પ્રાઇવેટ કંપનીઓ પર ભારી BSNL: સર્વિસ સસ્તી હોવાથી દોઢ કરોડથી વધુ યુઝર્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા છોડીને BSNLમાં જોડાયા
BSNL on Private Telecom company: ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં તાજેતરમાં મોટી ચહલપહલ જોવા મળી છે. પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયાને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) 5G સર્વિસ શરૂ કરવા જઈ રહી છે અને ઘણા યુઝર્સ BSNLમાં કન્વર્ટ થઈ રહ્યાં છે. લગભગ દોઢ કરોડ યુઝર્સે જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા છોડી BSNLમાં જોડાવાનું નક્કી કર્યું છે. આ બદલાવ માટેનું મુખ્ય કારણ પ્રાઇવેટ કંપનીઓના સર્વિસના વધેલા ભાવ અને BSNL દ્વારા ચોક્કસ કિંમતો અને તેમની 4G સર્વિસમાં સુધારો અને 5Gની જાહેરાત છે.
ભાવ વધારો: મુખ્ય કારણ
જુલાઈમાં, જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા રિચાર્જ પ્લાનમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને યુઝર્સ માટે લાગુ થયો હતો. નેટવર્ક અપગ્રેડ અને 5G નેટવર્ક ડેવલપમેન્ટ માટે આ જરૂરી હોવાની દલીલ સાથે તેમણે ભાવ વધાર્યા હતા. જોકે, ભાવ વધારી દેવાથી ઘણા યુઝર્સે અન્ય વિકલ્પોની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે.
BSNLના નેટવર્કમાં વધારો અને ચોક્કસ કિંમતો
BSNLના ભાવ સામાન્ય રીતે ક્યારે વધતા નથી. એક વાર ભાવ નક્કી થયા પછી તેઓ સ્થિર રહે છે. ભાગ્યે જ ક્યારેક તેમના પ્લાનમાં બદલાવ કરવામાં આવ્યો હોય. BSNLનું નેટવર્ક વધારી રહ્યું છે અને 5G સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. BSNL દ્વારા નેટવર્ક વધારવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને 5G માટે આ વર્ષના અંત સુધીમાં ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ સફળ થતા તેની તાત્કાલિક યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. BSNLનું લક્ષ્ય પ્રાઇવેટ કંપનીઓના વધેલા ભાવોથી કંટાળેલા લોકોને ઓછી કિંમતે સારી સર્વિસ પૂરી પાડવાનો છે.
યુઝર્સની પસંદગી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા રિલીઝ કરવામાં આવેલા ડેટા મુજબ, યુઝર્સની પસંદગીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં BSNLને નવા 25.3 લાખ ગ્રાહકો મળ્યા હતા. જુલાઈમાં પણ BSNL સાથે હજારો નવા યુઝર્સ જોડાયા હતા અને બીજા મહિને પણ ઉલ્લેખનીય વધારો થયો હતો. આ બે મહિનામાં પ્રાઇવેટ કંપનીઓથી અંદાજે 83 લાખ યુઝર્સ ગયા હતા. જિયોના 40 લાખ, એરટેલના 24 લાખ અને વોડાફોન-આઇડિયાના 19 લાખ યુઝર્સ કંપની છોડી ગયા હતા. BSNLના નવા ગ્રાહકોમાં 2.5 લાખ યુઝર્સ માત્ર મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) દ્વારા આવ્યા હતા.
આ પણ વાંચો: ગૂગલે ક્રોમ વેંચવું પડશે? મૂળ ગુજરાતના પાટણના અમેરિકન જજ અમિત મેહતાના એ નિર્ણય લેશે
ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર અસર
BSNLની પ્રવેશથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી સ્પર્ધા વધશે. પ્રાઇવેટ કંપનીઓ જ્યારે મનફાવે તે રીતે પૈસા ચાર્જ કરે છે, ત્યારે BSNL જેવી કંપનીઓ યુઝર્સને વધુ ફાયદાકારક બનશે. ઇલોન મસ્કની સ્ટારલિંક પણ ટેલિકોમ માર્કેટમાં પ્રવેશ કરી રહી છે, જેનાથી ગ્રાહકોને વધારે સસ્તા ભાવે સાર્વજનિક સેવા મળશે.