પાણીની જેમ હવે સૂર્યપ્રકાશ પણ વેચાતો મળશે, રાતના અંધકારમાં ચાહો ત્યાં મેળવી શકશો અજવાળું!

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Selling Sunlight


Selling Sunlight: કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની કોરી કલ્પના નથી, નજીકના ભવિષ્યમાં એ હકીકત બનવા જઈ રહ્યું છે. પૂરઝડપે વિકસી રહેલી ટેકનોલોજીની માનવજાતને આ લેટેસ્ટ ભેટ છે. ચાલો જાણીએ કે ‘સૂર્યપ્રકાશ’ વેચવાનો આ કોન્સેપ્ટ શું છે અને એ કઈ રીતે કામ કરશે.

સૂર્યની અસીમ ઊર્જાને નાથવાનો પ્રોજેક્ટ 

આપણા દેશમાં હાલ મકાનોની છત પર અને ખેતરોમાં સોલાર પેનલ લગાવવાનું કામ પૂરજોરમાં ચાલુ છે. એકવારના ખર્ચ પછી સૂર્યઊર્જા કિફાયતી પડતી હોવાથી જનસામાન્યનો ઝુકાવ એના તરફ વધ્યો છે. પણ એની એક ઊણપ/ડ્રોબેક એ છે કે સૂર્યઊર્જા ફક્ત દિવસના સમયે જ જનરેટ થાય છે. રાતના સમયે સૂર્યની ગેરહાજરીમાં સોલર પેનલ કામ કરતી નથી. પણ હવે જે નવો કોન્સેપ્ટ આવ્યો છે એ રાતના સમયે સૂર્યની ગેરહાજરીમાં પણ સૂર્યઊર્જા જનરેટ કરી આપશે. એટલું જ નહીં, તમે ઈચ્છો ત્યાં તમને અજવાળું કરી આપશે. કઈ રીતે?

આ છે કોન્સેપ્ટ 

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એક સ્ટાર્ટઅપ નામે ‘રિફ્લેક્ટ ઓર્બિટલ’એ દાવો કર્યો છે કે તે એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જે અવકાશમાંથી સૂર્યના કિરણો ઝીલીને રાત્રે પણ ધરતીના કોઈપણ ખૂણે એ સૂર્યકિરણોને પ્રતિબિંબિત કરીને પ્રકાશ મોકલી શકશે. તમે ઈચ્છો તો એ પ્રકાશ થકી તમારા ઘર, ફેક્ટરી કે ખેતરમાં લાગેલ સોલાર પેનલને ચાર્જ કરી શકશો.

આ રીતે કામ કરશે પ્રોજેક્ટ

'રિફ્લેક્ટ ઓર્બિટલ' અવકાશમાં એવા ઉપગ્રહો લોન્ચ કરશે, જેની સપાટી પર રિફ્લેક્ટિંગ મિરર્સ (પ્રકાશનું પરાવર્તન કરતા અરીસા) લાગેલા હશે. પૃથ્વીની સપાટીથી 600 કિલોમીટર ઊંચે રહેનાર એ અરીસા સૂર્યપ્રકાશ ઝીલશે અને એને પૃથ્વી પર પ્રતિબિંબિત કરશે જેનાથી ધરતી પર લગાડેલી સોલાર પેનલો પણ ચાર્જ થશે અને આપણે ધારીએ ત્યાં અજવાળું થશે. આપણે સૂર્યપ્રકાશનો લાભ લેવા માટે દિવસ ઉગવાની રાહ જોવી નહીં પડે. ઘરની આસપાસ રાતના અંધારામાં કંઈક શોધવા-જોવા-કરવાની જરૂર પડે તો ઉપગ્રહો દ્વારા તમારા માટે આકાશમાંથી ટૉર્ચ થશે! છે ને મજાનો આઇડિયા? 

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની પ્રોફાઈલ ગ્રિડ બદલાશે - આવે છે વર્ટિકલ ગ્રિડ

જાહેરખબર ક્ષેત્રે થશે ક્રાંતિ

‘જો દિખતા હૈ વો બિકતા હૈ’માં માનતી જાહેરખબરની દુનિયા આ ટેકનોલોજી બાબતે ઉત્સાહમાં છે, કેમ કે રાતના સમયે ધરતી પર ઉતરનાર અજવાળાનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરી શકાય એમ છે. એમ થયું તો આપણને રાતના સમયે આકાશમાં ‘તરતી’ ચમકદાર જાહેરખબરો જોવા મળશે. આપણે રસ્તે ચાલતાં જતાં હોઈશું ને એકાએક આપણી સામે કોઈ જાહેરખબર ‘ટપકી’ પડે એવુંય બની શકે. ટૂંકમાં, આ મહત્ત્વાકાંક્ષી કોન્સેપ્ટ ધારણા મુજબ પાર પડ્યો તો જાહેરખબર ક્ષેત્રે ક્રાંતિ થઈ જશે.

મફત નહીં હોય આ સગવડ

અવકાશી અજવાશનો ધરતી પર લાભ લેવું ફ્રી નહીં હોય. એના માટે રૂપિયા ચૂકવવા પડશે. એનો ઘરેલું ઉપયોગ કદાચ બહુ મોંઘો નહીં હોય, પણ એના થકી જાહેરાત કરવામાં ખાસ્સું બજેટ ફાળવવું પડે, એવું બની શકે. 

‘સનલાઇટ ઓન ડિમાન્ડ’ - વાસ્તવિકતા કે ફક્ત દાવો?

રિફ્લેક્ટ ઓર્બિટલના સીઈઓ બેન નોવાકે તાજેતરમાં લંડનમાં 'ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એનર્જી ફ્રોમ સ્પેસ'માં આ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. સૂર્યપ્રકાશની ઉપલબ્ધતાને દિવસ-રાતની મર્યાદામાંથી મુક્ત કરી દેતા આ પ્રોજેક્ટને ‘સનલાઇટ ઓન ડિમાન્ડ’ નામ અપાયું છે. આ પ્રોજેક્ટમાં 57 નાના ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. દરેક ઉપગ્રહ 33 ચોરસ ફૂટના અલ્ટ્રા-રિફ્લેક્ટિવ માયલર મિરરથી સજ્જ હશે. 

આ પણ વાંચો: ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને થશે જેલ? ડોનાલ્ડ ટ્રમ્પે તેની બુક ’સેવ અમેરિકા’માં આપી ધમકી

હોટએર બલૂન પર સફળ પ્રયોગ

‘રિફ્લેક્ટ ઓર્બિટલ’ હવામાં વાતો નથી કરી રહી. સૂર્યઉર્જા નાથવાનો જે દાવો કરાઈ રહ્યો છે એનો સફળ પ્રયોગ તેઓ હોટએર બલૂન પર કરી ચૂક્યા છે. હોટએર બલૂન પર 8 બાય 8 ફીટનો માઈલર મિરર લગાવીને એને આકાશમાં ઊંચે ચડાવીને એના થકી ધરતી પર સૂર્યકિરણો પ્રતિબિંબિત કરવામાં એમને સફળતા મળી છે ખરી, પણ એ બલૂન અમુક સો મીટર જ ઊંચે ગયું હતું, અને પ્રાસ્તાવિક પ્રોજેક્ટમાં 600 કિમોલીટરની ઊંચાઈથી પ્રકાશ પરિવર્તિત કરવાની વાત છે, જે પડકારજનક સાબિત થઈ શકે એમ છે.

નવો નથી આ કોન્સેપ્ટ

અકલ્પનીય લાગતી ‘રિફ્લેક્ટ ઓર્બિટલ’ યોજનાનો વિચાર નવો નથી. ભૂતકાળમાં રશિયા આવો પ્રયોગ કરી ચૂક્યું છે. 1992માં રશિયાએ Znamya 2 મિશન લોન્ચ કર્યું હતું. એમાં ભ્રમણકક્ષામાં એક અરીસો ગોઠવવામાં આવ્યો હતો, જેના થકી થોડા સમય માટે પૃથ્વી તરફ પ્રકાશના કિરણો ફેંકી શકાયા હતા. સફળતા મળ્યા છતાં એ પ્રયોગમાં આગળ નહોતું વધી શકાયું કેમ કે તે સમયે આકાશમાં ઉપગ્રહો મોકલવા ખૂબ ખર્ચાળ હતા.

આવા ફાયદા થશે આ પ્રોજેક્ટથી

માનવજાતને અમાપ ઉર્જા પ્રદાન કરવા માટે આ પ્રોજેક્ટ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે એમ છે. ચોવીસ કલાક સોલાર એનર્જીનો ધોધ વહેવાથી ધરતીની ઉર્જા-સમસ્યાનું નિવારણ થઈ જાય એમ છે. વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી દુનિયાના કોઈ ખૂણે પાવરકટ નહીં થાય. છત પર સોલાર પેનલ લગાડેલા વાહનો પણ એનો ઉપયોગ કરીને ચોવીસ કલાક ગતિમાન રહી શકશે. મકાન-નિર્માણ ક્ષેત્રે પણ આ સગવડથી ખૂબ લાભ થઈ શકે એમ છે. ઉર્જાની કમીને કારણે હાલમાં જે-જે ક્ષેત્રે સમાધાન કરવા પડે છે એ તમામ આ પ્રોજેક્ટનો લાભ લઈને પ્રગતિ કરી શકશે, ચોવીસ કલાક સંચાલિત રહી શકશે. 

ગેરફાયદા અને ટીકા 

રિફ્લેક્ટ ઓર્બિટલના આ કોન્સેપ્ટની ટીકા પણ શરૂ થઈ ગઈ છે. ટીકાકારોએ નીચેના મુદ્દાઓ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

- આ રીતે રાતના સમયે પણ ધરતીને અજવાળવાથી જાતભાતની શારીરિક સમસ્યાઓ સર્જાશે.

- ધરતી પર પ્રકાશ પ્રદૂષણના સ્તરમાં વધારો થશે, જેને લીધે લોકોની ઊંઘ ખોરવાશે અને બિમારીઓ વધશે.

આ પણ વાંચો: ગેમ રમવાનો શોખ છે, તો IIT ગ્રેજ્યુએટ્સ જેટલી જ સેલરી મેળવી શકો છો એ પણ ગેમ રમીને

- જીવજગત પર ભયંકર હદે પ્રતિકૂળ અસરો પડશે. એમની પ્રજનન ક્ષમતાને ગંભીર અસર થશે. નિશાચર જીવોનું અસ્તિત્વ જોખમમાં પડશે. 

- અમર્યાદિત ઉર્જાને કારણે રાત્રે પણ મોબાઇલ ફોનનો ઉપયોગ વધશે, જે માનવસ્વાસ્થ્ય માટે હાનિકારક હશે.

- આ ટેકનોલોજી થકી આકાશમાં જાહેરખબરોનો ઉકરડો સર્જાશે જે પૃથ્વીના પ્રાકૃતિક સૌંદર્યને ઝાંખપ લગાવશે.

- રાત્રે કરાતાં વૈજ્ઞાનિક પ્રયોગોને ખલેલ પહોંચશે.

આ પ્રોજેક્ટ વિશે જાણીને સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે, બધા જ ક્ષેત્રે ટેકનોલોજી ઘૂસાડવી જરૂરી છે? કમસેકમ રાતની નિરવતા અને શાંતિને તો બક્ષી દો.

હાલ કાગળ પર રહેલી આ યોજના વર્ષ 2025માં અમલમાં મૂકવાની ‘રિફ્લેક્ટ ઓર્બિટલ’ની ગણતરી છે. એ કેટલીક સફળ થશે, એ તો સમય આવ્યે ખબર પડશે.

પાણીની જેમ હવે સૂર્યપ્રકાશ પણ વેચાતો મળશે, રાતના અંધકારમાં ચાહો ત્યાં મેળવી શકશો અજવાળું! 2 - image


Google NewsGoogle News