ચંદ્રયાન-5ને કેન્દ્રની મંજૂરી: ચંદ્ર પર ઉતરશે અઢીસો કિલોનું રોવર, જાપાન પણ કરશે મદદ
Center Approved Chandrayaan-5 Mission: ચંદ્રને એક્સપ્લોર કરવા માટે સરકારે ચંદ્રયાન-5 માટે પરવાનગી આપી દીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના ચેરમેન વી. નારાયણન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રયાન-3માં પ્રયાગયાન નામનું રોવર મોકલવામાં આવ્યું હતું, જેનું વજન 25 કિલોગ્રામ હતું. પરંતુ ચંદ્રયાન-5માં હવે 250 કિલોગ્રામનું રોવર મોકલવામાં આવશે. આ રોવર ચંદ્રની સપાટીનું ખૂબ જ ઝીણવટ ભરેલું રિસર્ચ કરશે. વી. નારાયણને જણાવ્યું કે, ‘ત્રણ દિવસ પહેલાં જ અમને ચંદ્રયાન-5 માટે પરવાનગી મળી છે. અમે આ મિશન જાપાન સાથે મળીને કરીશું.’
ચંદ્રયાન મિશનનો ઇતિહાસ
ચંદ્રયાન મિશન ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભારતનું પહેલું ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે ચંદ્રનું કેમિકલ, મિનરલૉજિકલ અને ફોટો-જીયોલૉજિકલ મેપિંગ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફાઇનલ સ્ટેજમાં થોડી મુશ્કેલીઓ છતાં આ મિશનમાં 98% સફળતા મળી હતી. 2023ની 23મી ઑગસ્ટે ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલમાં ઉતાર્યું હતું. આ મિશન માટે ભારત માટે આ વિસ્તારના પ્રથમ રોવર સપાટી પર ઉતરવાનું ગૌરવ હતું. આ રોવર પૃથ્વી પર 14 દિવસ સુધી કાર્યરત રહ્યું હતું.
આગામી મિશન માટેની તારીખો
ISRO હાલના સમયમાં ચંદ્રયાન મિશન પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચંદ્રયાન-4 મિશનને 2027માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવવામાં આવશે. ISRO ગંગયાનનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે. એટલું જ નહીં, ISRO દ્વારા હવે ભારતીય અંતરીક્ષ સ્ટેશન પણ બનાવવામાં આવશે. ચંદ્રયાન-5 બાદ ભારત ચંદ્રયાન-6 પર કાર્ય કરશે. 2035 સુધીમાં ભારતનું સ્પેસ સેક્ટર 44 બિલિયન અમેરિકન ડૉલરનું બની જશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: એપલના આઇમેસેજનો ઉપયોગ ભારતમાં બહુ જલદી એન્ડ્રોઇડ યુઝર્સ પણ કરી શકશે…
જાપાન કરશે મદદ
ચંદ્રયાન-3 દ્વારા ભારતને ઘણી સફળતા મળી હતી. તે સમયે રોવરનું વજન ફક્ત 25 કિલોગ્રામ હતું. જોકે, હવે ભારત ચંદ્ર પર વધુ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવાની આશા રાખે છે. આ માટે વૈજ્ઞાનિક ટૅક્નોલૉજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવા અને વધુ ઊંડાણપૂર્વક શોધખોળ માટે જાપાન સાથે સહકાર શરુ કર્યો છે. તેમની મદદથી ભારત હવે ચંદ્ર પર 250 કિલોગ્રામનું રોવર લેન્ડ કરશે.