એપલનો વિઝન પ્રો વીઆર હેડસેટ ખરીદનારા રિટર્ન કરી રહ્યા છે
થોડા સમય પહેલાં આપણે ટેકનોવર્લ્ડમાં એપલ કંપનીના નવા વિઝન પ્રો ડિવાઇસની વાત કરી હતી. વર્ચ્યુઅલ રિઆલિટી પર આધારિત આ હેડસેટ પહેર્યા પછી આપણી
નજર સામે હવામાં તરતા હોય એ રીતે કમ્પ્યૂટરના સ્ક્રીન ઓપન થઈ શકે છે. બરાબર એ જ
રીતે હવામાં તરતું કી-બોર્ડ પણ મળે છે અને આપણે વાસ્તવિક કમ્પ્યૂટર વિના, આ હેડસેટની મદદથી અનેક પ્રકારનાં કામ કરી શકીએ છીએ. આ ડિવાઇસ ફેબ્રુઆરી ૨, ૨૦૨૪ના લોન્ચ થઈ ગયું અને તેનો ઓર્ડર આપનારા લોકોને તેની ડિલિવરી પણ મળવા
લાગી.
કમ્પ્યૂટરના યુગમાં એક નવો જ ચીલો ચાતરે તેવા આ ડિવાઇસે યૂઝર્સમાં ખાસ્સી
ઉત્સુકતા જગાવી હતી. પરંતુ હવે એવી સ્થિતિ છે કે શરૂઆતમાં ઉત્સાહમાં આવીને આ
ડિવાઇસ ખરીદનારા લોકો તેને રિટર્ન કરી રહ્યા છે. એપલ કંપની એવી સગવડ આપે છે કે આ
ડિવાઇસ ખરીદ્યા પછી કસ્ટમરને સંતોષ ન હોય તો તે ૧૪ દિવસમાં ડિવાઇસ રિટર્ન કરીને, ચૂકવેલી રકમનું રિફંડ મેળવી શકે છે.
નોંધવા જેવી વાત એ છે કે વિઝન પ્રો ડિવાઇસ રિટર્ન કરનારા લોકો આ ડિવાઇસ ખરેખર
પાવરફુલ અને નવો જ અનુભવ આપતું હોવાનું સ્વીકારે છે, પરંતુ મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે આ ડિવાઇસ માથા પર પહેરીને તેનો ઉપયોગ
કરવાથી થોડા સમયમાં તેમને બેચેની થવા લાગે છે. ઘણા લોકોની ફરિયાદ છે કે ડિવાઇસ
માથા પર બરાબર ફિટ બેસતું નથી અને એ પહેરતાં તેમને મોશન સિકનેસ પણ થવા લાગે છે.
વિઝન પ્રો ડિવાઇસ રિટર્ન કરવા માટે એક મોટું કારણ તેની આકરી કિંમત હોવાનું પણ
મનાય છે. યુએસમાં અત્યારે આ ડિવાઇસ ૩૪૯૯ ડોલર એટલે કે આશરે ત્રણેક લાખ રૂપિયામાં
વેચાઈ રહ્યું છે. આટલી રકમ ખર્ચ્યા પછી તેનો ઉપયોગ કરવા જતાં માથામાં થતો દુઃખાવો
લોકોને વધુ આકરો લાગે છે!
મેટાના સ્થાપક અને વીઆરની દિશામાં ખાસ્સા આગળ વધી રહેલા માર્ક ઝકરબર્ગે પણ
એપલના વિઝન પ્રો હેડસેટની ટીકા કરતાં કહ્યું છે કે એના કરતાં એમનો વીઆર હેડસેટ વધુ
સારો અનુભવ આપે છે.