ઇન્ડિયામાં વધશે કાર્ગો ડ્રોન્સની ડિમાન્ડ, 2030 સુધીમાં દુનિયાભરમાં ડ્રોનનું માર્કેટ 9.4 બિલિયન ડોલર સુધી પહોંચી જશે
Cargo Drones: માર્કેટ્સ એન્ડ માર્કેટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કાર્ગો ડ્રોનનું માર્કેટ 9.4 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી શકે છે. 38.6 ટકાએ વિકાસ થઈને 2030 સુધી 9.4 બિલિયન ડોલરનું માર્કેટ થશે.
2022માં આ માર્કેટ 0.6 બિલિયન ડોલરનું હતું. જોકે બિઝનેસ 2 બિઝનેસમા કાર્ગો ડ્રોનની ડિમાન્ડને કારણે એના માર્કેટમાં ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે. તેમ જ મિલેટરી ઓપરેશનમાં પણ કાર્ગો ડ્રોનનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે અને હવે દરેક ક્ષેત્રના લોકો એનો ઉપયોગ કરી રહ્યાં છે.
કાર્ગો ડ્રોન્સ માર્કેટમાં મુખ્ય કંપનીઓ જર્મનીની વોલોકોપ્ટર GmbH, સ્વિટ્ઝરલેન્ડની ડુફોર એરોસ્પેસ, અમેરિકાની ધ બોઇંગ કંપની, સ્લોવેનિયાની પિપિસ્ટ્રેલ અને ચિનની ઇહેન્ગ છે. ડ્રોન બનાવવાની સાથે એ માટેના સોફ્ટવેરનો બિઝનેસ પણ એટલો જ જોરમાં આગળ વધશે.
માર્કેટમાં શું જરૂર પડશે અને શું તકલીફ પડી શકે?
ડ્રાઇવર્સ : કાર્ગો ડ્રોન્સને કારણે કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછી થશે અને ખૂબ જ જલદીથી કામ પૂરું કરી શકાશે. આ માટે ડ્રોન ચલાવવા માટે ડ્રાઇવર્સની પણ એટલી જ જરૂર પડશે.
પરવાનગી : ડ્રોન માટે જે-તે જગ્યાએ એની પરવાનગી લેવાની ખૂબ જ જરૂર પડે છે. આથી દરેક દેશમાં અને દરેક જગ્યાએ એને પરવાનગી મળે એ જરૂરી નથી.
વાતાવરણ : વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો તો પણ ડ્રોન પર અસર પડે છે. ખૂબ જ પવનમાં ડ્રોન કામ નથી કરતાં. તેમ જ વરસાદમાં પણ ડ્રોન કામ નથી કરતા. આથી વાતાવરણની ડ્રોનની ફ્લાઇટ પર ખૂબ જ અસર પડે છે.
કેવા કાર્ગો ડ્રોન્સ વધુ ઉપયોગમાં આવશે?
50-149 કિલોગ્રામ સેગમેન્ટમાં આવતા કાર્ગો ડ્રોન્સનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવશે. હાલમાં કંપનીઓ ડ્રોનને વધુ હવામાં કેવી રીતે રાખી શકાય એના પર ફોકસ કરી રહ્યાં છે. એટલે કે એક વાર ચાર્જ કરતાની સાથે તે બેથી ત્રણ કલાક સુધી સતત હવામાં રહી શકે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જો એમાં સફળતા મળી તો પૈસા અને સમય બન્નેનો બચાવ થશે.
ઇન્ડિયામાં હશે વધુ ડિમાન્ડ
દુનિયાભરમાં એશિયા પેસિફિકમાં સૌથી વધુ કાર્ગો ડ્રોન્સ ડિમાન્ડમાં હશે. ચિન, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જપાન, સાઉથ કોરિયા, ન્યુ ઝિલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાં સૌથી વધુ ડ્રોન્સની ડિમાન્ડ જોવા મળશે. ચિન અને જપાન હાલમાં કાર્ગો ડ્રોન્સમાં ખૂબ જ મોટું ઇનવેસ્ટમેન્ટ કરી રહ્યાં છે. પછાત વિસ્તારમાં સામાન જલદી પહોંચાડવા માટે કાર્ગોનો ઉપયોગ વધુ કરાવવામાં આવ છે અને એથી જ એ ડિમાન્ડમાં પણ રહેશે.