024 ના અંતમાં લોન્ચ થવાનું હતું પરંતુ ગયા મહિને જ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.
સરકારે ચેટબોટમાં ઉપયોગમાં લેવાતા ડેટાનું સ્પષ્ટીકરણ માગ્યું
મીડિયા અહેવાલ મુજબ, સરકારે X પાસેથી ગ્રોક દ્વારા જનરેટ કરાયેલા જવાબો અને ચેટબોટને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. જોકે, રિપોર્ટમાં પ્રશ્નમાં રહેલા ચોક્કસ પ્રતિભાવોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
PTI ના અહેવાલો અનુસાર માહિતી અને ટેકનોલોજી મંત્રાલય તાજેતરની ઘટનાઓમાં ગ્રોક દ્વારા હિન્દી ભાષા અને અપશબ્દોના ઉપયોગની તપાસ કરવા માટે માહિતી અને ટેકનોલોજી મંત્રાલય X ના સંપર્કમાં છે. જેથી જાણી શકાય કે આવું શા માટે થઈ રહ્યું છે અને શું સમસ્યા છે?'
યુઝરને મળી રહ્યા છે તાત્કાલિક જવાબો
Grok AIના જવાબો છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. યુઝર્સ જે પણ સવાલ પૂછે છે, તેનો જવાબ ચેટબોટ આપે છે. જેમાં રાજકારણ અને વિપક્ષ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા ઉપરાંત તે યુઝર્સના કહેવા મુજબ રોસ્ટિંગ પણ કરી રહ્યું છે. આ જવાબો સરકાર અને વિપક્ષના નેતાઓ માટે અસહજ છે. એવું માનવામાં આવે છે કે જો ચેટબોટનું આ જ વલણરહેશે તો ભારતમાં આ AI નહીં ટકી શકે. હાલમાં દેશમાં ડેટા સિક્યોરિટી ઍક્ટ (DPDP ઍક્ટ 2023) અને IT એક્ટને કારણે આ AIને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: મસ્કના ચેટબોટ ગ્રોકે PM મોદીની છબીના ધજાગરા કર્યા, બિન્દાસ જવાબોથી અપપ્રચારની પોલ ખૂલી
પ્રતિબંધિત પણ થઈ શકે છે
સ્પર્ધાની વાત કરીએ તો, ChatGPT અને Google Gemini પહેલાથી જ ભારતીય બજારોમાં છે. આવી સ્થિતિમાં Grok AI માટે રસ્તો મુશ્કેલ બની શકે છે. સરકાર રાજકારણ અને સેન્સરશીપની બાબતોમાં આવા AI ટૂલ પર નજર રાખી રહી છે. Grok AIને ખોટી માહિતી શેર કરવા અને વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવા બદલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડી શકે છે.